Friday, October 28, 2011

વીમા એજન્ટ એક કરતા વધારે કંપનીઓના પ્રોડક્ટ વેચી શકશે



મુંબઈતા.૨૬
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએ) એક વીમા કંપની કરતા વધુની પ્રોડક્ટ વેચવા એજન્ટોને મંજૂરી આપવાની તૈયારીમાં છે. આના કારણે ઇન્સ્યોરન્સ એજન્ટોને મોટો ફાયદો થાય તેવી શક્યતા છે. પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ એજન્ટો હાલ માત્ર એક જ વીમા કંપનીની પ્રોડક્ટ વેચી શકે છે પરંતુ આઈઆરડીએના ચેરમેન હરિનારાયણે કહ્યું છે કે વર્તમાન વૈશ્વિક પ્રવાહ સંકેત આપે છે કે આનાથી આગળ વધવાની જરૂર છે.
માત્ર એક જ કંપનીની પ્રોડક્ટ વેચવાની હાલમાં એજન્ટોને મંજૂરી આપવામાં આવી છે. એક કરતા વધુ કંપનીની પ્રોડક્ટ વેચવા એજન્ટોને મંજૂરી આપવાની દરખાસ્ત ઉપર વિચારણા ચાલી રહી છે. હોંગકોંગમાં આ પ્રકારનો પ્રયોગ થઈ ચૂક્યો છે. ઇંગ્લેન્ડમાં પણ આ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી છે. સપ્ટેમ્બર- ૨૦૧૦માં યુનિટ લીંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (યુલીપ) પર ચાર્જ મર્યાદિત કરવાથી એજન્ટોની આવક ઘટી ગઈ હતી જેના પરિણામ સ્વરૂપે પ્રવર્તમાન સેક્ટરમાં ઘણા લોકોને આવકના બીજા વિકલ્પો ઊભા કરવાની વિચારણા કરવાની ફરજ પડી હતી. વીમા ક્ષેત્રમાં ૩ લાખથી વધુ એજન્ટો સક્રિય થયેલા છે. રેગ્યુલેટરે કઠોર ધારાધોરણોને અમલી બનાવી દીધા બાદ એજન્ટોની સંખ્યા ઘટી ગઈ હતી. હવે વીમા એજન્ટોને વધુ રાહત મળે તેવી શક્યતા છે. ખાસ કરીને માર્કેટ લીડર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ના એજન્ટોને પણ અન્યોની પ્રોડક્ટ વેચવાની તક મળી જશેનવા ધારાધોરણને લઈને નિષ્ણાતોમાં અટકળો ચાલી રહી છે.
વર્ષ ૨૦૦૯-૧૦માં એજન્ટોની સંખ્યા ત્રણ લાખથી ઘટીને વર્ષ ૨૦૧૦-૧૧માં ૨.૬૫ લાખ થઈ ગઈ હતી. એલઆઈસી તેના પ્રોડક્ટના વિતરણ કરનાર એજન્ટોની સંખ્યા સૌથી વધારે છે. ખાનગી વીમા કંપનીઓના યુલીપની ખરીદી પણ વધી છે. એલઆઈસીની માર્કેટ હિસ્સેદારી આશરે ૭૬ ટકાની આસપાસ છે. ઓગસ્ટ- ૨૦૧૧ સુધી નાણાકીય વર્ષ માટે નવા બિઝનેસ પ્રીમિયમની દૃષ્ટિએ એલઆઈસીની માર્કેટ હિસ્સેદારી ૭૬ ટકાની આસપાસ રહી છે. જ્યારે બાકીની વીમા કંપનીની હિસ્સેદારી ૨૩ ખાનગી કંપનીઓમાં વિભાજિત થયેલી છે. નવા ધારાધોરણો એક વર્ષ અગાઉ રજૂ કરવામાં આવ્યા હતા. નવા નિયમો લાગુ કરવાના ઘણા કારણો છે. જેનો મુખ્ય હેતુ અકસ્માત અથવા મોત સામે વધુ રક્ષણ મેળવવા ગ્રાહકોને આર્કિષત કરવાનો છે. ભારતીય ઇન્સ્યોરન્સ માર્કેટમાં યુલીપનું વર્ચસ્વ રહેલું છે. સરેરાશ એજન્ટો માસિક આધારે ૫૦૦૦ રૂપિયાની કમાણી કરે છે. ૫થી ૬ ટકા જેટલી વધારાની આવક તેમને મળે છે.
  • આઈઆરડીએની નવી યોજના : ખાનગી એજન્ટોને પણ એલઆઈસીની પ્રોડક્ટો વેચવાની તક મળે તેવી સંભાવના