Tuesday, October 25, 2011

દિવાળી : જિંદગીને રિફ્રેશ કરવાની ઘડી



દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
આજે દિવાળી છે. દરેક તહેવાર જિંદગીમાં કંઇક નવું અને તરોતાજા તત્ત્વ ઉમેરે છે. દિવાળીની તો વાત જ ઔર છે. દિવાળી એટલે દીવા અને રંગોળીનું પર્વ. જિંદગીમાં ઉજાસ અને રંગોના ઉલ્લાસનું પર્વ. મિઠાઇ અને ફટાકડાનું પર્વ. એક વર્ષના પૂર્ણવિરામનું પર્વ. આજે વર્ષ પૂરું થાય છે. કાલથી પૂર્ણવિરામ પછીના નવા વાક્યની શરૂઆત થશે.
દિવાળી એ જિંદગીને રિફ્રેશ કરવાની ઘડી છે. જિંદગીના બ્રાઉઝરને ફરીથી લોડ કરવા માટે રિફ્રેશના બટન પર ક્લીક કરી દો. દિવાળીમાં દરેક વ્યક્તિનો પોતાનો એજન્ડા હોય છે. દીકરીને ઘરમાં રંગોળી બનાવવી હોય છેદીકરાને ફટાકડા ફોડવા હોય છેમાને મીઠાઇ અને ઘરને સુશોભિત કરી મહેમાનોની આગતા-સ્વાગતાની તૈયારી કરવાની હોય છે. પિતાને ચોપડા પૂજન કરવાનું હોય છે. નોકરિયાતોને વેકેશનની મજા માણવી હોય છેદાદા-દાદીને મંદિર જવું હોય છે અને વિદ્યાર્થીઓએ થોડો સમય ભણવાનું બધું ભૂલી મજા કરવી હોય છે. દરેક શહેરમાં કોઇ એક મંદિરનું મહત્ત્વ હોય છે, દરેક લોકો આ મંદિરે દર્શન કરવા જાય છે. બાય ધ વેતમારો આજનો એજન્ડા શું છે?
સમયની સાથે તહેવારો બદલાય છે. દિવાળીમાંથી જો કંઇ ગાયબ થઇ ગયું હોય તો એ ગ્રિટિંગ્સ કાર્ડ છે. હવે લોકો એસએમએસ અને ઈ-મેલ્સથી કામ ચલાવી લ્યે છે. કાર્ડ લખવા જેટલી ફુરસદ કોને છેએસએમએસ ફાસ્ટઇન્સ્ટન્ટ અને સસ્તા છે. ઇ-મેલ્સમાં કંઇ ખાસ ખર્ચ થતો નથી. ફેસબુક પર દિવાળી અને ન્યુ યર વિશનો ધોધ વહે છે. હાહજુ વડીલોને પગે લાગવાની પરંપરા અકબંધ છે. ઘણા લોકો માટે તો બેસતા વર્ષનો કાર્યક્રમ ફિક્સ થયેલો હોય છે. પહેલાં આ વડીલના ઘરે જવાનું અને છેલ્લે આ ઘરને પતાવવાનું. ઘરે જઇને પગે ન લાગીએ તો માઠું લગાડી દે તેવા વડીલો પણ હોય છેએને ત્યાં ગયા વગર ન ચાલેકારણ કે નહીંતર આખું વર્ષ સાંભળવું પડે. હા ભઇહવે તો તમે મોટા થઇ ગયાહવે અમારી યાદ ક્યાંથી આવે! લોકોને સારા દિવસોમાં સૌથી વધુ માઠું લાગી જાય છે.
દિવાળીની સાયકોલોજી સેન્સેટિવ છે. લોકો એકદમ ઋજુ અને અત્યંત સંવેદનશીલ બની જાય છે. જરાક અમથું કંઇક ભુલાઇ જાય તો લોકોને ઓછું આવી જાય. બસ દિવાળી ટાણેય આવું કરવાનુંઆખા વર્ષમાં તમે એક દિવસ અમને સાચવી ન શકોતેણે તો મારી દિવાળી બગાડી... આવાં બધાં વાક્યો સાંભળવાં મળતાં હોય છે.
દિવાળીમાં માણસો ઉદાર પણ થઇ જતાં હોય છે. દિવાળી છે કોઇ દુઃખી ન હોવું જોઇએ. દરેક માણસના ચહેરા પણ આનંદ હોવો જોઇએ. આજે કોઇને રડતું જોઇને માણસ સામાન્ય દિવસ કરતાં વધુ ડિસ્ટર્બ થઇ જાય છે. તેને ખુશ કરવા માટે તમામ પ્રયાસો કરે છે. દિવાળીની એ જ મજા છે.
દિવાળીમાં એક ઉન્માદ છે. યંગસ્ટર્સનો મૂડ ક્રેઝી થઇ જાય છે. બાઇક દરરોજ કરતાં વધુ ફાસ્ટ દોડે છે અને કારનું એક્સીલેટર થોડુંક વધારે દબાઇ જાય છે. ફૂલફટાક થઇ ફરવાની મજા અલૌકિક છે.
