Thursday, October 13, 2011

ભારતીયો દર વર્ષે ૩૧૫ અબજની લાંચ આપે છે(ચીની કમ)


ચીની કમ - દેવેન્દ્ર પટેલ
૨૫ વર્ષમાં ૧૦ મોટા કૌભાંડકારોએ રૂપિયા ૩ લાખ કરોડની લૂંટ ચલાવી છે
દેશના મહાન રાજનીતિજ્ઞા કૌટિલ્યએ આજથી અઢી હજાર વર્ષ પહેલાં કહ્યું હતું કે, ‘ઝેરને ચાખવું હોય તો જીભ પર જ મૂકવું પડે. જીભ પર  મૂક્યા વગર તેનો સ્વાદ પારખી ના શકાય. તે  જેટલું સત્ય છે એટલું જ સત્ય એ છે કેસરકારી કર્મચારી અધિકારી પણ રાજ્યની તિજોરીમાંથી એક અંશ ના ખાય તે સંભવિત નથી. બીજું સત્ય એ છે કેપાણીમાં તરતી માછલી ક્યારે પાણી પી જાય છે અને કેટલું પાણી પી જાય છે તે શોધવું પણ જેટલું જ મુશ્કેલ છે એટલું જ સરકારી કર્મચારી કેટલું સરકારી ધન લૂંટી લે છે તે જાણવું મુશ્કેલ છે.’’
ચાણક્યની આ વાત અઢી હજાર વર્ષ પછી પણ સાચી છે. આખો મહિનો મહેનત કરી વર્ષે દહાડે ટેક્સ ભરતો આમ આદમી રોજ લૂંટાય છે. ચોમાસું પૂરું થતાં નવા રસ્તા બને છે અને બીજા ચોમાસામાં તૂટી જાય છે. માથે હેલ્મેટ નહીં પહેરનારા માંડ ૧૦૦ જણનાં ચલણ બને છે. બાકીના  ૧૦૦૦ લોકોના પૈસા લાંચ રૂપે પોલીસ પોતાના ખિસ્સામાં મૂકે છે. પીટીસી કોલેજ ખોલવી હોય તો રૂ.૨૫ લાખમાં પરવાનગી મળે છે અને તે રકમ રાજ્યની તિજોરીમાં નહીં પણ બીજું જ કોઈ લઈ જાય છે. ભ્રષ્ટાચારની  આ વિષ વેલના કારણે સામાન્ય માનવી કરોળિયાના જાળામાં ફસાતો જાય છે. લાંચ લેવી નહીં અને લાંચ આપવી નહીં’ એવું કહેવું સોનેરી વાક્ય જેવું લાગે છે પરંતુ એનો અમલ મુશ્કેલ છે. ધારો કે કાલે જ તમારી નોકરી માટેનો મુંબઈમાં ઈન્ટરવ્યૂ છે. આજે જ કોલ લેટર મળ્યો. રેલવેમાં જગા નથી. કાલે મુંબઈ ના પહોંચો તો નોકરીની તક જતી રહે છે. રેલવે સ્ટેશન પર કોઈ દલાલ ૧૦૦ની નોટ લઈ જગા આપતો હોય તો તમે શું કરશો લાંચ આપીને ટ્રેનમાં બેસી જશો કેનોકરી જવા દેશો દેશનો મધ્યમ વર્ગ બસ આવી જ કોઈ મજબૂરીનો ભોગ બની ચૂક્યો છે. પોતાના બાળકને ઉત્તમ શાળામાં પ્રવેશ મળતો હોય તો તે ડોનેશન (લાંચ) આપવા તૈયાર થઈ જાય છે. મેડિકલ કોલેજોમાં ડોનર્સ સીટ’ એ કાયદેસરનો ભ્રષ્ટાચાર નથી શું સવાલ એ થાય છે કે શું લોકપાલ બિલથી આ ભ્રષ્ટાચાર ખતમ થશે ?  ભગવાનના દર્શન કરવાં લાંચ આપવી પડતી નથી મોટા સાધુ-મહારાજો અને બાપુઓ  ઘેર પધરામણી કરે તે માટે તેમના ચરણોમાં ધરવામાં આવતી રકમને તમે ‘‘શું’’ કહેશો બડાબડા ધર્માચાર્યો પણ પૈસા લઈને શ્રીમંતોના ઘેર જઈ ખીર ખાય છે પરંતુ ગરીબીથી સબડતી શહેરોની ઝૂંપડપટ્ટીમાં  પગ પણ મૂકતા નથી.
જેલો નાની પડે
ખેર !
લોકપાલનો કાયદો આવે અને દરેક રાજ્યોમાં જસ્ટિસ સંતોષ હેગડે જેવા લોકાયુક્ત નિમાય તો દેશના તમામ રાજ્યોમાંથી ૧૦૦૦ પ્રધાનો અને એક લાખ ઉચ્ચ અધિકારીઓને જેલમાં મોકલવા પડે. એ સિવાય દેશમાં ૭૪ લાખથી વધુ સરકારી કર્મચારીઓ છે. એ બધાનો અનુભવ કેવો છે તેની પ્રજાને ખબર છે. તેમાંથી બધા જ લાંચીયા કર્મચારીઓને પકડવામાં આવે તો દેશમાં બીજી એક લાખ જેલો જોઈએ.
વિશ્વમાં કયા દેશમાં કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તેના આકલન માટે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ નામની એક સંસ્થા કામ કરી રહી છે. આ સંસ્થાએ વિશ્વના ૧૭૮ દેશોની યાદીમાં ભારતને ભ્રષ્ટાચારના ઈન્ડેક્સમાં ૮૭મા સ્થાને મૂક્યો છે. જે દેશો પ્રામાણિક છે તેમને શૂન્યથી ૧૦ આંક આપવામાં આવે છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના આંકડા અનુસાર એશિયાના દેશોમાં હોંગકોંગમાં ભ્રષ્ટાચાર ઘણો ઓછો છે. હોંગકોંગને ૧૩ આંક મળ્યો છે. તે પછી જાપાન આવે છે. જાપાનને ભ્રષ્ટાચારની બાબતમાં ૧૭નો આંક  મળ્યો છે. ચીનને ૭૮નો આંક મળ્યો છે. ભારતને ૮૭મો આંક મળ્યો છેએટલે કે ચીન કરતાં ભારતમાં ભ્રષ્ટાચાર વધુ છે. શ્રીલંકાને ૯૧ ટકા અને પાકિસ્તાનને ૧૪૩ આંક મળ્યો છે. એશિયાના દેશોમાં પાકિસ્તાન સહુથી વધુ ભ્રષ્ટાચારી દેશ છે.
૧૭ હજાર કેસો પેન્ડિંગ
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી દેશની અદાલતોમાં ભ્રષ્ટાચારના ૧૭૭૯૨ જેટલા કેસો પેન્ડિંગ છે. એક માત્ર સીબીઆઈ  પાસે જ ૯૯૧૦ જેટલા કેસ પેન્ડિંગ છે.  આ કેસોની તપાસ થઈ ચૂકી છે પરંતુ સજા હજુ થઈ નથી. એક અનુમાન મુજબ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન દસ મોટા કૌભાંડિયાઓએ રૂ. ૩,૦૦,૦૦૦ કરોડની રકમની ભ્રષ્ટાચાર દ્વારા લૂંટ ચલાવી છે. જેમાંનું એક મોટામાં મોટું કૌભાંડ ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ છે.  આ કૌભાંડ દ્વારા  સરકારી તિજોરીને રૂ.૧,૭૬,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. ભારતમાં ૨૮ રાજ્યો પૈકી હાલ ૧૭ રાજ્યોમાં લોકાયુક્ત છે. સૌથી પહેલાં ઓરિસ્સાએ લોકાયુક્તની નિમણૂક ૧૯૭૦માં કરી હતી,પરંતુ ૧૯૯૩માં આ પદને સમાપ્ત કરી દેવામાં આવ્યું.
રૂ.૩૧૫ અબજની લાંચ
એક અંદાજ મુજબ દર વર્ષે ભારતીય નાગરિકોએ રૂ. ૩૧૫ અબજ રૂપિયાની લાંચ આપવી પડે છે. આ રકમ સરકારી કર્મચારીઓઅધિકારીઓ અને મંત્રીઓના  ગજવામાં જાય છે. વિશ્વમાં ૧,૦૦૦ અબજ રૂપિયાનું  લાંચ પેટે ટર્ન ઓવર થાય છે. રૂ. ૨૩૬૦ કરોડની રકમ ભારતીય ન્યાય વ્યવસ્થામાં અપાતી હોવાનું મનાય છે. ભારતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કરનારને વધુમાં વધુ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. એક વર્ષમાં ૧૦૦૦ ભ્રષ્ટાચારીઓને પણ ભારતમાં સજા થતી નથી. એ જ રીતે ભ્રષ્ટાચારની બાબતમાં દેશમાં માત્ર ૩૦ ટકા ફરિયાદો જ દાખલ થાય છે. તેમાંથી માત્ર એક તૃતિયાંશ કેસોની એક વર્ષમાં તપાસ થઈ શકે છે. તેમાંથી ૩૦ ટકા કેસોમાં જ ચાર્જશીટ થાય છે. અને આ ચાર્જશીટ થયેલા મામલાઓમાં માત્ર ૩૦ ટકાને જ સજા થાય છે.
