મુંબઈ, તા. ૫
રિઝર્વ બેન્ક દ્વારા બેન્ક ખાતા નહીં ધરાવતા માઇગ્રન્ટ્સ લોકો માટે સ્મોલ મની ટ્રાન્સફર કરવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે, આવા લાભાર્થીઓ માટે હવે રોકડ ચુકવણી વ્યવસ્થા હેઠળ રૂ. ૫,૦૦૦ને બદલે રૂ. ૧૦,૦૦૦ની રકમ ટ્રાન્સફર કરી શકાશે. રિઝર્વ બેન્ક દ્વારા બેન્ક ખાતાં નહીં ધરાવતા માઇગ્રન્ટ્સ લાભાર્થીઓ માટે નાની રક્મ ટ્રાન્સફર કરવાની મર્યાદા ૫,૦૦૦થી બમણી કરવામાં આવી છે. અન્યોનાં બેન્ક ખાતાંમાંથી લાભાર્થીની તરફેણમાં હવે નાણાં મોકલનાર પ્રત્યેક વ્યક્તિદીઠ રૂ. ૧૦,૦૦૦ની રકમ ટ્રાન્સફર કરી શકાશે.
· રિઝર્વ બેન્કે નાની રકમ ટ્રાન્સફર કરવાના નિયમો હળવા કર્યા
રિઝર્વ બેન્કનાં નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રત્યેક લાભાર્થીદીઠ આવી રકમ ટ્રાન્સફર કરવાની માસિક મર્યાદા રૂ. ૨૫,૦૦૦ છે. બેન્ક એકાઉન્ટ નહીં ધરાવતા ગ્રાહકો હવે અન્યોનાં બેન્ક ખાતાંમાં પ્રત્યેક નાણાં મોકલનારદીઠ માસિક રૂ. ૨૫,૦૦૦ની મર્યાદામાં રહીને નાની રકમ ટ્રાન્સફર કરી શકશે, આ માટે ટ્રાન્ઝેકશનદીઠ રકમ ટ્રાન્સફર કરવાની મર્યાદા રૂ. ૫,૦૦૦ છે. આરબીઆઈ દ્વારા દેશનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ પ્રિપેઇડ કાર્ડ દ્વારા ફંડ ટ્રાન્સફરની પરવાનગી આપવામાં આવી છે, જે માટે પ્રત્યેક ટ્રાન્ઝેકશનની મર્યાદા રૂ. ૫,૦૦૦ અને માસિક મર્યાદા રૂ. ૨૫,૦૦૦ રહેશે.
જે લોકો પોતાની ઓળખ કે રહેઠાણના પુરાવાના અભાવે બેન્કખાતાંઓ ખોલાવી શકતા નથી તેવા માઇગ્રન્ટ્સ લાભાર્થીઓ માટે હવે નાની રકમની ટ્રાન્સફર સરળ બનશે. દેશમાં વિધિસર બેન્કના લાભ નહીં મેળવી શકનાર માઇગ્રન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે.