અંડર કરંટ - રાજેશ શર્માઅમેરિકાનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન ગણાતાં ઈરીન રોઝનફેલ્ડ,એક સામાન્ય પરિવારની છોકરી પોતાની બુદ્ધિ અને પોતાની મહેનતથી ક્યાં સુધી પહોંચી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે
વિશ્વ સ્તરે ભારતીય મૂળના જે લોકો બહુ જાણીતા છે, તેમાં એક નામ ઈન્દ્રા નૂયીનું છે. મલ્ટિનેશનલ સોફ્ટ ડ્રીંક્સ અને બેવરેજીજ કંપની પેપ્સીકોનાં સીઈઓ ઈન્દ્ર નૂયીની ગણના અમેરિકાના જ નહીં પણ વિશ્વનાં સૌથી પાવરફુલ લોકોમાં થાય છે. તેમાં પણ બિઝનેસના ક્ષેત્રમાં તો ઈન્દ્રા નૂયી ટોપ પર ગણાય છે ને છેલ્લાં કેટલાંક વર્ષોથી તે એકચક્રી શાન ભોગવે છે. ફોર્બ્સ ને ફોર્ચ્યુન જેવાં બિઝનેસ મેગેઝિનની યાદીમાં ઈન્દ્રા ટોપ પર જ હોય તેવો તેમનો દબદબો છે. જોકે, આ વર્ષે તેમનો આ દબદબો થોડોક ઝંખવાયો છે ને ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા અમેરિકાની જે ટોચની પાવરફુલ બિઝનેસ વીમેનની યાદી બહાર પાડી છે તેમાં ઈન્દ્રા બીજા નંબરે છે ને તેમનું સ્થાન ઈરીન રોઝનફેલ્ડે લઈ લીધું છે. ઈરીન રોઝનફેલ્ડ ક્રાફ્ટ ફૂડ્સનાં જે કંપનીનાં સીઈઓ છે અને છેલ્લાં એક વર્ષમાં તેમણે જે આક્રમક બિઝનેસ સ્ટ્રેટેજી અપનાવી તેના પર ફોર્ચ્યુન વારી ગયું છે અને તેના કારણે તેમને અમેરિકાનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન ગણાવ્યાં છે.
ઈરીન રોઝનફેલ્ડ જે કંપનીનાં સીઈઓ છે તે ક્રાફ્ટ ફૂડ્સ છેક ૧૯૦૩માં સ્થપાયેલી અને માત્ર અમેરિકા જ નહીં પણ વિશ્વના ૧૫૫ દેશોમાં તેનું સામ્રાજ્ય ધરાવે છે. વિશ્વમાં ફૂડ ક્ષેત્રે એક જ કંપની ક્રાફ્ટ કરતાં મોટી છે અને તે છે નેસલે. એ સિવાય બીજી કંપનીઓ ક્રાફ્ટ કરતાં ઘણી નાની છે. ચોકલેટ, ફૂડ અને બેવરેજીજ જેવાં ઉત્પાદનો બનાવતી અને વેચતી આ કંપનીની કુલ બ્રાન્ડ્સની સંખ્યા ૨૦૦ કરતાં વધારે છે અને તેમાં પણ ૧૨ બ્રાન્ડ એવી છે કે જે દર વર્ષે ૧ અબજ ડોલર કરતાં વધારે કમાણી કરે છે. કંપનીની ર્વાિષક વેચાણની કમાણી લગભગ ૫૦ અબજ ડોલર છે ને તેનો નફો પણ પાંચેક અબજ ડોલર છે. વિશ્વભરમાં લગભગ સવા લાખ કર્મચારીઓ ધરાવતી કંપનીનું હેડક્વાર્ટર અમેરિકાના ઈલિનોય સ્ટેટમાં નોપ્થફીલ્ડ ખાતે છે. ભારતમાં ક્રાફ્ટ ફૂડ્સનું નામ ઈન્દ્રા નૂયીની પેપ્સીકો જેટલં જાણીતું નથી અને આ કંપનીનું પડે તો લોકોને ટપ્પી જ ન પડે તેવી હાલત છે પણ જો તેની બ્રાન્ડનું નામ લઈએ તો તરત જ લોકો કહેશે કે હેં, આ પ્રોડક્ટ ક્રાફ્ટ ફૂડ્સ બનાવે