ત્રીજો સિદ્ધાંત એ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને ૧૧મી ઉભયાત્મક ઇન્દ્રિય મન પર કાબૂ રાખવો.રાજસિક આહાર જેવો કે, વધારેપડતાં માંસ, માછલી, ઇંડાં, ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળાં આહારદ્રવ્યો તથા તીખું, તળેલું, અથાણાં, પાપડ,ચટણીઓ વગેરે આહારદ્રવ્યોથી બચતા રહેવું જોઈએ.આજકાલ આવા રાજસિક આહાર વિહાર અને વિચારોથી જ ૮૦ ટકા રોગ થાય છે. અહીં પણ ઘણાં વાચકોને પ્રશ્ન થશે કે આવા રોગ કયા કયા હોઈ શકે? ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, અમ્લપિત્ત, કાયમી મરડો, રૂમેટિઝમ, પેપ્ટિક અલ્સર, અગ્નિમાંદ્ય, માનસિક ઉશ્કેરાટ, ભય, ટેન્શન, અનિદ્રા, રક્તાલ્પતા, ત્વચાના રોગ, અતિ સ્થૂળતા, કામ શીતળતા વગેરે રોગ રાજસિક આહારના અતિ સેવનથી થાય છે.
આજે યુવાન અને સ્વસ્થ કહી શકાય એવા ચહેરાઓ સાવ ઓછા જોવા મળશે. આ બધું રાજસિક આહાર, બીડી, સિગારેટ, તમાકુ, મદ્યપાન અને ડ્રગ્ઝનું પરિણામ છે. આજકાલની નાની- મોટી અને અદ્યતન ‘એ’ ગ્રેડની આધુનિક અને આલીશાન હોટલો કે રેસ્ટોરાંમાં શું પીરસાય કે અપાય છે? તમે જઈને જોશો તો જણાશે કે રાજસિક આહારની ડિશોમાં વિકૃત, ઉત્તેજિત, પ્રભાવહીન, નિસ્તેજ તથા અભાવયુક્ત ચહેરાઓનાં પ્રતિબિંબ જોવા મળશે. આવા આહારથી આપણી પ્રાકૃતિક ભૂખનું મૃત્યુ થાય છે. જે લોકો આ પ્રકારના આહારથી ટેવાય છે તે લોકોમાં આગળ જતાં અનિદ્રા, મૂત્રાશયના રોગ, પાચન-તંત્રના રોગ, આંતરડાંના અને ત્વચાના રોગ, રક્તવાહિનીઓના રોગ, માનસિક રોગ તથા હૃદયના રોગ થાય છે.
હવે બીજો મુદ્દો એ કે એશઆરામથી બચતા રહેવું. એશઆરામનો સૌથી મોટો દુર્ગુણ એ છે કે તેનાથી શરીર પર મેદ વધે છે અને આયુર્વેદમાં તો મેદસ્વિતાને કષ્ટસાધ્ય વિકૃતિ કહેવાય છે. મેદ વધવાથી આળસ, હાઈ બ્લડપ્રેશર, કામ શિથિલતા, ડાયાબિટીસ, હૃદયના રોગ અને રક્તવાહી નળીઓના રોગ થાય છે.
ત્રીજો સિદ્ધાંત એ છે કે ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. ઇન્દ્રિયોના હીન, મિથ્યા કે અતિયોગથી ઘણાં રોગ થાય છે. ઉદાહરણરૂપે તમે આંખ તથા જીભ જ લો. આ બંને જ્ઞાનેન્દ્રિયો છે અને તે જોવાનું તથા સ્વાદનું જ્ઞાન કરાવે છે. તેના હીન, મિથ્યા કે અતિયોગથી ઘણાં રોગ થાય છે.આંખની નજીક ચોપડી રાખીને વાંચન કરવું કે નજીકથી ટીવી કાર્યક્રમો જોવા તે આંખના હીનયોગને લીધે જ આજકાલ લોકોમાં ચશ્માંનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જોવા મળે છે. જીભ વારંવાર ગળ્યાં આહાર દ્રવ્યોનો સ્વાદ લીધા કરે તો તે અતિયોગ થયો ગણાય. તેનાથી વજન વધવું. હૃદયના રોગ,ડાયાબિટીસ, લિવરના રોગો, મેદના અને ત્વચાના રોગ થાય. આમ ઇન્દ્રિયોના હીન, મિથ્યા કે અતિયોગથી પણ ઘણાં રોગ થવાની શક્યતા રહે છે.ઘરગથ્થુ ઉપચારઃ સૂંઠ, કાળાં મરી, પીપર, અજમો, સિંધાલૂણ, શાહજીરું અને હિંગ આ આઠે ઔષધોને સરખા વજને લઈ ખૂબ ખાંડી ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. આ થયું અમારું વૈદ્યોનું માનીતું ‘હિંગ્વાષ્ટક ચૂર્ણ’ આ આઠ ઔષધોમાં હિંગ પ્રધાન ઔષધ હોવાથી તેનું હિંગ્વાષ્ટક નામ આપવામાં આવ્યું હોય એમ લાગે છે.
