બેંગ્લોર, તા. ૨
બેંગ્લોરની એક લેબોરેટરીને પહેલી જ વાર કુદરતી ઔષધનાં ગુણો ધરાવતા લીમડાનાં વૃક્ષનાં‘જિનેટિક’ રહસ્યનાં જાળાં ઉકેલવામાં સફળતા મળી છે. લીમડાનાં પાન અને લીમડાના રસમાંથી અનેક ગુણકારી ઔષધો અને દવાઓ બનાવીને તેનો વિવિધ રોગો મટાડવા માટે દેશી ઉપચાર તરીકે વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે પણ અત્યાર સુધી તેના જિનેટિક ગુણોનું રહસ્ય કોઈ ઉકેલી શક્યું નહોતું. બેંગ્લોરની જેનિત લેબ્સ દ્વારા પહેલી જ વાર લીમડાનાં વૃક્ષનું ડિકૉડિંગ કરવામાં આવ્યું છે.
· પહેલી જ વાર આ કુદરતી ઔષધનું ડિકૉડિંગ કરાયું
સરકારી ફંડથી ચાલતી નોનપ્રોફિટ સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ એન્ડ એપ્લાઇડ બાયોલોજી તથા સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સ દ્વારા લીમડાના છોડનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને તેના જિનેટિક ગુણો અને લક્ષણોનું ડિકૉડિંગ કરવામાં આવ્યું હતું. લીમડાના જીનોમ જાણીને પરંપરાગત ઔષધ તરીકે તેનો વધારે ઉપયોગ શક્ય બનશે તેવું અભ્યાસ કરનારાઓનું માનવું છે. જેનિટ લેબ્સના બિનય પાંડાએ આ અંગે કહ્યું હતું કે લીમડાના છોડના જીનોમનો અભ્યાસ વિદ્યાર્થીઓ અને યુવાન વૈજ્ઞાનિકોને આ છોડની જાત અને વિવિધ ગુણધર્મોનો વધુ અભ્યાસ કરવામાં મદદરૂપ થશે. આ અભ્યાસનાં તારણો શિક્ષણ, હેલ્થકેર અને કૃષિ ક્ષેત્રે ઉપયોગી પુરવાર થશે.