એક અંદાજ પ્રમાણે ભારત સરકાર દ્વારા અપાતું સબસિડીવાળું ૪૦ ટકા કેરોસીન ગરીબ લોકો સુધી પહોંચતું જ નથી. આ કૌભાંડથી સરકારી બાબુઓ અને તેલમાફિયાઓને ૯૦ અબજ રૂપિયાની કમાણી થાય છે. એ જ રીતે યુરિયા પણ બારોબાર વેચાઈ જાય છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં  સરકાર દ્વારા મોકલવામાં આવતું ૮૦ થી ૯૦ ટકા અનાજ ગાયબ થઈ જાય છે.
રૂ. ૨૦ લાખ કરોડ બહાર
કરપ્શન વોચ ડોગ ગ્લોબલ ફાઈનાન્સ ઈન્ટિગ્રીટ’ ના જણાવ્યા મુજબ ઈ.સ. ૧૯૪૮થી ૨૦૦૮ સુધીમાં ભારતમાંથી  રૂ.૨૦,૭૯,૦૦૦ કરોડ રૂપિયા ગેરકાયદે બહારના અનેક દેશોમાં જતા રહ્યા છે. ધી સ્વિસ બેંક એસોસિયેશન’ એ ૨૦૦૮ના રિપોર્ટમાં એ સ્પષ્ટતા કરી છે કેભારતીયોના ૮,૫૦,૯૫૦ કરોડ રૂપિયા સ્વિસ બેંકોમાં જમા છે. આ રકમની એક હજાર રૂપિયાની નોટો એકબીજાની સાથે જોડવામાં આવે તો નોટોની ૩૭ વાર પૃથ્વીની પરિક્રમા કરી શકાય. ૨જી સ્પેક્ટ્રમ આપવાની બાબતમાં જે ગોટાળા થયા તે રકમથી દેશમાં ૮૮૦૦ સોલર પ્લાન્ટ લગાવી શકાય અને દરેક પ્લાન્ટ એક મેગાવોટ વીજળી ઉત્પાદન કરી શકે. એટલેકે ૮૮૦૦ મેગા વોટ વીજળી પેદા કરી શકાય.
હોંગકોંગમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર કેમ છે તે જાણવા જેવું છે. ૧૯૬૦માં હોંગકોંગમાં પણ ભ્રષ્ટાચાર એક મહામારીની જેમ ફેલાઈ ગયો હતો. ૧૯૭૩માં એ વખતના પોલીસ વડા પીટર ગોડબર સામે રૂ. છ લાખ ડોલરની લાંચ લેવા બદલ તપાસ શરૂ થઈ. તપાસ શરૂ થતા જ પોલીસ વડો પીટર દેશ છોડી ભાગી ગયો. આ સમાચાર સાંભળી હોંગકોંગની જનતા રોષે ભરાઈ . જનાક્રોશ ફાટી નીકળતાં લોકોના દબાણથી સરકારે પીટરના મામલામાં એક તપાસ સમિતિ નીમવી પડી. આ સમિતિએ ભ્રષ્ટાચારની તપાસ કમિટીને પોલીસ વિભાગથી અલગ રાખવા ભલામણ કરી. તે પછી હોંગકોંગની સરકારે ૧૯૭૪માં  ઈન્ડિપેન્ડેન્ટ કમિશન અગેઈન્સ્ટ કરપ્શન’ (આઈસીએસી) ની રચના કરી. આ સંસ્થા સરકારથી અલગ અને સ્વતંત્ર છે. તે નગરપાલિકાના અધિકારીઓથી માંડીને ન્યાયાધીશોસાંસદો અને સરકારના પ્રધાનોના  ભ્રષ્ટાચારની પણ તપાસ કરી શકે છે. આ સંસ્થાને કોઈની યે સામે તપાસ કરવા કોઈની યે પરવાનગી લેવી પડતી નથી. હોંગકોંગમાં  ભ્રષ્ટાચાર ઓછો છે તેનું એક કારણ આ પણ છે. પરંતુ વસતીની દૃષ્ટિએ  હોંગકોંગ મેનેજેબલ છેભારતમાં તો વસતી ૧૨૦ કરોડની છે અને ૭૪ લાખ જેટલા સરકારી કર્મચારીઓ છે. ભારતને પોતાના વ્યવહારુ પ્રશ્નો છે. તેથી હોંગકોંગનું મોડેલ ભારતમાં કેટલું વ્યવહારુ બને તે કહેવું મુશ્કેલ છે.