Thursday, October 6, 2011

ડેનીયલ શેશમેનને કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ



સ્ટોકહોમતા.૫
ઇઝરાયેલના જાણીતા વૈજ્ઞાનિક ડેનીયલ શેશમેનની કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી છે. સ્ફટિક જેવા પાસાદાર પદાર્થની શોધ માટે તેમને આ પ્રતિષ્ઠિત પ્રાઈઝ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવશે. રોયલ એકેડમી ઓફ સાયન્સિસના જણાવ્યા મુજબ ડેનીયલની ૧૯૮૨માં કરવામાં આવેલી આ શોધ પછી ઘન પદાર્થ માટેનો રસાયણ શાસ્ત્રનો આખો નજરિયો જ બદલાઈ ગયો હતો. સંશોધકો અગાઉ એવું માનતા હતા કે મોઝેઈક જેવા આ ક્વાસી ક્રિસ્ટલ કેમિકલ સ્ટ્રક્ચરનું અસ્તિત્વ જ શક્ય નથી.
અગાઉ એવી માન્યતા હતી કેએટમ્સને ક્રિસ્ટલની અંદર સિમેટ્રિકલ પેટર્નમાં પેક્ડ કરી શકાય છે પણ ડેનિયલની શોધે આ માન્યતામાં ધરમૂળથી ફેરફાર આણ્યો હતો. શેશમેને સાબિત કરી આપ્યું હતું કેક્રિસ્ટલમાં એટમ્સને એવી પેટર્નથી પેક્ડ કરી શકાય છે જે ફરી રિપિટ કરી શકાતી નથી.
·       સ્ફટિક જેવા પાસાદાર પદાર્થની શોધ માટે સન્માન કરાશે
ઈસ્લામિક મોઝેઈકની જેમ ડેનીયલે તે વખતે એલ્યુમિનિયમ અને મેંગેનીઝનું મિશ્રણ કરીને માઈક્રોસ્કોપની મદદ વડે નવી પેટર્નની શોધ કરી હતી. તે પછી ક્વાસી ક્રિસ્ટલને લેબોરેટરીમાં બનાવવાનું શરૂ થયું હતું.  સ્વિડિશ કંપનીના મતે તે સ્ટીલનું એક મજબૂત સ્વરૂપ છે. જેનો ઉપયોગ હાલ રેઝર બ્લેડ અને પાતળી નીડલ બનાવવા થાય છે. આ નીડલનો ઉપયોગ મોટાભાગે આંખની સર્જરી માટે કરાય છે. આ ઉપરાંત તેનો ફ્રાયિંગ પેન્સએન્જિન્સમાં હિટ ઈન્સ્યુલેશન અને લાઈટ એમીટિંગ ડીવાઈસ-એલઈડીમાં પણ તેનો પ્રાયોગિક ઉપયોગ કરાઈ રહ્યો છે.
ડેનીયલની આ શોધે તે વખતે ખાસ્સો વિવાદ જગાવ્યો હતો અને તેના રિસર્ચ ગ્રૂપમાંથી તેને છૂટો કરવામાં આવ્યો હતો. જોકેઆ અંગે ઘણી લાંબી લડાઈ લડવામાં આવી હતી જેમાં તેને સફળતા મળી હતી અને વૈજ્ઞાાનિકોએ તેના અભિગમ અને ખ્યાલને સ્વીકારવો પડયો હતો. શેશમેન હૈફા ખાતે ઇઝરાયેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે. કેમિસ્ટ્રીના આ નોબેલ પ્રાઈઝ સાથે ૨૦૧૧ના સાયન્સ એવોર્ડની જાહેરાતનો અંત આવે છે.
શેશમેનને ૧૫ લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. નોબેલ પ્રાઈઝના પુરસ્કર્તા આલ્ફ્રેડ નોબેલનું ૧૮૯૬માં મૃત્યુ થયા પછી તેમની યાદગીરીમાં દર વર્ષે ૧૦ ડિસેમ્બરે વિજેતાઓને નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવે છે.
ડેનીયલ શેશમેનની પ્રોફાઈલ 
ડેનિયલ શેશમેનનો જન્મ ૧૯૪૧માં તેલ અવીવમાં થયો હતો. તેઓ ઈઝરાયેલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં મટિરિયલ સાયન્સનાં પ્રોફેસર હતા. ૧૯૮૨માં તેમણે ક્વાસી ક્રિસ્ટલની શોધ કરી હતી. શેશમેને એરોસ્પેસ રિસર્ચમાં એનઆરસી ફેલોશીપ મેળવી હતી. ૧૯૭૫માં તેઓ ટેકનિઓન ખાતે મટિરિયલ એન્જીનિયરિંગમાં જોડાયા હતા. ૧૯૮૧થી ૧૯૮૩ સુધી જ્હોન હોપકિન્સ યુનિર્વિસટીમાં જોડાયા હતા. શેશમેન હૈફા ખાતે ઈઝરાયેલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે.