ઓટો-વર્લ્ડ - હિતેષ જોશી
૧૯૧૯ના વર્ષનો કોઈ એક મહિનો. સ્થળ ઇટાલીનું સીસીલી શહેર. કારરેસના મેદાનમાં એકમેકને આંટે એવી ઝગારા મારતી કાર્સ રેસમાં ઊતરવા જાણે થનગની રહી હતી. જામેલા લોકોનાં ટોળાં વિસ્ફારિત નજરે આ બધાની વચ્ચે ઊભેલ એક જૂની ખખડધજ કારને જોઈ ગૂસપુસ કરી રહ્યા હતા. બીજી કાર્સના ડ્રાઇવર એ કારને જોઈ મૂછમાં હસી રહ્યા હતા. એ ખખડેલ કારની બાજુમાં એનો ૨૪ વર્ષનો લબરમૂછિયો ડ્રાઇવર ઊભો હતો. એની બાજુમાં ઊભેલ એના મિકેનિક મિત્રે સંદેહભરી નજર કાર તરફ નાંખી પૂછયું, “યાર, તને લાગે છે આ કાર ચાલશે રેસમાં?” આત્મવિશ્વાસથી છલોછલ એ ડ્રાઇવરે ઝુલ્ફાં ઉલાળી કારમાં બેઠક લેતાં કહ્યું, “દોસ્ત, ચાલશે શું? આજ તો આ મરમ્મત કરેલ મારી જૂની કાર કૈંકને ભારે પડી જવાની. તું બસ જોયા રાખ મારો કમાલ!” અને થોડી વારમાં રેસ શરૂ થઈ ગઈ. ફાઇનલ રાઉન્ડ જ્યારે પૂરો થયો ત્યારે આ કારનો પ્રથમ નંબર તો ન આવ્યો પણ આટલી કંગાળ હાલતમાં પણ એણે નવમો નંબર હાંસલ કરી લીધો અને એના હોનહાર ડ્રાઇવરની નોંધ હર કોઈએ લેવી પડી. હસવાવાળાઓનું પાણી ઉતારી નાંખ્યું હતું આ ડ્રાઇવરે.
એ છોકરડો ૧૮૯૫માં ઇટાલીના મોડેના ટાઉનના એક સામાન્ય લુહારના ઘરે જન્મ્યો હતો. રખડેલ સ્વભાવ અને ભણવામાં ઠોઠ આ નિશાળિયાએ ૧૩ વર્ષની ઉંમરે તો એકડા-બગડા પલ્લે નહીં પડતા ભણતરને અલવિદા કરી પોતાના પિતાના કાર ગેરેજમાં આખો દિવસ કામ કરવાનું સ્વીકારી લીધું હતું. ભણતરના નામે એ ઢગલાનો ‘ઢ’ હતો પણ વર્ષો સુધી કાર એન્જિન્સ સાથે માથાફોડી કરી એ બેમિસાલ મિકેનિક બની ગયો હતો. કાર રેસનો એ શોખીન જીવ હતો પણ નાણાં વગરના એ નાથિયાએ પૈસાના અભાવે નવી કારને બદલે કબાડીમાંથી કાર લાવી તેના પર અઠવાડિયાંઓ સુધી મહેનત કરી તેના એન્જિનને દમદાર બનાવી નવમો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. એનું નામ એન્ઝો ફેરારી, જેને દુનિયા યાદ રાખવાની હતી.
આ બનાવ બાદ ૧૯૨૦માં આલ્ફા રોમિયો નામની કાર કંપનીએ એન્ઝો ફેરારી નામના હીરાને પારખી એને ટીમ ડ્રાઇવર તરીકે નોકરી પર રાખ્યો. થોડાં જ વર્ષોમાં એન્ઝો પોતાની પ્રતિભા અને આવડતના જોરે રેસિંગ ડિવિઝનના ડાયરેક્ટર સુધી પહોંચી ગયો. લાંબા અરસા સુધી આલ્ફા રોમિયોમાં નોકરી કર્યા બાદ આખરે ૧૯૪૦માં તેણે પોતાની અલગ કંપની સ્થાપી. જોકે શરૂઆતમાં પ્લેનનાં એન્જિન અને બીજા સ્પેરપાર્ટ્સ બનાવ્યા બાદ ૧૯૪૭ની પહેલીવહેલી ફેરારી ૧૨૫ સ્પોર્ટ્સ કારે બ્રિટિશ રેસમાં ઊતરીને તરખાટ મચાવી દીધો અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાતોરાત ફેરારીને વિખ્યાત બનાવી દીધો.
