બર્લિન, તા.૨૪ જર્મન રિસર્ચ સેટેલાઇટ ‘રોસેટ’એ રવિવારે દક્ષિણ-પૂર્વ એશિયામાં કોઇ સ્થળે પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટ્રી કરી હોવાનું એક અમેરિકી વિજ્ઞાનીએ જણાવ્યું છે પરંતુ આ ઉપગ્રહનો કાટમાળ પૃથ્વી પર ચોક્કસપણે ક્યાં ઊતર્યો છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આ કારણસર તેનાથી થયેલા નુકસાન અંગે પણ કોઈ વિગતો મળી નથી. મિની વાનના કદના ‘રોસેટ’ રિસર્ચ સેટેલાઇટના ઘણા ભાગો બળી ગયા હોવાની ધારણા છે, કેમ કે આ ઉપગ્રહ કલાકના ૨૮૦ માઇલ (૪૫૦ કિ.મી.)ની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટર થયો હતો. મેસેચ્યુસેટ્સના કેમ્બ્રિજ ખાતે આવેલા હાર્વર્ડ-સ્મિથસોનિઅન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના જોનાથન મેકડોવેલના જણાવ્યા મુજબ, ‘રોસેટ’ ઉપગ્રહ દક્ષિણ-પૂર્વ એશિયામાં ક્યાંક પડયો હોય તેમ જણાય છે. તેની રિ-એન્ટ્રીના સમયે બે ચાઇનીઝ શહેરો- ચોન્ગિંગ અને ચેંગડુ તેના પાથમાં હતા, જે શહેરો લાખોની વસ્તી ધરાવે છે. જોકે, ઉપગ્રહનો કાટમાળ ગીચ વિસ્તારોમાં પડયો હોય તો અત્યાર સુધીમાં તો તે સંબંધમાં અહેવાલો આવી ગયા હોય. યુએસ મિલિટરી ડેટા આધારિત ગણતરીઓ દર્શાવે છે કે ઉપગ્રહનો કાટમાળ શ્રીલંકાની પૂર્વે હિંદ મહાસાગરમાં કે આંદામાનના દરિયામાં કે મ્યાનમાર અથવા ચીનના અંદરના ભાગમાં ક્યાંક પડયો હોવો જોઇએ. જર્મન એરોસ્પેસ સેન્ટરના જણાવ્યા પ્રમાણે ઉપગ્રહ રવિવારે ૧.૪૫થી ૨.૧૫ (જીએમટી)ની વચ્ચે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો અને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા તેને પંદરેક મિનિટનો સમય લાગ્યો હશે. ઉપગ્રહની પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટ્રી પૂર્વે જર્મન એરોસ્પેસ સેન્ટરે કહ્યું હતું કે, ‘રોસેટ’ ઉપગ્રહનો કાટમાળ યુરોપ, આફ્રિકા કે ઓસ્ટ્રેલિયામાં ખાબકે તેવી ધારણા નથી. આ ઉપગ્રહ અંગે એશિયન સરકારો કે સ્પેસ એજન્સીઓ તરફથી તાત્કાલિક કોઇ અહેવાલ સાંપડયા નથી. ‘રોસેટ’ ઉપગ્રહને પહેલી જૂન, ૧૯૯૦ના રોજ ફ્લોરિડાના કેપ કેનાવેરાલ ખાતેથી ડેલ્ટા-૨ રોકેટ પરથી લોન્ચ કરાયો હતો. ૮ વર્ષ સુધી ઓપરેટેડ રહેલા ‘રોસેટ’ને છેવટે ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ શટડાઉન કરાયો હતો. રોસેટ ઉપગ્રહની દાસ્તાન ‘રોસેટ’ એક જર્મન એરોસ્પેસ સેન્ટરના નેતૃત્વ હેઠળનું સેટેલાઇટ એક્સ-રે ટેલિસ્કોપ હતું, જેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જર્મની, બ્રિટન અને અમેરિકા દ્વારા તૈયાર