|
નિરોગી રાખતાં યોગાસનો(યોગ ભગાવે રોગ) |
યોગ ભગાવે રોગ - બાબા રામદેવ
સ્વસ્થ રહેવા માટે કસરત કે યોગાસનો નિયમિત કરવા જોઈએ, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એવું જ આસન કરવું કે જે તમને અનુકૂળ હોય અને જે કરવામાં પણ સહેલાં લાગે. અઘરાં અને થકવી નાખનાર આસનોને બળજબરીપૂર્વક કરવાં એ સ્વાસ્થ્ય માટે લાભદાયક નહીં પણ હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલાંક સહેલાં આસનો જાણીએ જે તમને એકદમ ચુસ્ત રાખવાની સાથે સાથે આંતરિક રીતે પણ નિરોગી અને સ્વસ્થ રાખશે.
હલાસનઃ હલાસન એક સહેલું આસન છે. તમારી દિનચર્યામાં તેનો સમાવેશ કરીને તમે તમારું આરોગ્ય જાળવી શકો છો. આ આસન કરોડરજ્જુને સ્વસ્થ અને લચીલી બનાવી પીઠની માંસપેશીઓને મજબૂતી આપે છે અને તમને નિરોગી બનાવે છે. થાઇરોઇડ ગ્રંથિને ચુસ્ત બનાવી સ્થૂળતા, ઠીંગણાપણું તથા શારીરિક નબળાઈ પણ દૂર કરે છે. અજીર્ણ, મંદાગ્નિ, ગેસ, કબજિયાત, હૃદયરોગમાં હલાસન ખૂબ જ લાભકારી છે. મધુપ્રમેહને દૂર કરે છે.
પવનમુક્તાસનઃ ‘નામ તેવા ગુણ’ જેવું આ આસન છે. પેટના વાયુવિકાર માટે બહુ જ ઉત્તમ છે. સ્ત્રી રોગ અને ગર્ભાશયના રોગમાં ફાયદાકારક છે. અમ્લપિત્ત, હૃદયરોગ, ગઠિયો અને કમરની પીડામાં પણ લાભદાયક છે. પેટની વધેલી ચરબીને પણ તે ઘટાડે છે.
વજ્રાસનઃ વજ્રાસન ઘણું જ સહેલું અને લાભકારી આસન છે. તે મનની ચંચળતાને દૂર કરી સ્વાસ્થ્યમાં વધારો કરે છે. જમ્યા પછી કરી શકાય તેવું આ એકમાત્ર આસન છે. વજ્રાસન કરવાથી અપચો, અમ્લપિત્ત, ગેસ, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જમ્યા પછી ૫થી ૧૫ મિનિટ સુધી આ આસન કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે. દૈનિક અભ્યાસમાં આ આસન ૧થી ૧૩ મિનિટ સુધી કરવું પૂરતું છે. તેનાથી ઘૂંટણોની પીડા પણ દૂર થાય છે.
શશકાસનઃ આ આસનનો અભ્યાસ કોઇ પણ કરી શકે છે. આ આસન ઘણું જ સરળ આસન છે અને તેના ઘણા લાભ છે. તે હૃદયની સ્વાભાવિક રીતે માલિશ કરે છે. આંતરડાં, યકૃત, અગ્નાશય અને કિડનીને શક્તિ આપે છે. માનસિક રોગ, તણાવ, ક્રોધ, ચીડિયાપણું, ગુસ્સો વગેરે દૂર કરે છે. સ્ત્રીઓના ગર્ભાશયને શક્તિ આપે છે. પેટ, કમર અને નિતંબની ચરબી દૂર કરે છે.
અર્ધમત્સ્યેંદ્રાસનઃ આ આસન બધી જ ઉંમરના લોકો માટે ઉપયોગી છે. મધુપ્રમેહ અને કમરના દુખાવામાં ફાયદાકારક છે. કરોડરજ્જુની આસપાસ ફેલાયેલી બધી જ નસ-નાડીઓમાં રક્તસંચાર સારી રીતે થાય છે. પેટના વિકારો દૂર કરી આંતરડાંને શક્તિ આપે છે.
મકરાસનઃ આ આસનની મુદ્રા ઘણી જ સહેલી છે. સ્લિપડિસ્ક, સર્વાઇકલ, અને સાયટિકા માટે ઉપયોગી અભ્યાસ છે. અસ્થમા તથા ફેફસાંના કોઈ પણ વિકાર તથા ઘૂંટણોના દુખાવામાં આ આસન ગુણકારી છે.
(વધુ યોગાસનોની વિગત આવતા અંકમાં) |
|