Tuesday, October 25, 2011

ધનતેરસનું માહાત્મ્ય શું છે?(રેડ રોઝ)



રેડ રોઝ -દેવેન્દ્ર પટેલ
ધનતેરસ એ ભગવાન ધન્વંતરિની જયંતી છે
દીપાવલી એ ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલું મહાન પર્વ છે. દિવાળી એ અનેક ઘટનાઓ સાથે સંકળાયેલો શુભ દિવસ છે. આ જ દિવસે ભગવાન શ્રીરામ લંકા પર વિજય કરીને સીતા, લક્ષ્મણ,હનુમાન સહિત આકાશમાર્ગે અયોધ્યા પધાર્યા હતા. જૈનોના ચોવીસમા તીર્થંકર અને અહિંસાની પ્રતિમૂર્તિ સમા ભગવાન મહાવીરને પણ આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું હતું. મહાન સમાજસુધારક અને આર્યસમાજના સંસ્થાપક મર્હિષ દયાનંદ સરસ્વતીએ આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. રામસ્વરૂપ મનાતા સ્વામી રામતીર્થ પરમહંસનો જન્મ અને જળસમાધિ બેઉ દીપાવલીના દિવસે જ પ્રાપ્ત થયાં હતાં. શિખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદજી તથા પરાક્રમી રાજા વિક્રમાદિત્યે પણ આ જ દિવસે વિજયપર્વ મનાવ્યું હતું.
દીપાવલીના દિવસોમાં મા લક્ષ્મીના પૂજનનું એક આગવું મહત્ત્વ છે. તે બધામાં ધનતેરસ સદીઓથી દિવાળીના બે દિવસ પહેલાં આવતું પર્વ છે. દેશના કેટલાયે વિસ્તારોમાં આ દિવસે લોકો શુકન માટે વાસણો પણ ખરીદે છે. ધનતેરસનો અર્થ છે ‘ધન્વંતરિ જયંતી.’ ભગવાન ધન્વંતરિ માનવ સ્વાસ્થ્યની માટે પ્રચલિત આયુર્વેદના દેવ છે. ધન્વંતરિ જયંતીનો અર્થ છે આયુર્વેદ વિદ્યાનું પૂજન અને આયુર્વેદ વિદ્યાના પૂજનનો અર્થ છે- પ્રકૃતિ ઔષધિવનસ્પતિ અને પ્રકૃતિની કૂખમાંથી પેદા થયેલ સમસ્ત પ્રાકૃતિક નિધિઓનું પૂજન. આ પૃથ્વી પર વસતા તમામે તમામ જીવો પર પ્રકૃતિની જે અસીમ કૃપા છે તેની તરફ કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.
દિવાળીની પૂર્વે આવતી તેરસની તિથિને લોકો લક્ષ્મીપૂજનનો શુભ આરંભ માને છે. દીપાવલી પૂર્વેની તેરસને લક્ષ્મીવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે. આ પરંપરા અનુસાર ધન શું છેધનની પૂજાનો અર્થ શું છેશરદ પૂર્ણિમાના તેર દિવસ પછી અને દીપાવલી કે જેમાં લક્ષ્મી અને મહાકાળીના પૂજનના બે દિવસ પહેલાં જ આ પર્વ શા માટે મનાવવામાં આવે છેપંડિતો માને છે કે ધનને પૈસા અને સંપત્તિના સ્વરૂપમાં જ સ્વીકારી લેવાની ખોટી પરંપરાને કારણે લોકો આજે ધનતેરસના દિવસે ધનનું પૂજન કરે છે અને ધનતેરસના દિવસે નવાં વાસણો ખરીદે છે. હકીકતમાં વર્ષોથી ‘ધન’નો અર્થ સમજવામાં કરવામાં આવેલી ભૂલના કારણે ધન એટલે ‘પૈસો’ એવો સીમિત અર્થ કરી દેવામાં આવ્યો છે.
આજની ભારતીય સંસ્કૃતિમાં રૂપિયા-પૈસાને ધનનું જડ સ્વરૂપ માની લેવામાં આવ્યું છેપરંતુ ભારતના વેદ-ઉપનિષદોમાં વાસ્તવિક ધનનો અર્થ ‘સ્વાસ્થ્ય’ને માનવામાં આવ્યું છે. સ્વાસ્થ્યનાં પણ બે સ્વરૂપ છે. એક તો શારીરિક સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય. આયુર્વેદમાં માનસિક સ્વાસ્થ્યને આંતરિક સ્વાસ્થ્ય પણ કહેવામાં આવે છે. ધન ભોગ કરી શકતું નથી તેથી મહાલક્ષ્મી અને મહાકાળીનું પૂજન રાખવામાં આવે છે. ધનતેરસનો દિવસ ખરેખર તો ભગવાન ધન્વંતરિનો જ મહિમા છે. દીપાવલીના આ દિવસો વર્ષા ઋતુની સમાપ્તિ બાદ આવે છે. વરસાદ પછી પ્રકૃતિ ખીલી ઊઠી હોય છે. વૃક્ષો અને વેલાઓ નવપલ્લવિત થઈ ગયાં હોય છે. ડુંગરો લીલાંછમ થઈ ગયા હોય છે. નદીનાળાં ખળખળ વહેતાં હોય છે. તળાવો જળથી ભરાઈ ગયાં હોય છે. જંગલોમાં નવી ઔષધિઓ ખીલી ઊઠી હોય છે અને તે બધાં જ પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. આ નવીન ઔષધિઓના પૂજનનું એક આગવું માહાત્મ્ય છે. વર્ષોથી પૂર્ણિમાના દિવસે સોમ-પાનઅમૃત-પાનને ખીરના સ્વરૂપમાં ખાવામાં આવે છે. એ રીતે જ શરૂ થયેલી પ્રક્રિયા છેક દીપાવલી સુધી ચાલે છે. પ્રચલિત પરંપરામાં કાલીની મૂળ પ્રતિષ્ઠા ઔષધિઓમાં માનવામાં આવી છે. તંત્રમાં એનું વિશુદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન તાંત્રિકોએ તો વિભિન્ન રસાયણો દ્વારા ઔષધિ બનાવવાનું જ્ઞાન પણ આ જ સમયગાળા દરમિયાન પ્રાપ્ત કર્યું હતું. ધનતેરસથી માંડીને અમાવસ્યા-દિવાળીના દિવસ સુધીનો સમય કાલીપૂજનનો સમયગાળો છે. તાંત્રિકો મંત્રસિદ્ધિ માટે આ જ સમયગાળાને શ્રેષ્ઠ માને છે. તંત્રવિદ્યાના નિષ્ણાતો માને છે કે આ સમયગાળા દરમિયાન તુલસીનું પૂજન, આમળાના વૃક્ષનું પૂજન, આમળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરીને કરવામાં આવતું પૂજન શ્રેષ્ઠ છે. આ પૂજનને કારણે દૈહિકદૈવિક તથા ભૌતિક સ્તર પર જીવન સ્વસ્થ રહે છે. આ અત્યંત પવિત્ર સમયગાળો છે. આ સમયગાળો પ્રકૃતિની પૂજાનો છે. અહીં સ્મશાનમાં જઈને ભૂત-પ્રેત બોલાવવાની કે શબપૂજા કરવાની તંત્રવિદ્યાની વાત જરાયે નથી. વાસ્તવમાં પ્રકૃતિ એ જ ધન છે અને પ્રકૃતિની માનવજીવન પર અનુકંપા
સદાયે રહે તે માટે તેની પૂજા કરવાનું માહાત્મ્ય છે.
