સિડની, તા. ૩૧ ડિમેન્શિઆ (ચિત્તભ્રંશ)ની સારવારમાં હ્યુમર થેરાપી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એન્ટિ-સાયકોટિક દવાઓ જેટલી જ અસરકારક હોવાનું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસથી જાણવા મળ્યું છે. ડિમેન્શિઆની સારવાર માટે હ્યુમર થેરાપી લેવાથી દવાઓની ગંભીર આડઅસરોથી પણ બચી શકાય છે. આ અભ્યાસ હાથ ધરનારી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ (યુએનએસડબલ્યુ)ની સ્કૂલ ઓફ સાયકિયાટ્રીના રિસર્ચ ફેલો અને લીડ રિસર્ચર ડો. લી-ફે લોવે કહ્યું હતું કે 'ધ સ્માઇલ' નામનો આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાના જુદા જુદા ભાગોમાં કુલ ૩૬ રેસિડેન્શિયલ એજ કેર ફેસિલિટીઝમાં હાથ ધરાયો હતો, જેમાં કોઇ પણ એક સ્ટાફ મેમ્બરની'લાફ્ટર બોસ' બનવા માટે ભરતી કરાઇ હતી અને તેમને તે માટેની તાલીમ પણ આપવામાં આવી હતી. અભ્યાસથી માલૂમ પડયું હતું કે હ્યુમર થેરાપી ડિમેન્શિઆના દર્દીઓના ઉશ્કેરાટમાં ૨૦ ટકાનો ઘટાડો લાવી શકે છે, જે એન્ટિ-સાયકોટિક દવાઓની સરખામણીએ ઘણું સારું પરિણામ છે. મતલબ કે એન્ટિ-સાયકોટિક દવાઓની આડઅસરોને ધ્યાનમાં લેતાં સારવાર પૂર્વે હ્યુમર થેરાપીની મદદ લેવી દર્દી માટે લાભકારક છે. અભ્યાસમાં આવરી લેવાયેલા દર્દીઓમાં ઉશ્કેરાટનું પ્રમાણ ૧૨ અઠવાડિયાંના હ્યુમર થેરાપી પ્રોગ્રામ દરમિયાન જ નહીં પરંતુ તે પછી પણ નીચું રહ્યું હતું. ૧૨ અઠવાડિયાંના હ્યુમર થેરાપી પ્રોગ્રામ દરમિયાન દર્દીઓમાં હેપીનેસ અને પોઝિટિવ બિહેવિયર્સમાં પણ વધારો જોવા મળ્યો હતો, જોકે આ હેપીનેસ અને પોઝિટિવ બિહેવિયર્સ હ્યુમર થેરાપી પ્રોગ્રામ બંધ થયા બાદ પૂર્વવત્ થઇ ગયા હતા. અભ્યાસનાં તારણો આ સપ્તાહે નેશનલ ડિમેન્શિઆ રિસર્ચ ફોરમ સમક્ષ રજૂ કરવામાં આવશે.
|