Tuesday, October 4, 2011

૧૦ વર્ષથી સાંબેલાની ધાર પર ગરબે ઘૂમતા મગન કાકા


વિજાપુર,તા.૩
આદ્યશક્તિની આરાધના સમી નવરાત્રીમાં ગરબો દિવસેને દિવસે મોર્ડન થતો જાય છે પરંતુ હજુ પણ કેટલાય લોકો એવા છે જે માતાજીની શ્રદ્ધા થકી જ નવરાત્રીમાં ગરબો રમે છે. માથા પર બે ગરબા લઈને તો ઘણી બધી મહિલાઓ ગરબે રમે છે પરંતુ માથા પર દસ કિલો વજન ધરાવતું અને પાંચ ફૂટ ઊંચા સાંબેલાની ધાર પર ગરબા રમાડતા ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના ૪૫ વર્ષીય કાકા છેલ્લા દસ વર્ષથી આ રીતે ગરબે રમીને માતાજી પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરી રહ્યા છે. ગામ સિવાય ક્યાંય પણ આ રીતે ગરબે ન રમતાં આ કાકાએ મહેસાણાના તિરુપતિ બંગ્લોઝમાં સાંબેલાની ધાર પર કલાકો સુધી ગરબે રમીને આશ્ચર્યચક્તિ કરી મૂક્યા હતા.
  • નવરાત્રીના રસિયાઓ અને માઈભક્તોમાં જોવાતી અનોખી આસ્થા
  • મહેસાણાના તિરુપતિ બંગ્લોઝમાં સાંબેલાની ધાર પર ગરબે ઘુમ્યા
સમગ્ર મહેસાણા જિલ્લાના નવરાત્રીના રસિયાઓ અને માતાજી પ્રત્યેની અપારશ્રદ્ધાને ઉજાગર કરતાં આ કિસ્સામાં માં અંબાની ભક્તિ અને આરાધના સમી ગરબો લઈને રમાતી નવરાત્રીએ છેલ્લા ઘણા સમયથી આધુનિક રૂપ ધારણ કરતાં માતાજીનો ગરબો તો જાણે ક્યાંય આજના પાર્ટી પ્લોટોમાં ખોવાઈ ગયો છે.
ત્યારે આ ગરબાને અને મહાકાળી માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને ઊજાગર કરવા ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના ૪૫ વર્ષીય મગનજી ચતુરજી સોલંકી છેલ્લા ૧૦ વર્ષથી માથે દસ કિલોનું વજન અને પાંચ ફુટ ઊંચાઈ ધરાવતા સાંબેલાની ધાર પર ગરબે રમી રહ્યા છે. પોતાના ગામમાં મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રીમાં સાંબેલાની ધાર પર ગરબે ઘૂમતા મગનજીએ આ નવરાત્રીમાં મહેસાણાની ડેરી પાછળ આવેલા તિરુપતિ બંગ્લોઝમાં માથે સાંબેલાને મૂકી અને તેના પર ગરબો મૂકીને બબ્બે કલાક સુધી સતત ગરબે રમતાં મહેસાણા વાસીઓ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. ઢળતી ઊંમરે પણ દસ કિલોનું વજન ધરાવતા સાંબેલાને પાંચ ફૂટ ઊંચુ બેલેન્સ રાખીને ગરબે ઘૂમવાની પોતાની કળાને મગનજી પોતાની કોઈ આવડત નહીં પરંતુ મહાકાળી માતાજીના આશીર્વાદ માને છે. સાચે જ મગનજીએ સાંબેલાની ધાર પર ગરબે રમીને નવરાત્રીના મોર્ડનાઈઝેશનમાં પણ માતાજીના ગરબાને જીવંત રાખી રહ્યા છે.