ન્યૂ યોર્ક, તા.૨૫ જો યુનાઇટેડ નેશન્સના અંદાજોને સાચા માનીએ તો આજથી એક અઠવાડિયા પછી વિશ્વની વસતી સાત અબજે પહોંચી જશે. હાલમાં વસતીગણતરી ઢંગધડા વગરની અને અધૂરી રહી હોવાથી આ અંગે કોઇ ચોક્કસ અંદાજ બાંધી શકાતો નથી. સેન્સસ બ્યૂરો માને છે કે માર્ચ સુધીમાં વિશ્વની વસતી આ આંકડે પહોંચશે. પરંતુ એમાં કોઇ શંકા નથી કે તે તાજેતરના કોઇ ગાળામાં સાત અબજે પહોંચી જશે અને તે એક સિદ્ધિ હશે. અમેરિકાના સેન્સસના અંદાજોને માનીએ તો ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતી હાલ કરતાં ઓછી થઇ જશે અને તેની ઘટવાની શરૂઆત ૨૦૨૭માં થશે. વિશ્વના વસતીવધારાનો જે રાફડો ફાટયો છે તેને જોતાં ૩૧ ઓક્ટોબરે તે સાત અબજે પહોંચી જશે. આગામી પચાસ વર્ષમાં વધુ બેથી ત્રણ અબજ લોકો પૃથ્વી પર જન્મ લેશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે અને પોલિસી તૈયાર કરનારાઓમાં આ લોકોને સંસાનો પૂરા પાડવાની તીવ્ર ચિંતા વ્યાપી ગઇ છે. હાલમાં આ પૃથ્વી સાત અબજની વસતીનો બોજ ઉઠાવી શકવા સક્ષમ છે કે કેમ અને તેનાથી વિશેષ તો આ સદીના અંત સુધીમાં જ તેમાં ત્રણ અબજનો ઉમેરો થવાનો છે તે જોતાં તેની સાથે ઘણાં સવાલો ઊભા થાય છે. જેમાં ઘરો ઊભા કરવાની સાથે સાથે ખાવાની વસ્તુઓ અને કચરાના નિકાલની વ્યવસ્થા, આરોગ્ય માટેની સવલતો અને પર્યાવરણીય ગુણવત્તા જાળવવા જેવી બાબતો પર ધ્યાન રાખવાનું રહેશે. આટલી વસતીને નિભાવવા માટે વધુ પડતો ખર્ચ કરવામાં આવશે અને તેના કારણે અનેક દેશોમાં ગરીબી વધશે. હાલમાં પશ્ચિમી યુરોપ, જાપાન અને રશિયામાં જન્મ દર નીચો છે. પરંતુ વૃદ્ધોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતાં ચીન અને ભારતમાં હવે ધીમા પડી ગયેલા આર્થિક વૃદ્ધિ દરને સુધારવા માટે નીતિની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. હાલમાં ચીનની વસતી સૌથી વધુ ૧.૩૪ અબજ છે. પરંતુ ત્યાં નવા જન્મતાં બાળકોના વૃદ્ધિ દરમાં ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકાની વસતી ગણતરીના અંદાજો મુજબ, ૨૦૨૭માં વસતીમાં ઘટાડાની શરૂઆત થઇ જશે. ૨૦૫૦ સુધી તે તે આજની સરખામણીએ ઓછી રહેશે. એક બાળકની નીતિને કારણે જન્મ દર ઘટયો છે અને તેની સાથે સાથે જીવવાના ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. ૧૯૭૯માં એક બાળકની નીતિ દાખલ કરવામાં આવી હતી અને ચીનના સત્તાવાળાઓ જણાવે છે કે તેના કારણે ૧૯૭૯ અને ૨૦૧૧ વચ્ચે આશરે ૪૦ કરોડ જન્મને અંકુશમાં રાખવામાં તેને સફળતા મળી છે. ૧૯૭૦માં ચીનની મહિલાઓ સરેરાશ પાંચ કે છ બાળકને જન્મ આપતી હતી.
|