લંડન, તા. ૨
બ્રિટનવાસીઓનું મનપસંદ પીણું ચા યુવાવર્ગમાં હવે ‘આઉટ ઓફ ફેશન’ થઇ ચૂક્યું હોવાનું તાજેતરમાં હાથ ધરાયેલાં એક સર્વેક્ષણ પરથી માલૂમ પડયું છે. યુવાવર્ગને ચાની માત્ર એક જ વેરાઇટી પસંદ છે અને તે છે બ્રૂ ટી, તે સિવાય યંગસ્ટર્સ મોટાભાગે સોફ્ટ ડ્રિન્ક્સ, બોટલ્ડ વોટર કે ફ્રુટ જ્યુસ પર જ પસંદગી ઉતારતા હોય છે. બ્રિટનના અડધાથી પણ વધારે ટી-ડ્રિન્કર્સ ૪૫ વર્ષથી વધુ વયના છે જ્યારે ૨૫ વર્ષથી ઓછી વયના ટી-ડ્રિન્કર્સની ટકાવારી ફક્ત ૪ ટકા છે.
ર્બિંમગહામસ્થિત બ્રિટનની અગ્રણી ચા કંપની ‘ટાયફૂ’ દ્વારા હાથ ધરાયેલાં આ સર્વેક્ષણથી એમ પણ માલૂમ પડયું છે કે બ્રિટનમાં બ્રૂ ટીની ખપત વરસેદહાડે ૧૦ લાખ ટન (૩.૫ અબજ કપ)થી પણ વધુ છે. બ્રૂ ટી એટલે દૂધ અને ખાંડ વગરની ચા.
ચારેક દાયકા પૂર્વે બ્રિટનનાં લગભગ દરેક ઘરમાં બ્રેકફાસ્ટ ટીની પરંપરા હતી. બ્રિટનવાસીઓ દિવસ દરમિયાન જેટલું પ્રવાહી લેતા હતા તેમાં અડધોઅડધ પ્રમાણ ચાનું હતું, પરંતુ હવે બ્રિટનનાં ફક્ત ૪૦ ટકા ઘરોમાં જ બ્રેકફાસ્ટ ટીની પરંપરા ટકી રહી છે, વળી ઘણોખરો ગ્રાહકવર્ગ ગ્રીન, જાસ્મીન અને મિન્ટ ટી જેવી વધુ હેલ્ધી અને વધુ ટ્રેન્ડી ટી વેરાઇટીઝ તરફ વળ્યો છે.
· અડધાથી પણ વધારે ટી-ડ્રિન્કર્સ ૪૫ વર્ષથી વધુ વયના છે
· ૨૫ વર્ષથી ઓછી વયના ટી-ડ્રિન્કર્સનું પ્રમાણ ફક્ત ૪ ટકા
બ્રિટનમાં ચા પીવાનું પ્રમાણ ઘટવા પાછળનું એક કારણ એ પણ છે કે કોર્પોરેટ કંપનીઓ કર્મચારીની પ્રોડક્ટિવિટી (ઉત્પાદનશક્તિ) વધારવા બ્રેક્સ ઘટાડવા માંડી છે જેથી ચા બનાવવામાં અને પીવામાં ‘સમયનો વ્યય’ ન થાય.
‘ટાયફૂ’ના કેટ વિલોગ્બીએ જણાવ્યું હતું કે, “ટ્રેડિશનલ ટી-ડ્રિન્કર્સની જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા ‘ટાયફૂ’ પ્રયાસશીલ છે. યુવા પેઢીને ટી-ડ્રિન્કિંગ માટે પ્રોત્સાહન પૂરું પાડવા અમે બ્રિટિશ ટેલિવિઝન પ્રેઝન્ટર, એડવેન્ચરર અને રાઇટર બેન ફોગલને લઇને અમારી નવી ટીવી એડવર્ટાઇઝિંગ કેમ્પેન તૈયાર કરી છે, જેનો આશય બ્રિટનમાં ટી-ડ્રિન્કિંગનો વારસો જાળવી રાખવાનો છે.”