ત્યારબાદ રેસિંગની દુનિયામાં એક પછી એક બહેતરીન કાર્સ ફેરારીએ આપી. ફેરારીનું જમા પાસું તેની સ્પીડ રહી છે. વાવાઝોડા જેવી ઝડપે દોડતી ફેરારી કાર્સ પાસે બીજી કંપનીની કાર્સ પાણી ભરતી રેસિંગ ટ્રેક પર. અત્યાર સુધીમાં ફેરારીનાં પોણા બસો ઉપર મોડલ લોન્ચ થઈ ચૂક્યા છે. સૌથી વધારે ઝડપી કારનાં મોડલ્સ પણ આ જ કંપનીએ આપ્યાં છે.
ભારતમાં આ કંપનીનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ ભારતની વાત કરીએ તો ફેરારીની કાર્સ ખાલી દેખીને દાઝવા જેવું છે. એક તો એની કિંમત કરોડોમાં હોય છે બીજું ફેરારી કારની બોડી જમીનને લગભગ સમાંતર હોય છે જે ભારતના રસ્તાને તો બિલકુલ અનુકૂળ નથી. હાલમાં ફેરારીનાં ત્રણ મોડલ્સ કેલિફોર્નિયા, ૪૫૮ ઇટાલીયા અને ૫૯૯ ય્મ્ ભારતમાં લોન્ચ થયાં છે.
પણ ફેરારીની વાત કંઇક ઓર છે. બોનેટ પરના તેના સિમ્બોલ બે પગે ઉછળતા ઘોડા જેવી તેજ ગતિએ ભાગવાવાળી આ કાર્સ વગર ધનાઢયોનાં ગેરેજ પાર્કિગ ફેરારી વગર તો ફિક્કાં જ કહેવાય.
એક્સીલેટર
*૧૯૬૯માં ફેરારીને ખરીદનાર ફિયાટ કંપનીએ એન્ઝો ફેરારીને મામૂલી મિકેનિક ગણી ૧૯૧૮માં નોકરી આપવા ઇન્કાર કર્યો હતો.
* ફેરારી એન્ઝો મોડલ સર્વાધિક ઝડપી મોડલ છે. ઝડપ ૩૪૭ કિમી પ્રતિ કલાક.
* વિશ્વયુદ્ધના સમયમાં એન્ઝોએ ખચ્ચરોની ખરી પર નાળ બેસાડવાનું કામ પણ કર્યું હતું. ઉંમર હતી ૧૯ વર્ષ.
* ૪૫૮ સ્પાઇડર અને ફેરારી FF કંપનીનાં લેટેસ્ટ મોડલ છે.
* કંપનીનાં સર્વાધિક સફળ મોડલ ટેસ્ટારોસા, 250 GTB, ફેરારી ૫૦૦, ફેરારી એન્ઝો, ફેરારી ૫૯૯, ફેરારી FXX રહ્યાં.
* ફેરારી એન્જો ધૂની અને ઘમંડી સ્વભાવનો ગણાતો અને હંમેશાં કાળાં ચશ્માં લગાવીને જ ફરતો
* સચિનને ભેટ મળેલી ફેરારી મોડેના ૩૬૦ની કિંમત ૭૫ લાખ હતી અને સરકારે ૧ કરોડ ૧૩ લાખ ડયુટીની એને માફી આપેલ.
* રેસ ટ્રેક પર થયેલા બે અકસ્માતોમાં કુલ ૨૫ વ્યક્તિનાં મોત બાદ ગ્રીક અખબારો ફેરારીને ‘ગ્રીક દાનવ’ તરીકે સંબોધતા.
* વર્ષ ૨૦૦૦થી ૨૦૦૪ સુધી સતત પાંચ વર્ષ ફેરારી પર સવાર થઇ માઇકલ શૂમાકરે F-1 ચેમ્પિયનશિપ જીતી હતી.