Saturday, October 8, 2011

ત્રણ મહિલાઓ જોહ્નસન સર્લીફ, જીબોવી, કરમાનને નોબેલ પીસ પ્રાઇઝ



ઓસ્લોતા. ૭
મહિલાઓની સુરક્ષા માટે અહિંસક ચળવળ ચલાવનાર અને મહિલાઓના અધિકારોનાં જતન માટે કામ કરનાર ત્રણ મહિલાઓની ૨૦૧૧નાં નોબેલ પીસ પ્રાઇઝ માટે પસંદગી કરવામાં આવી છે. નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદ કરાયેલી આ ત્રણ મહિલાઓમાં લાઇબેરિયાના પ્રેસિડેન્ટ એલેન જોહ્નસન સર્લીફ તેમજ લાઈબેરિયાનાં શાંતિ માટેનાં કાર્યકર્તા લેયમાહ જીબોવી તથા યેમેનનાં તવક્કુલ કરમાનનો સમાવેશ થાય છે.
નોર્વેની નોબેલ પસંદગી સમિતિએ મહિલાઓની સુરક્ષા માટે અહિંસક ચળવળ ચલાવનાર અને મહિલાઓના અધિકારોનાં જતન માટે કામ કરનાર ત્રણ મહિલાઓની નોબેલ પીસ પ્રાઇઝ માટે પસંદગી કરી છે. આ ત્રણેય મહિલાઓએ શાંતિનાં જતન માટે વિશિષ્ટ યોગદાન આપવા બદલ તેમને નોબેલ પીસ પ્રાઇઝ આપવાનું નક્કી કર્યું છે. કમિટિએ જણાવ્યું હતું કે સમાજનાં તમામ સ્તર કે જ્યાં સુધી વિકાસનાં કાર્યોમાં મહિલાઓ યોગદાન નહીં આપે અને વિશ્વશાંતિ જાળવવા મહિલાઆને તક આપવામાં નહીં આવે ત્યાં સુધી આપણે સાચી લોકશાહી હાંસલ કરી શકીશું નહીં.
  • લાઇબેરિયાની બે અને યેમેનની એક મહિલાનું વિશ્વશાંતિ માટે યોગદાન
લાઇબેરિયામાં ૨૦૦૩ સુધી આંતરવિગ્રહ ચાલ્યો હતો જેમાં મોટાપાયે ખાનાખરાબી થઈ હતી,હવે ત્યાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિરક્ષક દળો ત્યાં હાલ સ્થિતિને અંકુશમાં રાખી રહ્યાં છે.
જોહ્નસન સર્લીફ
જોહ્નસન સર્લીફ ૨૦૦૫માં લાઈબેરિયાનાં મહિલા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ૭૨ વર્ષનાં આ શક્તિશાળી મહિલાએ હાર્વર્ડમાંથી ઇકોનોમિક્સમાં પદવી મેળવેલી છેતેઓ આફ્રિકામાં લોકશાહી ઢબે ચૂંટાઈ આવેલાં પહેલાં મહિલા પ્રેસિડેન્ટ છે. આ મહિને યોજાનારી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છેતેમણે પ્રેસિડેન્ટ બન્યા પછી લાઈબેરિયામાં ક્રાંતિકારી સુધારાઓ કર્યા છે અને શાંતિનાં પ્રણેતા તરીકે કામગીરી નિભાવી છે,જો કે તાજેતરમાં વિપક્ષો દ્વારા તેમનાં પર પૈસા આપીને મતદારો ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ચૂંટણીપ્રચાર માટે સરકારી પૈસા વાપરવાનો આરોપ મુકાયો છેજો કે તેમણે આ આક્ષેપો નકાર્યા છે.
લેયમાહ જીબોવી
લેયમાહ જીબોવી એ લાઈબેરિયાનાં પીસ એક્ટિવિસ્ટ છે. લાઈબેરિયાને અસ્થિર કરનાર અને વર્ષો સુધી આંતરવિગ્રહ ચલાવનાર નેતાઓને પાઠ ભણાવવા માટે તેઓ ખ્રિસ્તી અને મુસ્લિમ મહિલાઓનાં ગ્રૂપનું સંચાલન કરી રહ્યાં છે. ૨૦૦૯માં તેમને પ્રોફાઈલ ઈન કરેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જોહ્ન એફ કેનેડી દ્વારા લખવામાં આવેલા ૧૯૫૭નાં પુલીત્ઝર પ્રાઈઝ વિજેતા પુસ્તકના નામ સાથે આ એવોર્ડ સંકળાયેલો છેતેમને લાઈબેરિયામાં મહિલાઓને સશક્ત બનાવવા માટેની કામગીરી માટે આ એવોર્ડ અપાયો હતો.
તવક્કુલ કરમાન
યેમેનની તવક્કુલ કરમાન એ ત્રણ સંતાનોની માતા છે અને કોઈ પણ જાતની ચેઈન રચ્યા વિના વિમેન જર્નાલિસ્ટ હ્યુમન રાઈટ્સ ગ્રૂપનાં તેઓ વડાં છે. આરબ વિશ્વમાં જુદાજુદા દેશોનાં સુલતાનોને ગાદી પરથી પદભ્રષ્ટ કરવા માટે ચાલેલી ઝુંબેશ પછી ગયા જાન્યુઆરીમાં યેમેનનાં પ્રેસિડેન્ટ અલી અબ્દુલ્લા સાહેલને પદભ્રષ્ટ કરવા ચાલેલી ઝુંબેશનું તેમણે નેતૃત્વ સંભાળ્યું હતું. કરમાન વ્યવસાયે પત્રકાર છે અને ઈસ્લામિક પાર્ટી ઈસ્લાહ પાર્ટીનાં સભ્ય છે. કરમાને તેમને મળેલું આ સન્માન યેમેનની પ્રજા અને યુવા ક્રાંતિકારીઓને અર્પણ કરેલ છે.