દિવાળીની મજા દરેક ઉંમરે બદલાય છે. નાના હોય ત્યારે નવાં કપડાં અને ફટાકડાનો ક્રેઝ હોય છે. વહેલા ઊઠીને આંગણે રંગોળી બનાવવી હોય છે અને રાત પડે ટોડલે દીવા મૂકવા હોય છે. ચાઇનીઝ ઇલેક્ટ્રિક સીરીઝ ભલે આવી ગઇ હોય પણ દિવાળીએ દીવા મૂક્યા વગર રોશની અધૂરી લાગે છેકારણ કે દીવા માત્ર પ્રકાશ નથીઉમંગ પણ છે. મોટા થયા પછી ઘણાં મહત્ત્વ,માહાત્મ્ય અને મતલબ બદલાતાં હોય છે.
માણસને દિવાળી ભારે ક્યારે લાગે છેઆવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો શું જવાબ આપોપહેલો વિચાર એ જ આવે કે જેના સ્વજનનું અવસાન થયું હોય તેને પહેલી દિવાળી બહુ ભારે લાગે છે. સાવ સાચી વાત છે. અચ્છાહવે એ સિવાય દિવાળી ક્યારે ભારે લાગેએક ભાઈએ જવાબ આપ્યો કે દીકરી સાસરે ગઇ હોય પછી પહેલી દિવાળીએ! દીકરી વગરની પહેલી દિવાળીએ કંઈક ખૂટતું હોય એવું લાગે છે. દીકરી સાસરે જાય ત્યારે થોડોક ઉલ્લાસ લેતી જાય છે. પૂછી જો જો આ વર્ષમાં સાસરે ગયેલી દીકરીનાં મા-બાપને!
દિવાળી માણસની જિંદગીમાં એક વર્ષ ઉમેરે છે. દિવાળી અને મેચ્યોરિટીને કેટલો સંબંધ છે?કંઇક તો સંબંધ હશે જબાકી લોકો એવું ન કહે કે તારા કરતાં મેં વધુ દિવાળી જોઇ છે. અલબત્ત,કેટલી દિવાળી જોઇ તેના કરતાં કેવી દિવાળી જોઇ એ વધુ મહત્ત્વનું છે. દિવાળી એ માફ કરવાનું અને માફી માંગવાનું પણ પર્વ છે.
તમારું ગયું વર્ષ કેવું ગયુંએ હિસાબ દરેક લોકો માંડતા હોય છે. ૩૬૫ દિવસની તડકી-છાંયડી એકસરખી હોતી નથી. કેટલાંક દિવસોમાં વધુ તાપ લાગ્યો હશે અને થોડાક દિવસોમાં ટાઢક પણ થઇ હશે. હિસાબ-કિતાબમાં બહુ પડવા જેવું નથી. ગયું એ ગયું. હાગયા વર્ષમાં થયેલી ભૂલો આ વર્ષમાં ન થાય અને થોડીક ભૂલો સુધારી શકાય તો ઘણું. સમય સમયનું કામ કરે છે અને સંબંધ સંબંધનું કામ કરે છે. અપ-ડાઉન એ જિંદગીનો ક્રમ છે. અફસોસ કરવાનો મતલબ હોતો નથીઅહેસાસનો મતલબ હોય છે. આજે હળવા રહેવાનો અને હળવા થવાનો દિવસ છે.
એક ચોપડી પૂરી થાય છે અને નવી ચોપડી શ્રી સવા શબ્દ સાથે શરૂ થાય છે. જિંદગીમાં બધું સવાયું થાય એવી આશા અને અપેક્ષા હોય છે. સવાયું અને શતાયુ શબ્દનો મર્મ આજે મજબૂત બને છે. તમારે આવતું વર્ષ સવાયું કરવું છેતો થોડુંક ખંખેરી નાખો. જિંદગીમાં મેળવવા જેવું ઘણું હોય છે અને ત્યજવા જેવું તેનાથી પણ વધુ હોય છે. થોડીક દુશ્મનીથોડીક ઇર્ષાથોડોક ગુસ્સોથોડીક નારાજગીથોડીક ઉદાસી ત્યજી દોજિંદગી આપોઆપ સવાઇ થઇ જશે. બીજું કંઇ ન કરી શકો તો હસવાનું થોડુંક વધારી દો.
દિવાળી આપણો શ્રેષ્ઠ તહેવાર છે. વાઘબારસથી શરૂ થયેલા તહેવારો બેસતા વર્ષ અને ભાઈબીજ સુધી ચાલે છે. પછીના બે દિવસ આરામ અને થાક ઉતારવાના છે. લાભપાંચમથી ધીમે ધીમે ગાડી ગિયરમાં પડે છે. ઘણાં દિવાળીની આ ઝંઝટમાંથી મુક્ત થવા માટે ફરવા ચાલ્યા જાય છે. પસંદ અપની અપનીખ્યાલ અપના અપના. જેને જે ગમે એ કરો એનું નામ જ આનંદ.
કાલની સવાર નવું વર્ષ લઇને ઊગશે. દટ્ટાવાળાં તારીખિયાં હવે દુર્લભ થઇ ગયાં છે. તારીખિયાં પણ ડિજિટલ થઇ ગયાં છે. નવા વર્ષમાં નવું શું હોય છેનવી હોય છે આશાનવાં હોય છે સપનાં અને નવી હોય છે જિંદગીને નવેસરથી જીવવાની તૈયારી. ચલો ઇક બાર ફીર સે...એક નવી શરૂઆત કરીએ. ચારે દિશાઓથી આપણને સહુને શુભ વિચારો પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ... હેપી દિવાળીહેપી ન્યુ યર.