છે? કેડબરી આવી જ એક બ્રાન્ડ છે,દુનિયાભરનાં યુવા દિલોની ધડકન સાથે જોડાયેલી કેડબરી ક્રાફ્ટ ફૂડ્સનું ઉત્પાદન છે ને આ એક નામ લીધા પછી કંપનીની બીજી કોઈ ઓળખ આપવાની રહેતી નથી. જોકે કેડબરી મૂળ ક્રાફ્ટની બ્રાન્ડ નથી. બ્રિટનની નેશનલ ડેરીની આ બ્રાન્ડ છે અને ઈરીન રોઝનફેલ્ડે એકદમ આક્રમક બિડિંગ કરીને ગયા વર્ષે આ બ્રાન્ડ ખરીદી અને તેને ક્રાફ્ટની મુખ્ય બ્રાન્ડ તરીકે પ્રમોટ કરી પછી આ બ્રાન્ડ ક્રાફ્ટની મુખ્ય બ્રાન્ડ બની ગઈ છે. ટ્રિડેન્ટ, ટેંગ વગેરે કંપનીની બીજી જાણીતી બ્રાન્ડ છે.
હવે થોડીક વાત ઈરીન રોઝનફેલ્ડની કરી લઈએ. ઈરીન રોઝનફેલ્ડની દાસ્તાન એકદમ પ્રભાવક છે અને એક સામાન્ય પરિવારની છોકરી પોતાની બુદ્ધિ અને પોતાની મહેનતથી ક્યાં સુધી પહોંચી શકે છે તેનો ઉત્તમ દાખલો પણ છે. ૩ મે, ૧૯૫૩ના રોજ બ્રુકલીનમાં જન્મેલી ઈરીનના પિતા રોમાનિયન મૂળના હતા જ્યારે તેની માતા જર્મન મૂળની હતી. જોકે, બંને પરિવાર યહૂદી ધર્મ પાળતાં તેથી ઈરીનનો ઉછેર યહૂજી ધર્મની રીતે થયો. ઈરીનના પિતા સીમોર બ્લેકર એકાઉન્ટન્ટ હતા ને સાથે સાથે સ્પોર્ટ્સપર્સન પણ તેથી રોજ સાંજ પડે ઈરીન અને તેની બહેન સાથે ટેનિસ રમવા જતા. ઈરીન એ કારણે જ બાળપણથી ટફ બની ને તેનામાં ગમે તેવા સંજોગોમાં ટકવાની તાકાત આવી.
ઈરીનનો ઉછેર ન્યૂયોર્કમાં થયો છે કેમ કે તેના પિતા નાના શહેરમાં દીકરીઓને ઉછેરવા નહોતા માંગતા. ન્યૂયોર્કના પરા વેસ્ટબરીમાં ઉછરેલાં ઈરીને કોર્નેલ યુનિર્વિસટીમાંથી સાયકોલોજીમાં બીએ કરેલું. પછી એમબીએ કર્યું અને છેલ્લે માર્કેટિંગ અને સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી કર્યું. તે પછી ડાન્સર ફિત્ઝગેરાલ્ડ નામની એડવર્ટાઈઝિંગ એજન્સીમાં નોકરીથી પોતાની કરિયર શરૂ કરી ને થોડા સમય કામ કર્યા પછી ઈરીને જનરલ ફૂડ્સ નામની કંપનીમાં કૂદકો લગાવ્યો. જનરલ ફૂડ્સને ફિલિપ મોરીસ ટોબેકો ગ્રૂપે ૧૯૮૫માં ખરીદી લીધી અને ૧૯૮૯માં ક્રાફ્ટ સાથે તેનં જોડાણ થયું એ સાથે જ ઈરીનના ક્રાફ્ટ સાથેના સંબંધોની શરૂઆત તઈ. ક્રાફ્ટ એ વખતે માત્ર ચીઝ બનાવતી કંપની હતી પણ ફિલિપ મોરીસ સાથે જોડાણ પછી તેનું વિસ્તરણ થયું અને ધીરે ધીરે તમાકુ બિઝનેસ બાજુ પર મૂકીને કંપની ફૂડ પ્રોડક્ટ્સની કંપની બની ગઈ. ઈરીને ન્યૂયોર્કથી શિકાગો આવી ગયાં અને એ સાથે જ કરીયરમાં નવો વળાંક આવ્યો કેમ કે અહી ંતેમની પાસે કામ કરવાની સ્વતંત્રતા હતી. આ કારણે જ ૨૦૦૪માં ઈરીનને પેપ્સીકોના ડિવિઝન ફ્રિટો-લેનાં ચેરપર્સન બનાવાયાં.
