Thursday, October 13, 2011

યુરોપ-અમેરિકાની મંદીથી એશિયાને ખતરો


ટોકિયોતા.૧૩
યુરોપની ડેટ કટોકટી અને અમેરિકાની આર્થિક મંદીને કારણે એશિયાનાં અર્થતંત્રો સામેનો ખતરો વધી રહ્યો હોવાની અને એશિયાનાં અર્થતંત્રો પણ ધીમેધીમે મંદીમાં ધકેલાઈ રહ્યાં હોવાની ચેતવણી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) દ્વારા આપવામાં આવી છે. યુરોઝોન કટોકટી અને અમેરિકાની મંદી એશિયા માટે ખતરો સર્જશે તેવી ચેતવણી આપીને આઈએમએફએ નીતિના ઘડનારાઓને સજાગ રહેવા અને ઝડપથી મંદીમાંથી ઉગરવાનાં પગલાં લેવા અનુરોધ કર્યો છે.
આઈએમએફએ ખતરાની ઘંટડી વગાડતા કહ્યું છે કેએશિયાના દેશોમાંથી મોટાપાયે વિદેશી મૂડી પાછી ખેંચાઈ જવાની શક્યતાઓ છે. વિકસિત અર્થતંત્રો એટલે કે પશ્ચિમના દેશોના વિદેશી રોકાણકારો એશિયાનાં બજારોમાં ૨૦૦૯થી મોટાપાયે મૂડી રોકાણ કરી રહ્યાં છે તેનો પ્રવાહ મંદ પડી શકે છે અને તે પાછું ખેંચાઈ શકે છે.
  • એશિયાનાં બજારોમાંથી મોટાપાયે મૂડી પાછી ખેંચાઈ જવાની  : આઈએમએફની ચેતવણી
એશિયા પેસિફિકના તેના રિજનલ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટમાં આઈએમએફએ કહ્યું છે તે આકસ્મિક આવી સ્થિતિ સર્જાવાથી અર્થતંત્રોમાં વિશ્વાસનો અભાવ સર્જાઈ શકે છે અને બોન્ડ તેમજ ઈક્વિટી માર્કેટને બદલે રોકાણનો પ્રવાહ કરન્સી તેમજ અન્ય બજારો તરફ વળી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એશિયાના નાણાકીય બજારોમાં રોકાણકારો દ્વારા જે રીતે મોટાપાયે વેચવાલીનો દોર ચાલ્યો છે તે યુરોઝોનની વકરતી ડેટ કટોકટી અને અમેરિકામાં નવેસરથી શરૃ થયેલી મંદીનું પરિણામ છે અને એશિયાનાં બજારોમાં તેની મેક્રોઈકોનોમિક તથા નાણાકીય માઠી અસરો સર્જાઈ શકે છે. આમ એશિયામાં મંદીનાં જોખમો વધી રહ્યાં છે.
યુરોપ અને અમેરિકાની બેન્કો જો ઘરઆંગણે મોટાપાયે નુકસાન કરે તો એશિયાના દેશોમાં તે ધિરાણમાં કાપ મુકી શકે છે. પરિણામે એશિયાના ઉદ્યોગોને ઓછા વ્યાજ દરે ધિરાણ મળવાની શક્યતાઓ ધૂંધળી બની શકે છે. આવા સંજોગોમાં એશિયાના દેશોમાં નીતિના ઘડનારાઓએ સંતુલન જાળવનારા પગલાં લેવા પડશે. ગ્રોથ સામેનાં જોખમોથી તેમણે બચવું પડશે અને સરળ નાણાકીય ધિરાણ પરની માઠી અસરો નિવારવાનાં પગલાં લેવા પડશે.
વ્યાજના ઊંચા દરો અને પરિવર્તનશીલ વિનિમય દરો વચ્ચે ફુગાવાનાં જોખમો ઘટાડવા અનેક દેશોએ તેમની મેક્રોઈકોનોમિક નીતિઓમાં ધરખમ ફેરફારો કરવા પડશે. જે દેશોમાં ફુગાવો મધ્યસ્થ બેન્કોના ટાર્ગેટ મુજબ નિયંત્રણમાં રહી શકે તેમ છે ત્યાં વૈશ્વિક નાણાકીય અનિશ્ચિતતાઓ ઘટે નહીં ત્યાં સુધી નીતિના ઘડનારાઓએ કડક નાણાકીય નીતિઓ અપનાવતા રહેવું પડશે.
એશિયન દેશોનો ગ્રોથ ઘટવાની ધારણા
આઈએમએફ દ્વારા ૨૦૧૨ માટે એશિયાના વિકાસશીલ દેશોનો ગ્રોથ રેટ ઘટવાની આગાહી કરવામાં આવી છે. જાપાનનો વિકાસ દર પણ ઘટશે તેવું આઈએમએફનું માનવું છે. વિશ્વના અન્ય દેશોમાં ગ્રોથ રેટ ધીમો પડવાની તેની ધારણા છે. જોકેનાણાં ભંડોળનું માનવું છે કે,સ્વદેશી માંગ મજબૂત રહેશે. સર્વાંગી ગ્રોથ જળવાઈ રહેશે. ચીનની નિકાસમાં ઘટાડો થવાથી નિકાસકારોની બેલેન્સશીટ ખોરવાશે અને ચીનની બેન્કોની બિનકાર્યક્ષમ અસ્ક્યામતોમાં વધારો થતાં તે ધિરાણની શરતો કડક બનાવશે.
જર્મનીનો આર્થિક વિકાસ આવતાં વર્ષે ધીમો પડશે
યુરોઝોન ડેટ કટોકટીની સૌથી માઠી અસર આવતાં વર્ષે જર્મનીના આર્થિક વિકાસ પર પડશે અને ૨૦૧૨માં તેનો આર્થિક વિકાસ ૦.૮ ટકા જેટલો નજીવો વધશે. હજી છ મહિના પહેલાં જ તેનો ગ્રોથ રેટ ૨ ટકા રહેવાની ધારણા સેવવામાં આવી હતી. જેમાં મોટાપાયે ઘટાડો થયો છે