લંડન, તા.૨૫ થિયેટરમાં બેસીને તમારી મનપસંદ ફિલ્મની મોજ માણતી વખતે જો પોપકોર્ન ખાવાની ટેવ હોય તો હવે આવો હળવો નાસ્તો લેતાં પહેલાં બે વખત વિચારજો. હળવો નાસ્તો ગણાતો આ ખોરાક વાસ્તવમાં તમારા વજનમાં નોંધપાત્ર વધારો કરીને તમને અસાધ્ય રોગનો ભોગ બનાવી શકે છે. તાજેતરમાં હાથ ધરાયેલું સંશોધન એવો નિર્દેશ કરે છે કે થિયેટરમાં ફિલ્મ જોતાં જોતાં પોપકોર્ન ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. સ્વાદમાં ખટમીઠી લાગતી પોપકોર્નમાં ૧૨૬૦ કેલરી હોય છે અને ૭૯.૬ ગ્રામ ફેટ હોય છે. મહિલાઓ માટે દરરોજ મહત્તમ ૭૦ ગ્રામથી વધુ ફેટજન્ય ખોરાક લેવામાં આવે તો તે હાનિકારક પુરવાર થઈ શકે છે. આવા પોપકોર્નમાં ૩.૧ ગ્રામ મીઠું હોય છે જે મોટાભાગનાં પુખ્ત વયનાં લોકો માટે માન્ય પ્રમાણ કરતાં ઘણું વધારે છે. પુખ્તો માટે દરરોજ ૧૦૩૦ કેલરી અને ૫૬.૫ ગ્રામ ફેટ માન્ય પ્રમાણ છે. સિનેમાઘરમાં ફિલ્મ જોતાં જોતાં કોકાકોલા પીવાના શોખીનોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેમાં કન્ટેઈનર દીઠ ૩૨૦ કેલરી હોય છે જ્યારે હોટડોગ અને કેચ-અપમાં ૫૮૦ કેલરી હોય છે અને ૩.૨ ગ્રામ મીઠું હોય છે. આમ પોપકોર્નમાં સૌથી વધુ કેલરી, ફેટ અને મીઠું હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે છે.
|