મુંબઈ : 30, ઓક્ટોબર
કેબીસી-5માં નિર્ધારિત સર્વાધિક રકમ જીતનારા બિહારના સુશીલકુમાર પહેલા સ્પર્ધક બન્યા છે. સુશીલકુમાર બિહારમાં મોતિહારીના હનુમાન ગઢીના હેનરી બજારમાં રહે છે. પાંચ ભાઇઓમાં ત્રીજા નંબરના સુશીલકુમાર પોતાના જીવનનો ગુજારો કરવા માટે ટ્યુશન પણ કરાવે છે. સુશીલકુમાર વ્યવસાયે શિક્ષક છે અને તેમની માસિક આવક છે રૂપિયા 6500.
સુશીલકુમાર જે ઘરમાં રહે છે તે પહેલેથી જ ગીરવી મૂકેલું છે. કરોડપતિ બન્યા બાદ સુશીલની પહેલી ઇચ્છા છે કે તે આ ઘરને દેવામાંથી છોડાવી બીજું એક નવું ઘર ખરીદે જ્યાં તમામ ભાઈઓ હળીમળીને રહી શકે. તેમના ભાઈઓ અનુસાર માતા સરસ્વતી અને માતા લક્ષ્મીની કૃપાથી સુશીલકુમાર કૌન બનેગા કરોડપતિ જીતી શક્યા. તેઓ તમામ સુશીલકુમારની આ સફળતાથી અત્યંત ખુશ છે.
ભલે કેબીસીમાં તમામ પ્રશ્નોના જવાબ આપી સુશીલે પાંચ કરોડની ઇનામી રકમ જીતી લીધી હોય પણ ઉલ્લેખનીય વાત એ છે કે સુશીલ એકવાર મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થઇ ગયા હતા. તેમના ઘરના સભ્યોનું માનીએ તો નિષ્ફળતા બાદ સુશીલે પાછું વળીને જોયું પણ નથી. કદાચ તેમની આ જ લગ્ન અને ઇચ્છાશક્તિએ આજે તેમને આ મુકામ પર પહોંચાડી દીધા.
સુશીલ કરોડપતિ બન્યા ત્યારબાદ શૉના હોસ્ટ અમિતાભ બચ્ચને જણાવ્યું કે સુશીલકુમાર એક નાનકડા ગામમાંથી આવે છે. તેઓ ચંપારણ, બિહારમાંથી છે જ્યાં તેઓ શિક્ષક અને કમ્પ્યુટર ઓપરેટર છે. નવાઇની વાત તો એ છે કે ટેલિવિઝન શૉમાં વિજેતા બનીને પાંચ કરોડ જેટલી મોટી રકમ જીતનારા સુશીલ કુમારના પોતાના ઘરે ટીવી પણ નથી. સુશીલકુમાર કોઇ બીજાના ઘરે જઇને કરોડપતિ નિહાળતા હતા.
પણ કેબીસીમાં જીતેલી પાંચ કરોડ રૂપિયાની રકમ હવે સુશીલને નવું ઘર પણ અપાવશે અને ટીવી પણ. એટલું જ નહીં, પાંચેય ભાઇઓ સાથે એક ઘરમાં રહી શકે તેવું સુશીલનું સપનું પણ પૂરું થશે.