Thursday, October 13, 2011

રાજેન્દ્રપ્રસાદની કાંડાઘડિયાળની જીનિવામાં હરાજી


જીનિવાતા. ૧૩
ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની દુર્લભ અને પ્રાચીન રોલેક્સ કાંડાઘડિયાળની આવતા મહિને હરાજી યોજાશે. રાજેન્દ્રપ્રસાદને આ ઘડિયાળ સંભવતઃ ૧૯૫૦ના પ્રજાસત્તાક દિને ગિફ્ટમાં મળી હોવાનું માનવામાં આવે છે. અગ્રણી ઓક્શનહાઉસ સોધબી દ્વારા આવતા મહિને આ દુર્લભ ૧૮-કે પિન્ક ગોલ્ડ રોલેક્સ ઘડિયાળ હરાજીમાં મુકાશે.
આ રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ઘડિયાળનાં ડાયલને ભારતના નકશાથી સુશોભિત કરવામાં આવેલ છે અને તેમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એવું મુદ્રિત કરેલું છે. ડાયલ પરના નકશામાં ભારતને અફઘાનિસ્તાન અને નેપાળ સાથે જોડતી સરહદી જમીનના કૉરિડૉરને પણ દર્શાવવામાં આવેલ છે.
પ્રસાદની કાંડાઘડિયાળ ઉપરાંત આ હરાજીમાં ૧૫૭૪થી આજ દિન સુધીની કાંડાઘડિયાળોનાં કલેક્શનને હરાજીમાં મુકાશે અને પહેલા જર્મન ચાન્સેલર કોન્રાડ એડેનૌરની રોલેક્સ ઘડિયાળ પણ હરાજીમાં મુકાશે. પ્રસાદની કાંડાઘડિયાળના હરાજીમાં ૨,૨૨,૦૦૦થી ૪,૪૪,૦૦૦ ડૉલર ઉપજશે તેવી ધારણા છેઆવી બીજી કાંડાઘડિયાળ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૃને ભેટમાં આપવામાં આવી હતી. આ હરાજીમાં ભારતીય બજાર માટે બનાવેલી ૧૯મી સદીની લક્ઝુરિયસ પોકેટ વૉચ પણ મૂકવામાં આવશેજેમાં ૧૮૯૦માં બનાવેલી ૧૮-કે યલો ગોલ્ડ કાંડાઘડિયાળ તેમજ એનેમલ કિલેસ ક્રોનોગ્રાફ વૉચિસનો સમાવેશ થાય છે. જોધપુરના મહારાજા જસવંતસિંહના પોર્ટ્રેઇટ દર્શાવતી ઘડિયાળની પણ હરાજી કરાશે.

  • ૧૮-કે પિન્ક ગોલ્ડ રોલેક્સ ઘડિયાળનું આવતા મહિને ઓક્શન
  • ૧૫૭૪થી આજ દિન સુધીની કાંડાઘડિયાળોનાં કલેક્શનને હરાજીમાં મુકાશે