
સકસેસ - નયન પરીખ
મેં ઘણાં યુવાનોને પોતાના શિક્ષકો અને પ્રાધ્યાપકો અંગે વાત કરતા સાંભળ્યા છે. મને વિદ્યાર્થીઓની શિક્ષકોને જોવાની દૃષ્ટિમાં ફેર કરવાની જરૂર જણાય છે. શિક્ષકોને કેવી રીતે જોવા અને મૂલવવા જોઇએ?IIM માં બધા પ્રોફેસર્સ પોતાના વિષયમાં નિષ્ણાત હોવા છતાં સરકારી પગારધોરણમાં કામ કરી ભારતના અને કદાચ વિશ્વના તેજસ્વી વિદ્યાર્થીઓને Corporate જગત માટે તૈયાર કરે છે. તેમના પગાર કરતાં તેમના દ્વારા તૈયાર કરાયેલા IIM ના સ્નાતકો સરેરાશ ત્રણથી ચાર ગણો પગાર તેમની પહેલી નોકરીમાં મેળવતા હોય છે.
સચિન તેંદુલકરના કોચ શ્રી આચરેકર કરતાં સચિન પોતે ઘણા ઉચ્ચ દરજ્જાની રમત રમી રહ્યા છે.
આમ, સારા વિદ્યાર્થી જો પોતાના શિક્ષકોની પોતાની સાથે સરખામણી કરવા માંડે તો? જો અર્જુન પોતાની બાણવિદ્યા દ્રોણાચાર્ય સાથે સરખાવવા માંડે તો?
સારો શિક્ષક એ છે જે પોતાના વિદ્યાર્થીમાં નૂર પારખે અને વિદ્યાર્થીને પોતાની શક્તિઓનું દર્શન કરાવે. સચિનમાંના સચિનને સૌથી પહેલાં કોચ આચરેકરે જોયો અને સચિને પણ સારો શિક્ષક એ નથી કે જે પોતાના શિષ્ય કરતાં હોશિયાર હોય. સારો શિક્ષક એ જ છે જે પોતાના શિષ્યને પોતાના કરતાં વધારે હોશિયાર અને નિષ્ણાત બનાવે. સ્વાભાવિક રીતે એક તબક્કે દરેક શિક્ષકમાં પોતાના વિદ્યાર્થી કરતાં વધારે વિદ્યા હોય છે અને તેના જ કારણે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ શું થાય છે. પણ તે તબક્કે પણ શિક્ષક દરેક બાબતમાં વિદ્યાર્થીથી ચડિયાતો હોય તે જરૂરી નથી. મે ઘણાં યુવાન મિત્રોને પોતાના શિક્ષકોના સામાન્ય જ્ઞાન માટે અને અંગ્રેજી ભાષાના પ્રયોગ માટે ટીકા કરતા સાંભળ્યા છે. આપણા શિક્ષકો આપણાથી સાફ અંગ્રેજી બોલે તે જરૂરી નથી. શિક્ષકોને એક તક આપો કે તમારા અંદરના હીરાને ઓળખે અને પછી તે હીરાને ઘસીને લાયક બનાવે. શિક્ષક એ છે જે તમને ઓળખે અને તમારી ઓળખાણ ઊભી કરે. તમને તમારા ઉપર વિશ્વાસ બેસે તેવું કરે, જે શિક્ષક તમને આત્મવિશ્વાસ અપાવે તે શિક્ષક, શિક્ષક મટીને આજીવન તમારા હૃદયમાં ગુરુનું સ્થાન ગ્રહણ કરી લે છે.
જો આપણા શિક્ષકોએ આપણને જે શીખવ્યું છે તે આપણા જીવનમાંથી લઇ લેવામાં આવે તો જીવન શૂન્ય બની જાય.
વિચારો કે એ કયા શિક્ષક હતા જેણે તમને પહેલી વાર આત્મવિશ્વાસ અપાવ્યો. પીઠ થાબડી તમને ઊંચાં શિખરો સર કરવાની હિંમત આપી. પહેલી વાર તમને અહેસાસ કરાવ્યો કે આ વિરાટ વિશ્વમાં તમે એક વિરલ વ્યક્તિ છો. આ શિક્ષક તમને જ્યાં પણ મળ્યા હોય ત્યાંથી તમારી સાચી જિંદગીની શરૂઆત થાય છે. આ શિક્ષક એ ગુરુ છે જે વંદનીય છે. આવા શિક્ષક તમારી આસપાસ જ ક્યાંક છે તેને શોધી કાઢો અને જિંદગીનો શુભ આરંભ કરો.
એક માન્યતા જ્યારે શિષ્ય તૈયાર થાય છે કે તરત ગુરુ હાજર થઇ જાય છે.
તમે તમારા અંદરના શિષ્યને તૈયાર કરવા માટે તૈયાર છો?