નવી દિલ્હી, તા.૨૫ કેન્દ્ર સરકારે હવે રૂ. ૧૦ લાખને બદલે રૂ. ૧૫ લાખ સુધીની હાઉસિંગ લોન પર એક ટકા વ્યાજ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ધિરાણ લેનારાઓને વાર્ષિક રૂ. ૧૪,૮૬૫ સુધીનો લાભ થશે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં રૂ. ૨૫ લાખથી વધુ કિંમત નહિ ધરાવતા હોય તેવાં ઘરો પર રૂ. ૧૫ લાખ સુધીની લોન પર એક ટકા વ્યાજ સબસિડી આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. ૨૦૦૯માં દાખલ કરવામાં આવેલી સ્કીમ હેઠળ રૂ. ૨૦ લાખથી વધુ કિંમત ન હોય તેવાં ઘરો પર રૂ. ૧૦ લાખ સુધીની લોન પર એક ટકા વ્યાજ સબસિડી આપવામાં આવે છે. "હવે આ યોજનાને અમલમાં મૂકવા માટે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં રૂ. ૫૦૦ કરોડની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે" તેમ રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ જણાવ્યું હતું. હાઉસિંગ લોનની મર્યાદામાં વધારો કરાતાં રૂ. ૧૫ લાખની લોન લેનાર એક વ્યક્તિગત ધિરાણ લેનારની સબસિડીની મર્યાદા વધીને વાર્ષિક રૂ. ૧૪,૮૬૫ થઇ જશે. જે હાલમાં રૂ. ૧૦ લાખ સુધીની લોન પર માત્ર રૂ. ૯,૯૧૦ જ હતી. સરકારે શિડયુલ્ડ કોર્મિશયલ બેંકો અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ એમ બન્ને માટે આ યોજનાના અમલ માટેની મધ્યસ્થ સંસ્થા તરીકે નેશનલ હાઉસિંગ બેંકને નિયુક્ત કર્યા છે. સોનીએ કહ્યું હતું કે, નીચી અને મધ્યમ આવક જૂથમાં હાઉસિંગ ખરીદવાની ક્ષમતા વધે અને તેમની ધિરાણની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. |