લેઝ ચીપ્સ બનાવતી આ કંપનીને ઈરીને નવી ઉંચાઈએ પહોંચાડી અને તે સાથે જ અમેરિકન બિઝનેસ જગતમાં તેમનં નામ ગાજવા માંડયું. આ કામગીરીના કારણે જ ક્રાફ્ટ ફૂડ્સે ૨૦૦૬માં તેમંન નિમણૂંક કંપનીના સીઈઓ તરીકે કરી અને માર્ચ ૨૦૦૭માં ચેરપર્સન બનાવ્યાં.
ઈરીને ક્રાફ્ટના સર્વેસર્વા તરીકે જે કામગીરી કરી તેમાં બે બાબતોની જોરદાર નોંધ લેવાઈ. એક તો કેડબરીનું ટેકઓવર. ઈરીને એકદમ આક્રમકતાથી આ બ્રાન્ડ હાસંલ કરવા પ્રયત્નો કર્યા હતા અને બીજી ઘણી કંપનીઓ સામે ટક્કર લીધી હતી. છેવટે ૧૧.૭ અબજ ડોલર જેવી જંગી રકમ ચૂકવીને ક્રાફ્ટે આ બ્રાન્ડ લીધી. એ વખતે ઘણા માનતા હતા કે કંપનીએ વધારે પડતી રકમ ચૂકવી છે ને મૂર્ખામી કરી છે. જોકે, આજે કેડબરીને જે રીતે ઈરીને નવા રૂપરંગમાં મૂકી છે તેના કારણે તેનું વેચાણ જબરદસ્ત વધ્યું છે ને કંપની માટે આ સોદો ફાયદાનો છે.
બીજી બાબત ક્રાફ્ટનં તેમણે કરેલું વિભાજન છે. ક્રાફ્ટનો ઇતિહાસ બીજી કંપનીઓ ખરીદીને મોટી કંપનીઓ બનાવવાનો છે પણ તેના બદલે ઈરીને ઉત્તર અમેરિકામાં ગ્રોસરી બિઝનેસ માટે અલગ કંપની અને વિશ્વભરમાં સ્નેક બિઝનેસ માટે અલગ કંપની બનાવવાની યોજના ઘડી અને ક્રાફ્ટને બે કંપનીમાં વહેંચી દીધી. આ યોજના હજુ અમલી બની નથી પણ આ યોજના અમલી બનશે ત્યારે કંપની બે મહત્ત્વના બિઝનેસ પર સરખું ધ્યાન આપી શકશે ને વિશ્વની સૌથી મોટી ફૂડ કંપની બની જશે તેવી આશા રખાય છે.
ઈરીને ૧૯૯૦ના દાયકામાં રોઝનફેલ્ડ સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્નથી તેમને બે દીકરીઓ થઈ. જોકે, રોઝનફેલ્ડ બિમારીમાં મોતને ભેટયા ને ઈરીન માટે એ સંજોગોમાં ટકવું અઘરું હતું પણ ઈરીનમાં નાનપણથી લડવાની જે તાકાત આવી હતી તે કામ આવી ને તે ટકી ગયાં. આ જ તાકાતના જોરે તે આજે અમેરિકાનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન મનાય છે.