![]() મુંબઇ, તા.૫ ભારત સહિત એશિયાઇ બજારમાં એક તરફ મંદીનો માહોલ છવાયો છે ત્યારે બીજી તરફ ઉદ્યોગજગત સહિત રિયલ એસ્ટેટ માર્કેટના ખેરખાંઓને અચંબામાં નાખી દે એવી ઘટના બની છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં ઐતહાસિક કહી શકાય તેવો એક વિક્રમી સોદો સાંતાક્રુઝમાં મુંબઇ ડોમેસ્ટુરિ એરપોર્ટ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં થયો છે. અહીં દસ બાય દસ સ્ક્વેર ફૂટનું ઝૂંપડું પ્રતિ સ્ક્વેર ફૂટ ૫૬ હજારની કિંમતે ૫૬ લાખ રૂપિયામાં વેચાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મૂળ ગુજરાતના વતની પરંતુ વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયેલા એવા કિશોર પટેલે આજથી ત્રણ વર્ષ અગાઉ સાંતાક્રુઝમાં એરપોર્ટ નજીક આવેલી ઝૂંપટપટ્ટીમાં એક ઝૂંપડું ખરીદ્યું હતું. એ ઝૂંપડાને કારણે કિશોર પટેલને જાણે લોટરી લાગી છે. રાજન વસંત ધ્રુવે નામના ડેવલોપરે કિશોર પટેલનું ઝૂંપડું પ્રતિસ્ક્વેર ફૂટ ૫૬ હજારના ભાવે ખરીદ્યું છે. ડેવલપર ધ્રુવે માત્ર કિશોર પટેલનું ઝૂંપડું જ નહીં, નેતાજી સુભાષનગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો અંદાજિત સિત્તેર ટકા હિસ્સો ખરીદી ચૂક્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માર્કેટના જાણકારોના મત મુજબ એમએમઆરડીએ તાજેતરમાં જ એરપોર્ટ રિડેવલોપમેન્ટ પ્લાનની જાહેરાત કરી હતી. એમએમઆરડીની જાહેરાત મુજબ મુંબઇ ડોમેસ્ટિક એરપોર્ટની આસપાસના ૧૮૦ એકર જેટલા વિસ્તારનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવી જાય છે. જેમાં સાંતાક્રુઝ એરપોર્ટ પાસેથી ઝૂંપડપટ્ટી ઉપરાંત નારાયણનગર, નેતાજી સુભાષનગર, ચિત્તાપાડા,પાર્લા અને કુર્લાની ઝૂંપડપટ્ટીનો સમાવેશ થાય છે. એમઆઇએએલ (મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓર્થોરિટી લિ.)ને રિડવલમપેન્ટ પ્રોજેક્ટના અંતર્ગત રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી એચડીઆઇએલ કંપની સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. તેની અસરના ભાગરૂપે જ એરપોર્ટની આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તારની માર્કેટ વેલ્યૂમાં અકલ્પનીય વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, બજારના જાણકારોના મત મુજબ મુંબઇના સૌથી પોશ વિસ્તાર ગણાતા કોલાબા-કફ પરેડમાં હાલના સમયે ફ્લેટની કિંમત સરેરાશ પ્રતિ સ્ક્વેર ફૂટ ૩૫થી ૪૫ હજાર રૂપિયા અંકાય છે. જ્યારે એરપોર્ટથી નજીક બાંદરા પૂર્વના વિસ્તારમાં મકાનની કિંમત ૩૫થી ૪૧ હજાર સ્ક્વેર ફૂટની વચ્ચે હોય છે. આ માર્કેટ રેટ સામે એરપોર્ટ પાસેથી ઝૂંપડપટ્ટીમાં પ્રતિસ્ક્વેર ફૂટ ૫૬ હજારનો ભાવ અકલ્પનીય અને વિક્રમી છે. |
