
નવી દિલ્હી, તા. ૧૩
સુપ્રીમ કોર્ટે આજે એક દુરોગામી અસરો જન્માવતો ચુકાદો આપતાં કહ્યું હતું કે જનરલ પાવર ઓફ એટર્નીથી સ્થાવર મિલકત વેચી શકાય નહીં. આ પ્રકારે મિલકત ખરીદનારને તેના માલિકીહક મળી શકે નહીં તેમ પણ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમના આ મહત્ત્વના ચુકાદાને કારણે અનેક પ્રોપર્ટી માલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોર્ટે કહ્યું હતું કે જનરલ પાવર ઓફ એટર્ની દ્વારા સ્થાવર મિલકતનું વેચાણ એ પ્રોપર્ટીનાં ટ્રાન્સફરનું માન્ય અને સ્વીકાર્ય સ્વરૃપ નથી, આવા સોદા ગેરકાયદસર ગણાશે. સેલ ડીડ દ્વારા પ્રોપર્ટીની કરાયેલી ટ્રાન્સફર જ માન્ય ગણાશે.
સુપ્રીમનાં જસ્ટિસ આર. વી. રવીન્દ્રનનાં વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે આ સંદર્ભમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે માત્ર રજિસ્ટર્ડ વેચાજકરાર દ્વારા કરવામાં આવેલી પ્રોપર્ટીની ટ્રાન્સફરને જ કાયદેસર ગણવામાં આવશે. બેન્ચે કહ્યું હતું કે પાવર ઓફ એટર્નીએ સ્થાવર મિલકતોના કોઈ પણ રાઇટ્સ, ટાઇટલ કે હિતોને ટ્રાન્સફર કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. પ્રોપર્ટીને લગતા અનેક કાયદાની જોગવાઈઓનું અર્થઘટન કરીને તેમણે આ ચુકાદો આપ્યો હતો, જો કે બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે જનરલ પાવર ઓફ એટર્નીથી કરવામાં આવેલા 'જેન્યુઈન ટ્રાન્ઝેક્શન'ને આ ચુકાદાની અસરો થશે નહીં.
કોર્ટે બુધવારે આપેલા આ ચુકાદાની ફ્રીહોલ્ડ એટલે કે બોજામુક્ત અને લીઝહોલ્ડ એમ બંને પ્રકારની મિલકતોને અસર થશે. દિલ્હી તેમજ નેશનલ કેપિટલ રિજિયન -એનસીઆર કે જ્યાં આ પ્રકારે પાવર ઓફ એટર્નીથી મિલકતનું વેચાણ સામાન્ય છે ત્યાં આ કાયદો અસર કરશે. કોર્ટના આ આદેશથી પ્રોપર્ટી પરની ડયૂટીચોરી અટકાવી શકાશે અને રિયલ એસ્ટેટમાં બ્લેકમનીનું રોકાણ અટકાવી શકાશે અને બોગસ વ્યવહારો દ્વારા પ્રોપર્ટીનું વેચાણ અટકાવી શકાશે.
કોર્ટે કહ્યું હતું કે આવા દસ્તાવેજોને આધારે મ્યુનિસિપલ અને રેવન્યૂ રેકોર્ડમાં ફેરફાર કરી શકાશે નહીં, જેઓ કોઈ પણ ફેરફાર વિના પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટી ધરાવતા હશે તેને વેચાણ એગ્રીમેન્ટ ગણવામાં આવશે, આમ આવી રીતે સેલ ડીડ કરનારનાં હિતો જાળવી શકાશે, જો કે આ પ્રકારના વ્યવહારોને ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થયેલાં ગણાશે નહીં. કોર્ટના આ ચુકાદા પહેલાં જેમણે પાવર ઓફ એટર્નીથી મિલકતો ખરીદી હશે તેઓ પ્રોપર્ટીની ફાળવણી કે લીઝને રેગ્યુલરાઈઝ કરવા માટે આ દસ્તાવેજોનો ઉપયોગ કરી શકશે અને તેને ડેવપલમેન્ટ ઓથોરિટી સમક્ષ રજૂ કરી શકશે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ૫૩એ હેઠળ અસરકર્તા પક્ષકારોને તેમનાં ડીડ રજિસ્ટર્ડ કરાવતાં કોઈ રોકી શકશે નહીં.
કોઈ પણ વ્યક્તિ તેમનાં પતિ કે પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ કે બહેન કે અન્ય સંબંધીને તેની સાનુકુળતા માટે પાવર ઓફ એટર્ની આપી શકશે અને ડીડ કરી શકશે. કોઈ વ્યક્તિ લેન્ડ ડેવલપર કે બિલ્ડરને પ્લોટ પાડીને કે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ બાંધીને જમીન વિકસાવવા માટેના કરાર કરી શકશે. આ સંદર્ભમાં વેચાણકરાર અમલી બનાવી શકાશે અને પાવર ઓફ એટર્ની આપી શકશે જેથી ડેવલપર સંભવિત ખરીદનારને પ્રોપર્ટી વેચી શકે. કોર્ટે કહ્યું હતું કે આને કારણે સ્ટેમ્પ ડયૂટી કે રજિસ્ટ્રેશન ચાર્જીસની ચોરી અટકશે અને રિયલ એસ્ટેટમાં બ્લેકમની ઠલવાત્જાં અટકશે, જો કે દરેક કિસ્સામાં પ્રોપર્ટીની માલિકીની ચકાસણી પ્રોપર્ટી જ્યારે રજિસ્ટર્ડ સેલ ડીડ દ્વારા ટ્રાન્સફર કરાઈ હશે ત્યારે જ શક્ય બનશે. આવી રીતે સેલ ડીડ વિના વેચાયેલી પ્રોપર્ટી ટજઇટલ ક્લિયર ધરાવતી ગણાશે નહીં.
- સુપ્રીમનો મહત્ત્વનો ચુકાદો : ખરીદનારને માલિકીહક ના મળે
- સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો
- ફ્રીહોલ્ડ એટલે કે બોજામુક્ત અને લીઝહોલ્ડ એમ બંને પ્રકારની મિલકતોને અસર થશે
- પાવર ઓફ એટર્ની દ્વારા સ્થાવર મિલકતનું વેચાણ એ પ્રોપર્ટીં ટ્રાન્સફરનું માન્ય સ્વરૃપ નથી, આવા સોદા ગેરકાયદસર ગણાશે
- પાવર ઓફ એટર્નીએ સ્થાવર મિલકતોના કોઈ પણ રાઇટ્સ, ટાઇટલ કે હિતોને ટ્રાન્સફર કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી
- પાવર ઓફ એટર્નીથી કરવામાં આવેલા 'વાસ્તવિક સોદા'ને આ ચુકાદાની અસરો થશે નહીં
પ્રોપર્ટી પરની ડયૂટી ચોરી અટકાવી શકાશે, રિયલ એસ્ટેટમાં બ્લેકમનીનું રોકાણ અટકાવી શકાશે અને બોગસ વ્યવહારો દ્વારા પ્રોપર્ટીનું વેચાણ અટકાવી શકાશે.
આવા દસ્તાવેજોને આધારે મ્યુનિસિપલ અને રેવન્યૂ રેકોર્ડમાં ફેરફાર કરી શકાશે નહીં