કરાયાં હતાં. ઓપરેશનનાં પાંચ વર્ષની જોગવાઇ સાથે ૧૮ માસના મિશન તરીકે તેને પહેલી જૂન, ૧૯૯૦ના રોજ ડેલ્ટા-૨ રોકેટ પરથી લોન્ચ કરાયું હતું. ૮ વર્ષ સુધી ઓપરેટેડ રહેલું ‘રોસેટ’ છેવટે ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ શટડાઉન કરાયું હતું. ફેબ્રુઆરી, ૨૦૧૧માં એવા અહેવાલ હતા કે ૨,૪૦૦ કિલો વજનનો આ ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરતી વખતે સંપૂર્ણપણે બળી જાય તેવી શક્યતા નથી, કેમ કે તેને બનાવવામાં સિરામિક્સ અને ગ્લાસનો વ્યાપક ઉપયોગ કરાયો હતો. આ ઉપગ્રહે ગત રવિવારે પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. લોન્ચ ‘રોસેટ’ મૂળે સ્પેસ શટલ પરથી લોન્ચ કરવામાં આવનાર હતું પરંતુ ચેલેન્જર દુર્ઘટનાને કારણે તેને ડેલ્ટા પ્લેટફોર્મ પર ખસેડવામાં આવ્યું હતું. તેના કારણે ‘રોસેટ’ને શટલ સાથે રિકેપ્ચર કરવું અને પૃથ્વી પર પરત લાવવું અશક્ય બની ગયું હતું. ફેલ્યોર-એન્ડ ‘રોસેટ’ને પાંચ વર્ષના મિશન માટે તૈયાર કરાયું હતું. જોકે, ઇક્વિપમેન્ટ ફેલ્યોરના કારણે આ મિશન વહેલું પૂરું કરી દેવું પડયું હતું. તેના થોડા મહિના બાદ રોસેટે ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ શટડાઉન થયા પહેલાં છેલ્લી ઘડીના ઓબ્ઝર્વેશન્સ કર્યાં હતાં. પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટ્રી ૧૯૯૦માં ‘રોસેટ’ ઉપગ્રહ ૫૮૦ કિ.મી.ની ઊંચાઇએ અને ૫૩ અંશના ખૂણે ઓર્બિટમાં મુકાયો હતો. ત્યાર બાદ એટમોસ્ફેરિક ડ્રેગના કારણે ઉપગ્રહે તેની ઊંચાઇ ગુમાવી દીધી હતી. સપ્ટેમ્બર,૨૦૧૧ સુધીમાં તો આ ઉપગ્રહ પૃથ્વીથી અંદાજે ૨૭૦ કિ.મી.ની ઊંચાઇએ આવી ગયો હતો અને ધારણા મુજબ ૨૩ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ તેણે પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટ્રી કરી હતી. તે દિવસે જર્મન એરોસ્પેસ સેન્ટરે એક નિવેદન જારી કરી પુષ્ટિ કરી હતી કે, ‘રોસેટ’ ૧.૪૫ (જીએમટી)થી ૨.૧૫ (જીએમટી) પૃથ્વીના વાતાવરણમાં રિ-એન્ટર થયું છે. ઉપગ્રહના કાટમાળના ટુકડા પૃથ્વીની સપાટી પર પહોંચ્યા છે કે કેમ તેની તે વખતે કોઇ પુષ્ટિ કરવામાં આવી નહોતી. સાયબર હુમલાઓના કારણે ફેલ્યોરના આક્ષેપો વર્ષ ૨૦૦૮માં ‘નાસા’ના ઇન્વેસ્ટિગેટર્સે જણાવ્યું હતું કે, ગોડ્ડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરમાં સાયબર હુમલાના કારણે ‘રોસેટ’માં ફેલ્યોર સર્જાયું છે. આઇટી સિક્યુરિટી અંગેના મુદ્દાઓ માટેની હાઇલી-રિગાર્ડેડ કોમેન્ટરી ગણાતા બ્રુસ શ્નેઇરના બ્લોગ પર પણ આ મુજબ જણાવાયું હતું.
|