
લંડન : તા. 12 ઓગષ્ટ
બ્રિટનમાં જાહેરક્ષેત્રમાં ઘટેલી રોજગારી સરભર કરવામાં ખાનગી કંપનીઓ નિષ્ફળ જતાં બેરોજગારોની સંખ્યા ૧૯૯૪ પછીની મતલબ કે ૧૭ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ છે અને તેનાં પગલે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે બ્રિટિશ અર્થતંત્ર મંદીમાં ધકેલાઇ શકે છે.
બેરોજગારોની સંખ્યા વધતાં બ્રિટન સરકાર પર અર્થતંત્રને જોમ પૂરું પાડવાનું દબાણ વધશે. સત્તાવાર આંકડા મુજબ,બ્રિટનમાં બેરોજગારીના લાભ માટે દાવો કરનારાઓની સંખ્યામાં સપ્ટેમ્બરમાં ૧૭,૫૦૦નો વધારો થયો હતો. બેરોજગારોની સંખ્યામાં ૨૫,૦૦૦નો વધારો થવાનો વિશ્લેષકોનો અંદાજ છે.
બ્રિટનમાં બેરોજગારીના દરની વાત કરીએ તો આ દર ૮.૧ ટકાએ ઓક્ટોબર, ૧૯૯૬ પછીની (૧૫ વર્ષની) સૌથી ઊંચી સપાટીએ છે. બેંક ઓફ ઇંગ્લેન્ડે (બીઓઈ) મંદી ખાળવા અર્થતંત્ર માટે ગત સપ્તાહે સ્ટીમ્યુલસ પેકેજ બહાર પાડતાં વધુ ૭૫ અબજ પાઉન્ડ ઠાલવ્યા હતા,જોકે, બીઓઈના અર્થશાસ્ત્રી સ્પેન્સર ડેલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં બ્રિટિશ અર્થતંત્ર વધુ નબળું પડે તેવી શક્યતા છે.