
નવી દિલ્હી, તા. ૧૩
હ્યુન્ડાઈ મોટર કંપની કંપનીએ આજે ખાસ કરીને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને એન્ટ્રી લેવલ(નાની કાર)ની કોમ્પેક્ટ કાર ‘ઇઓન’ બહાર પાડી છે, આ કારનો પ્રાથમિક ભાવ રૂ. ૨.૬૯ લાખ અને રૂ. ૩.૭૧ લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) રાખવામાં આવ્યો છે. આ કાર મારુતિ સુઝુકીની નાની કાર અલ્ટો સાથે સીધી હરીફાઈ કરશે.
ભારતમાં સંપૂર્ણ માલિકીની પેટા કંપની હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડને ઓપરેટ કરતી હ્યુન્ડાઈએ જણાવ્યું હતું કે ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, તે અંગે વધુમાં એચએમઆઇએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એચ.ડબ્લ્યૂ. પાર્કે જણાવ્યું હતું કે "ભારતીય પરિસ્થિતિઓ અને અહીંના ગ્રાહકોની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઓનને બનાવવામાં આવી છે, તેનાથી ભારતીય બજારમાં ઝડપથી વિકસી રહેલાં નાની કાર સેગ્મેન્ટમાં અમારો બજારફાળો વિકસાવશે."
મારુતિનાં બેસ્ટ સેલિંગ મોડલ અલ્ટો સાથે સ્પર્ધા કરનારી આ કારમાં ૮૧૪ સીસીનું પેટ્રોલ એન્જિન ગોઠવવામાં આવશે. અલ્ટોનો હાલનો ભાવ રૂ. ૨.૩૨ લાખ અને રૂ. ૩.૧૭ લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે. કંપની એક મહિનામાં સરેરાશ ૨૦,૦૦૦ અલ્ટો કારનું વેચાણ કરી રહી છે.
હ્યુન્ડાઈએ ઇઓન કારને તૈયાર કરવા માટે તેની ડેવલપમેન્ટ અને પ્રોડક્શન ફેસિલિટી પર રૂ. ૯૦૦ કરોડનું રોકાણ કર્યું છે. કંપનીના સિનિયર ડિરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) અરવિંદ સક્સેનાએ જણાવ્યું હતું કે કંપનીએ એક વર્ષમાં ૧,૫૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવાની યોજના કરી છે.
કંપનીની નિકાસની યોજના અંગે પૂછતાં પાર્કે જણાવ્યું હતું કે "ભારતીય બજારોની જરૂરિયાતોને પહોંચી વળ્યા બાદ અમે પછીના તબક્કે સાઉથ અમેરિકા અને સાઉથ આફ્રિકાનાં બજારોમાં એઓનની નિકાસ અંગે વિચારીશું, પરંતુ હાલમાં તો અમારું ધ્યાન માત્ર ભારતીય બજાર પર જ કેન્દ્રિત છે."
- મારુતિ સુઝુકીની અલ્ટો સાથે સીધી હરીફાઈ
- ભારતીય બજારોને ધ્યાનમાં રાખી કાર મુકાઈ : હ્યુન્ડાઈ