લંડન, તા. ૨૬ નાનાં બાળકોની આઉટડૉર ગેમ્સ બંધ થઈ જતાં બાળકોની દ્રષ્ટિ અને જોવાની ક્ષમતા પર માઠી અસર થતી હોય છે, જે બાળકો વધુ સમય ઘરમાં જ ભરાઈ રહે છે અને ઇનડૉર વીડિયો ગેમ્સ રમવામાં રચ્યાપચ્યાં રહે છે તેમને દૂરનું જોવામાં તકલીફ પડે છે અને નાની ઉંમરે ચશ્માંના નંબર આવી જતા હોય છે. બાળકોની દ્રષ્ટિમાં કુદરતી પ્રકાશ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંશોધકોના મતે જે બાળકો આઉટડૉર ગેમ્સ રમતાં નથી તેઓને દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ અંગે અગાઉના આઠ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તેમનું તારણ હતું કે જે બાળકો દર અઠવાડિયે દરેક વધારાનો કલાક બહાર કુદરતી પ્રકાશ વચ્ચે રમવામાં વિતાવે છે તેમને શોર્ટ-સાઇટ એટલે કે માયોપિયા થવાનું જોખમ ૨ ટકા ઘટે છે, આમાં ૧૦,૦૦૦થી વધુ બાળકોનો અભ્યાસ કરાયો હતો. આ તારણોને અમેરિકન એકેડમી ઓફ ઓપ્થાલ્મોલોજી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડૉ. જસ્ટિન અને તેમની ટીમે એવું તારણ રજૂ કર્યું હતું કે જે બાળકો આઉટડૉર ગેમ્સ રમવામાં દર અઠવાડિયે સરેરાશ ૩.૭ કલાક ઓછા ગાળે છે તેમને શોર્ટ -સાઇટની તકલીફ વધે છે અને અન્ય બાળકોની તુલનામાં તેમનામાં સામાન્ય વિઝન હોતું નથી, જો કે ડૉ. જસ્ટિનનું કહેવું હતું કે જે બાળકો વધારે સૂર્યપ્રકાશ લે છે તેમને યુવી રેડિયેશનની મુશ્કેલી થાય છે અને ચામડીનું કેન્સર થવાની કે નાની ઉંમરે મોતિયો આવવાની શક્યતાઓ વધે છે, જો કે બીજી બાજુ વધારે સૂર્યપ્રકાશ મળવાથી તેમને ડાયાબિટીસ થવાની કે મેદ વધવાની શક્યતા ઘટે છે.
|