Saturday, October 1, 2011

ગરબા લોકનૃત્યનો ઉત્સવ...


ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે.
આ ભારત ના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણા વાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજી ની સ્તુતિ માં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે. (1)
ગરબો એટલે શું? એ જાણવું અત્યંત જરૂરી છે. ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘गर्भदीपः’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવું અનુમાન કરવામાં આવે છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપઃ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવા વાળા ઘડા ને ગરબો કહેવામાં આવે છે. ‘दीपगर्भः घटः’ પદ જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળ ક્રમે એમાંથી ‘दीप’ પદ છૂટી ગયું. અને ‘गर्भः’માંથી ગરબો આવ્યો. [ दीपगर्भो घटः > दीपगर्भो > गर्भो > गरभो > ગરબો. આ રીતે ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ] (2)
પ્રારંભમાં શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે ઇશ્વરની આરાધનાનો મહિમા હતો. નિઃસંતાન દંપતિ પણ પરમતત્વને પ્રાર્થના કરી અનુષ્ઠાન કરતા હતા. તે યુગમાં પોતાના કુખે દિવ્ય બાળકનો જન્મ થાય, તે માટે ગરબે ધુમીને મા જગદંબાની, શિવ અને શક્તિની આરાધના કરવામાં આવતી હતી. તે એક નૃત્યમય પ્રાર્થના હતી, જેનો હેતુ દિવ્ય આત્માઓના અવતરણ માટે ઇશ્વરના આશીર્વાદ મેળવવાનો હતો.
ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવા ની શક્તિ(ગર્ભ) છે.ગરબો ગર્ભ નું પ્રતીક છે.ગરબા ના ઘટ ની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે.ગર્ભ ની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે.આ ગર્ભમાં રહેલા જીવન ને  સાચવે તેવું શરીર અને મન  મજબૂત તો હોવું જોઈએને? નહિ તો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ? નવ દિવસ પગના ઠેકે  ગરબા ગાવ અને સ્નાયુ અને શરીર મજબૂત બનાવો.નવજીવન ની રક્ષા મજબૂત શરીર જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા મન પણ મજબૂત જોઈએ કે નહિ? પ્રાચીન  ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી  છે.પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાન ની જગ્યાએ પુરુષ ને બેસાડવાનું શરુ થયું.કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબી ને ફીટ છે.(3)
ગર્ભમાં રહેલું બાળક અને ગરબામાં રહેલો દીવડો એક અનુસંધાન કરી આપે છે. ગરબો દર વર્ષે બદલતો રહે છે પણ દીપ ? એ એક પ્રતીક બની રહે છે અને એ બદલતો નથી !! ગર્ભમાં રહેલું બાળક જીવનનું સાતત્ય છે, કાયમ ચાલુ રહેનારી કડી છે.(4) અને આ સાથે નવ દિવસ ગરબા અને ગર્ભની સાચવણી અને સંભાળ નો એક આડકતરો સંકેત પણ માનવને મળે છે. ગરબાના દિવાને પવન ન લાગે એટલે સુંદર ઘડાની દિવાલો તેની રક્ષણ કરે છે તેમ માતા- પિતાને પોતાના ભાવિ સંતાનું રક્ષણ કરવા સૂચન કરાયેલુ હોય તેમ લાગે છે. ગરબાની સાથે માતાજીની આરાધના એ આડકતરી રીતે ભાવિ માતાની સંભાળ અને તેની પ્રત્યે માન દર્શાવવાની ભલામણ કરે છે કારણ કે તો જ સૃષ્ટિ પર માનવજાતનું અસ્તિત્વ રહેશે ...! વળી સ્ત્રી શક્તિ ની પૂજા દ્વારા બેટી બચાવવાનું પણ આડકતરો સંકેત છે.
આપણા પૂર્વજો જેણે પણ આ પરંપરા ચાલુ કરી હશે તે ખરેખર બુધ્ધિમાન અને ખૂબ વૈજ્ઞાનિક સમજણ વાળા હશે તેવુ આ પરથી ફલિત થાય છે પણ શું આપણે આમાંથી બોધ પાઠ લેશુ ?