| |
નવી દિલ્હી, તા. ૫
ભારતે આજે વિશ્વનું સૌથી સસ્તું ટેબ્લેટ પીસી લોન્ચ કરીને દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. આ ટેબ્લેટ પીસીને ‘આકાશ’ નામ અપાયું છે, જે સરકારને ૨,૨૭૬ રૂપિયામાં પડશે પરંતુ ઇન્ફર્મેશન ટેક્નોલોજી દ્વારા શિક્ષણનો વ્યાપ વિસ્તારવાના સરકારના કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ પીસી ૫૦ ટકા સબસિડી સાથે ૧,૨૦૦ રૂપિયામાં પૂરાં પાડવામાં આવશે. શરૂઆતમાં આ પીસી ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓને અને પછીથી ધોરણ-૯થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન કપિલ સિબ્બલે અત્રે ‘આકાશ’ ટેબ્લેટ પીસી લોન્ચ કરતાં જણાવ્યું હતું કે, “તમામ કરવેરા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ સાથે ‘આકાશ’ ટેબ્લેટ પીસીની પડતર કિંમત ૨,૨૭૬ રૂપિયા છે પરંતુ આ ટેબ્લેટ પીસી ખરીદવા ઇચ્છતી શૈક્ષણિક સંસ્થાઓને તેની ખરીદીમાં ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે. મતલબ કે શૈક્ષણિક સંસ્થાઓને ‘આકાશ’ રૂ. ૧,૧૦૦થી ૧,૨૦૦માં પડશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ ડિવાઇસ બનાવનારી બ્રિટિશ કંપની ‘ડેટાવિન્ડ’ને પહેલો ઓર્ડર એક લાખ ડિવાઇસ બનાવવાનો અપાયો છે. પછીથી વધુ મોટા ઓર્ડર આપવામાં આવશે, જેથી ડિવાઇસના ભાવ વધુ નીચા લાવી શકાય, જો ૧૦ લાખ ડિવાઇસનો ઓર્ડર આપવામાં આવે તો સરકારને તે રૂ. ૧,૭૫૦માં પડે તેમ છે, આમ, મેં ૩૫ ડોલર (અંદાજે ૧,૭૦૦ રૂપિયા)માં ટેબ્લેટ પીસી આપવાનું વચન પાળી બતાવ્યું છે.”
· રૂ. ૨,૨૭૬નું PC સરકાર શૈક્ષણિક સંસ્થાઓને ૫૦ ટકા સબસિડી સાથે રૂ. ૧,૨૦૦માં પૂરાં પાડશે
· ડિવાઇસ બનાવનારી બ્રિટિશ કંપની ‘ડેટાવિન્ડ’ને પહેલો ઓર્ડર એક લાખ ડિવાઇસનો અપાયો છે
‘ડેટાવિન્ડ’ના સીઇઓ સુનિતસિંહ તુલીના કહેવા પ્રમાણે, સામાન્ય જનતા માટે આ પીસી નવેમ્બરમાં બજારમાં મૂકવામાં આવશે અને તેની કિંમત ૩,૦૦૦ રૂપિયા રાખવામાં આવશે.
‘આકાશ’ ટેબ્લેટ પીસી ગુગલની એન્ડ્રોઇડ ૨.૨ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. ઇન્ટરનેટ ચલાવવા માટે તેમાં વાઇફાઇ કનેક્ટિવિટીની પણ સુવિધા રહેશે. ૩૬૬ મેગાહર્ટ્ઝ પ્રોસેસર, ૨૫૬ એમબી રેમ અને ૨ જીબી એસડી મેમરીકાર્ડ, ૩૨ જીબી એક્સ્પાન્ડેબલ મેમરી અને બે યુએસબી પોર્ટ તેનાં મુખ્ય આકર્ષણ રહેશે. બજારમાં હાલમાં જે સસ્તાં ટેબ્લેટ પીસી ઉપલબ્ધ છે તે આશરે ૯૯ ડોલર (૪,૫૦૦ રૂપિયા)નાં છે. આ અગાઉ ૧૦ ડોલરનાં કમ્પ્યૂટર બજારમાં લોન્ચ કરવાના પ્રયાસ થયા હતા પરંતુ ડિવાઇસને લઈને ટીકા થઈ હતી.
અગાઉ ૩૫ ડોલરમાં લેપટોપ બનાવવાની યોજના હતી પરંતુ ત્રણ વર્ષમાં તેના સ્વરૂપમાં ફેરફાર કરાયો છે. ‘આકાશ’ ટેબ્લેટ પીસીનું વજન ૩૫૦ ગ્રામ છે અને તે ૭ ઈંચની ટચસ્ક્રીન ધરાવે છે. ૮૦૦ x ૪૮૦ રિઝોલ્યુશન છે. આ ટેબ્લેટ પીસીની ૧૨ મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી આપવામાં આવશે, તે ડીઓસી, ડીઓસીએક્સ, પીડીએફ અને પીપીટીએક્સ જેવા ફોર્મેટની ફાઇલ્સને સપોર્ટ કરશે. ‘આકાશ’ ટેબ્લેટ પીસી ૩.૫ એમએમ હેડફોન જેટ પણ ધરાવે છે. આ ટેબ્લેટ પીસી ૨૧૦૦ મેગાહર્ટ્ઝની બેટરી અને ૧૮૦ મિનિટનો બેટરી બેકઅપ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫ ગણો વધારો થયો છે.
‘આકાશ’ ટેબ્લેટ પીસીના ફીચર્સ
1) બ્રિટિશ કંપની ‘ડેટાવિન્ડ’ દ્વારા ઉત્પાદન કરાયું.
2) ગુગલની એન્ડ્રોઇડ ૨.૨ ઓપરેટિંગ સિસ્ટમ.
3) પીસીનું વજન ૩૫૦ ગ્રામ છે અને તે ૭ ઈંચની ટચસ્ક્રીન ધરાવે છે.
4) ૮૦૦ x ૪૮૦ રિઝોલ્યુશન.
5) ઇન્ટરનેટ માટે વાઇફાઇ કનેક્ટિવિટીની સુવિધા.
6) ૩૬૬ મેગાહર્ટ્ઝ પ્રોસેસર, ૨૫૬ એમબી રેમ, ૨ જીબી એસડી મેમરીકાર્ડ.
7) ૩૨ જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી.
8) ૨ યુએસબી પોર્ટની સુવિધા.
9) ૨૧૦૦ મેગાહર્ટ્ઝની બેટરી. ૧૮૦ મિનિટનો બેટરી બેકઅપ.
10) ૧૨ મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી.
11) ડીઓસી, ડીઓસીએક્સ, પીડીએફ, પીપીટીએક્સ જેવા ફોર્મેટની ફાઇલ્સને સપોર્ટ કરશે.
12) ‘આકાશ’ ટેબ્લેટ પીસીમાં ૩.૫ એમએમ હેડફોન જેટ પણ છે. |
|