
નવી દિલ્હી, તા. ૧૦
પ્રસ્તાવિત નવી ટેલિકોમ પોલિસી અમલી બનશે તો મોબાઇલ ફોન યુઝર્સ રોમિંગ ચાર્જિસ વિના કોલ કરી શકશે અને તેમના સર્કલ બહાર પણ ફોન નંબર જાળવીને ઓપરેટર બદલી શકશે. તાજેતરના ભૂતકાળમાં ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડથી ખરડાયેલા ટેલિકોમ સેક્ટરમાં નવા રોકાણોને આકર્ષીને રોકાણકારો માટે સાનુકૂળ માહોલ ઊભો કરવા નવી ટેલિકોમ પોલિસીમાં ‘વન નેશન-વન લાઇસન્સ’ના એજન્ડાની ઘોષણા કરાઇ છે. ૨૦૨૦ સુધીમાં બ્રોડબેન્ડ સ્પીડ ૧૦૦ એમબીપીએસ સુધી લઇ જવાનો પણ નેશનલ ટેલિકોમ પોલિસી (એનટીપી) ૨૦૧૧નો ટાર્ગેટ છે.
ટેલિકોમપ્રધાન કપિલ સિબ્બલે અત્રે નવી ટેલિકોમ પોલિસી રજૂ કરતાં જણાવ્યું હતું કે, “અમે જુદી જુદી સર્વિસીસ અને સર્વિસ એરિયામાં ‘વન નેશન-વન લાઇસન્સ’ ઇચ્છીએ છીએ. સમગ્ર દેશને રોમિંગમુક્ત કરવાની અને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી દેશભરમાં લાગુ કરવાની અમારી ઇચ્છા છે.”
ટુ-જી કૌભાંડને પગલે સિબ્બલે કહ્યું હતું કે સ્પેક્ટ્રમ ફાળવણીને લાઇસન્સથી ડીલિન્ક કરાશે અને રેડિયો વેવ્સ બજાર દ્વારા નક્કી થનારા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિબ્બલે પત્રકારોને માહિતી આપતાં ઉમેર્યું હતું કે, એક દેશ એક લાઇસન્સની નીતિનો ફાયદો એ થશે કે દેશમાં કોઇ પણ જગ્યાએ થનારો કોલ લોકલ કોલ જ ગણાશે એટલે કે લોકલ કોલ અને એસટીડી કોલ વચ્ચેનો ભેદ દૂર થઇ જશે. ટેલિકોમ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજ્જો આપવામાં આવશલ, જેથી તેમને લોન લેવામાં અને અન્ય બાબતોમાં સરળતા રહેશે.
· લોકલ અને એસટીડી કોલ વચ્ચેનું અંતર ખતમ
· નવી ટેલિકોમ પોલિસીનો મુસદ્દો જાહેર
· કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગ્રાહકોને મોટો ફાયદો થશે
કંપનીઓનાં હિતની વાત કરતાં સિબ્બલે કહ્યું કે, કંપનીઓ સ્પેક્ટ્રમ એકબીજાને વહેંચી શકશે તેમજ પુલીંગ પણ કરી શકશે, જેથી તેમના ખર્ચમાં પણ ઘટાડો થશે. સ્પેક્ટ્રમની મુદત હવે ૧૦ વર્ષની રહેશે, આ ઉપરાંત સ્પેક્ટ્રમનું ઓડિટ પણ થશે. સરકારી ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલની પ્રશંસા કરતાં સિબ્બલે જણાવ્યું કે, આ બન્ને કંપનીઓએ દેશના ગ્રામીણ વિસ્તારોમાં ટેલિફોન પહોંચાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત તેમણે એ કહી કે, ‘ટ્રાઇ’ના કાયદાઓમાં પણ હવે ફેરફાર કરાશે.
એનટીપી ૨૦૧૧નો મુખ્ય ઉદ્દેશ ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડબેન્ડ સર્વિસીસને વાજબી ભાવે દેશભરમાં ફેલાવવાનો છે. એનટીપીમાં ૨૦૧૫ સુધીમાં બ્રોડબેન્ડ કનેક્શન્સ ‘ઓન ડિમાન્ડ’પૂરાં પાડવા, ૨૦૧૭ સુધીમાં ૧૭.૫ કરોડ બ્રોડબેન્ડ યુઝર્સ પ્રાપ્ત કરવા, ૨૦૨૦ સુધીમાં ૬૦ કરોડ બ્રોડબેન્ડ યુઝર્સ મેળવવા અને ૨૦૨૦ સુધીમાં ૮૦ ટકા ટેલિકોમ નેટવર્ક્સનું ઘરઆંગણે ઉત્પાદન કરવાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે.