જે પ્રકૃતિની દયાની માનવીને જરૂર છે તેનાં બે સ્વરૂપ છે. એક છે જીવન સંજીવની અને કાલની સિદ્ધિનાં અધિષ્ઠાત્રી મહાકાળી અને બીજાં છે સમૃદ્ધિ, વૈભવ, ભૌતિક સંપન્નતા તથા શ્રીનાં અધિષ્ઠાત્રી મા લક્ષ્મી. આ બંનેના સહયોગથી માનવજીવનને સુખશાંતિ અને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ જ કારણથી મા લક્ષ્મીના પૂજનની સાથે સાથે આયુર્વેદ વિદ્યાના ભગવાન ધન્વંતરિની જયંતી પણ મનાવવામાં આવે છે. વેદ-ઉપનિષદો કહે છે કે ભગવાન વિષ્ણુનું સહચર્ય પ્રકૃતિ સાથે છે અને લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. મહાકાળીનું વત્સલ રૂપ વિષ્ણુની સાથે જ રચાય છે અને શ્રીની સાથે વિષ્ણુ સ્વરૂપ બિરાજમાન જ હોય છે. ભગવાન ધન્વંતરિ સ્વયં વિષ્ણુના અવતાર મનાયા છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલક છે, રક્ષક છે, લક્ષ્મીના પતિ છે. શ્રીની સાથે સ્વાસ્થ્ય પણ સારું અને તંદુરસ્ત હોવું જોઈએ અને સ્વસ્થ રહેવા માટે ઔષધિ પણ જોઈએ. ‘સ્વસ્થ’નો અર્થ છે લાંબું નિરોગી આયુષ્ય અને ‘શ્રી’નો અર્થ છે પુરુષાર્થનું તેજ. ધન્વંતરિ જે અમૃત-ઘટની સાથે અવતર્યા હતા તેમાં આ બધાંનો સમન્વય છે. આમ તો ત્રણ ધન્વંતરિ થયા. એક તો સમુદ્રમંથનમાં અમૃત-ઘટમાં થયા. બીજા ધન્વંતરિ જેમણે અમૃતને મૃત્યુલોકમાં પ્રાણીઓ માટે સુલભ બનાવ્યું. ત્રીજા ધન્વંતરિને આપણે વધુ ઓળખીએ છીએજે શલ્ય ચિકિત્સા માટે વધુ પ્રસિદ્ધ છે. આ પરંપરા વંશપરંપરા ચાલતી રહી. આ કુળમાં ધન્વંતરિ દિવોદાસ થયા અને તેમના શિષ્ય સુશ્રુત આયુર્વિજ્ઞાનમાં અત્યંત જાણીતા છે.
ધનતેરસને ધન્વંતરિ જયંતી તરીકે આ જ કારણોસર મનાવવામાં આવે છે. એક કારણ એ કે,ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે. દીપાવલી મહાકાળી અને મહાલક્ષ્મીની પૂજાનું પર્વ છે. ધનતેરસના દિવસે ધન્વંતરિની જયંતી અને અમાવસ્યાના દિવસે મહાકાળીનું પૂજન ઉપરોક્ત ધારણાનું જ પ્રતીક છેધનતેરસથી માંડીના છેક ભાઈબીજ સુધીનું સપ્તાહ એક રીતે ધનલક્ષ્મી સ્વાસ્થ્ય (ધન્વંતરિ), ઔષધિ (કાળી), અન્નકૂટ (અન્નપૂર્ણા, યમ દ્વિતીયા) અને યમની પૂજા-આરાધનાનું સપ્તાહ છે. ધનતેરસનો વાસ્તવિક અર્થ આ છે.
એક વાત યાદ રહે કે ધનતેરસથી માંડીને દીપાવલી સુધી મા લક્ષ્મીનું પૂજન કરવાથી એમ માની લેશો નહીં કે ભવ્ય પૂજા કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ જશે. કાળાં કુકર્મો અને ભ્રષ્ટાચારથી એકત્ર કરાયેલું ધન એને એ જ માર્ગે જતું રહે છે. ભવ્ય પૂજા-વિધિ અને ફળોના કરંડિયા મૂકવાથી મા લક્ષ્મી કદી રિઝતાં નથી. મા લક્ષ્મીને મીઠાઈઓની લાલચ આપવાથી તેઓ રાજી થતાં નથી. સાધનશુદ્ધિથી કમાયેલું ધન જ ટકે છે અને માનવજીવનને સુખ-શાંતિ આપે છે. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વસ્છ હૃદય અને સંગીન પુરુષાર્થ જ જોઈએ.