લંડન, તા.૧૧ચોકલેટ આમ તો નાનાં બાળકોનો પ્રિય નાસ્તો છે પણ સ્ટોકહોમમાં સ્વીડનની એન્વાર્યમેન્ટલ મેડિસિનના સુસાન લાર્સન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી પુરવાર થયું છે કે જો મહિલાઓ અઠવાડિયામાં બે નાની ચોકલેટ ખાય તો પણ તેમની હેલ્થ માટે આવકાર્ય છે. આને કારણે મહિલાઓને બ્રેઈન સ્ટ્રોક થવાની શક્યતાઓમાં ૨૦ ટકાનો ઘટાડો થાય છે. ચોકલેટ ખાવાથી મગજમાં લોહી ગંઠાઈ જતું અટકે છે અને લોહીનો પ્રવાહ રોકાઈ જવાથી આવતા બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે. મિલ્ક ચોકલેટમાં રહેલા એન્ટિ ઓક્ટિડન્ટ તત્ત્વોને કારણે બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મળતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું.
લાર્સનના કહેવા મુજબ જો અઠવાડિયામાં થોડી માત્રામાં ચોકલેટ ખાવામાં આવે તો સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં તેની મોટી અસર થાય છે. મહિલાઓ ડાયેટમાં તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર બધો આધાર છે. લાર્સન કહે છે કે, અઠવાડિયામાં બે નાની ચોકલેટો એટલે કે ૬૬.૫ ગ્રામ કે ૨.૩૩ ઔંસ ચોકલેટ ખાવામાં આવે તો પણ તેના ઘણા લાભ મળે છે.
- ચોકલેટ ખાવાથી મગજમાં લોહી ગંઠાઈ જતું અટકે છે
- અઠવાડિયે ૬૬.૫ ગ્રામ ચોકલેટ ખાવાનું સંશોધકોનું સૂચન
મહિલાઓની ચોકલેટ ખાવાની ફ્રિકવન્સી અને રોજ નાસ્તામાં તેનું પ્રમાણ તથા સ્ટ્રોક સાથે તેના સંબંધોના સંદર્ભમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ચોકલેટ ખાતી અને નહીં ખાતી મહિલાઓનાં બે ગ્રૂપ પાડવામાં આવ્યાં હતાં. જે મહિલાઓ નિયમિત મિલ્ક ચોકલેટના બે બાર ખાતી હતી તેમની હેલ્થમાં ફાયદો જણાયો હતો.