બ્રોડબેન્ડ સ્પીડ ૨૦૧૫ સુધીમાં તબક્કાવાર વધારીને ૫૧૨ કેબીપીએસથી ૨ એમબીપીએસ સુધી લઇ જવાના અને ૨૦૨૦ સુધીમાં બ્રોડબેન્ડ સ્પીડ ૧૦૦ એમબીપીએસ સુધી લઇ જવાના પણ ટાર્ગેટ્સ છે.
ટેલિકોમ પોલિસી ઊડતી નજરે
મહત્ત્વના ટાર્ગેટ્સ :
1) ૨૦૧૫ સુધીમાં બ્રોડબેન્ડ કનેક્શન્સ ‘ઓન ડિમાન્ડ’ પૂરાં પાડવાં.
2) ૨૦૧૭ સુધીમાં ૧૭.૫ કરોડ બ્રોડબેન્ડ યુઝર્સનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવો.
3) ૨૦૨૦ સુધીમાં ૬૦ કરોડ બ્રોડબેન્ડ યુઝર્સનો લક્ષ્યાંક હાંસલ કરવો.
4) ૨૦૨૦ સુધીમાં ૮૦ ટકા ટેલિકોમ નેટવર્ક્સનું ઘરઆંગણે ઉત્પાદન કરવું.
ગ્રાહકલક્ષી પગલાં :
1) રોમિંગ ચાર્જિસ નાબૂદ કરવો.
2) હાલમાં સર્કલ લેવલ બેઝિસ પૂરતી મર્યાદિત મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો વ્યાપ વિસ્તારવો, જેથી ગ્રાહકો બીજાં શહેરમાં કે દેશમાં અન્ય કોઇ સ્થળે જાય ત્યારે રોમિંગ ચાર્જિસ ચૂકવ્યા વિના તેમનો મોબાઇલનંબર જાળવી શકે.
3) બ્રોડબેન્ડ સ્પીડ ૨૦૧૫ સુધીમાં તબક્કાવાર વધારીને ૫૧૨ કેબીપીએસથી ૨ એમબીપીએસ સુધી લઇ જવી.
4) ૨૦૨૦ સુધીમાં બ્રોડબેન્ડ સ્પીડ ૧૦૦ એમબીપીએસ સુધી લઇ જવી.
સ્પેક્ટ્રમ
1) ૨૦૧૭ સુધીમાં ૩૦૦ મેગાહર્ટ્ઝ એરવેવ્ઝ કોર્મિશયલ ટેલિફોની માટે ફાળવવા.
2) ૨૦૨૦ સુધીમાં બીજા ૨૦૦ મેગાહર્ટ્ઝ એરવેવ્ઝ કોર્મિશયલ ટેલિફોની માટે મુક્ત કરવા.
3) મોબાઇલ પરમિટ્સ, રિ-ફોર્મિંગ, પ્રાઇસિંગ, ફાળવાયેલા સ્પેક્ટ્રમ પાછા ખેંચવા અને શેરિંગ-ટ્રેડિંગના ધારાધોરણો સહિતના મુદ્દાઓ માટે ‘સ્પેક્ટ્રમ એક્ટ’ ઘડવો.
મોબાઇલ પરમિટ્સ માટે
1) નવા એન્ટ્રન્ટ્સ તેમની મોબાઇલ પરમિટ્સ અને એરવેવ્ઝ સરન્ડર કરી શકે તે માટે એક્ઝિટ પોલિસી ઘડવી.
2) લાઇસન્સને સ્પેક્ટ્રમથી ડી-લિન્ક કરવા.
3) મોબાઇલ પરમિટ્સ ટેક્નોલોજીને ન્યુટ્રલ (તટસ્થ) બનાવવી અને તેને બે કેટેગરીમાં વહેંચવી- નેટવર્ક સર્વિસ ઓપરેટર અને સર્વિસ ડિલિવરી ઓપરેટર.
4) નેટવર્ક્સના શેરિંગ (વહેંચણી)ને મંજૂરી આપવી.
ફેક્ટશીટ
1) છેલ્લી ટેલિકોમ પોલિસી એક દાયકાથી પણ વધુ સમય પૂર્વે ૧૯૯૯માં રજૂ થઇ હતી, જે સમયે ભારતમાં ફોનધારકોની સંખ્યા લાખોમાં હતી જ્યારે આજે દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૮૮ કરોડથી પણ વધુ છે.
2) ટોટલ ટેલિ-ડેન્સિટી ૭૪ ટકા.
3) રૂરલ ટેલિ-ડેન્સિટી ૨૦૨૦ સુધીમાં વધારીને ૧૦૦ ટકા કરવાનો ઉદ્દેશ.
4) ગ્રામીણ સ્તરે હાઇ ક્વોલિટી બ્રોડબેન્ડ પૂરાં પાડવાનો ઉદ્દેશ.
5) ઘરઆંગણે ટેલિકોમ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ.