અમદાવાદ, તા. ૧૭
ક્રિકેટની રમતની વાત આવે તો સચિન તેંડુલકરનું નામ યાદ આવી જાય છે તેવો જ નાતો ફોર્મ્યુલા વન અને માઇકલ શુમાકરનો છે. શુમાકર એફ વનનો પર્યાય બની ગયો છે. એક સાધારણ પરિવારમાં જન્મેલો શુમાકર એફ વનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ડ્રાઇવર છે. શુમાકર રેકોર્ડોનો બાદશાહ છે અને એફ વનના લગભગ બધા જ રેકોર્ડોશુમાકરના નામે છે. અમેરિકા અને યુરોપની બહાર એફ વનને લોકપ્રિય બનાવવામાં શુમાકરનો ફાળો ઘણો મહત્ત્વનો છે. શુમાકરને બાળપણથી જ કાર રેસનો શોખ હતો, તેના આ શોખને કારણે તેના પિતાએ પેન્ડલ કાર્ટમાં મોટરસાઇકલનું એન્જિન લગાવી આપ્યું હતું. શુમાકરને પહેલાંથી જ જીતવાની આદત હતી. તેના પિતાએ ખરાબ મોટર સ્પેરપાર્ટથી એક કાર્ટ બનાવીને શુમાકરને આપી હતી. આ કાર્ટથી શુમાકરે કોર્ટ ક્લબ ચેમ્પિયનશિપ જીતી હતી, જોકે શુમાકર યુવાન થયો ત્યારે મોંઘા કાર્ટની જરૃર પડી હતી પણ તેના પિતાને કાર્ટ ખરીદવા આર્િથક રીતે સક્ષમ નહોતા. આ સમયે એક વેપારીએ આર્િથક મદદ કરતાં શુમાકરે કાર્ટ ખરીદી હતી. જોર્ડનની ટીમના ડ્રાઇવર બર્ડરેટ ગેચોટને જેલ થતાં શુમાકરને ૧૯૯૧માં બેલ્જીયમ ગ્રા. પ્રિ.માં ફોર્ડ ટીમ સાથે એફ વનમાં તક મળી હતી. શુમાકર માટે ૧૯૯૪નું વર્ષ શ્રેષ્ઠ સાબિત થયું હતું. આ વર્ષે પ્રથમ એફ વન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી,જોકે રેસ દરમિયાન ચેમ્પિયન આર્યટન સેનાનું મોત તેના માટે દુખદાયી બન્યું. શુમાકરે ૧૯૯૪ના વર્ષ પછી પાછળ વળી જોયું નથી. શુમાકરે સાત વખત એફ વન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે જે એક રેકોર્ડ છે. શુમાકરે અત્યાર સુધી ૨૮૩ રેસ કરી છે જેમાં ૯૧માં જીત મેળવી છે અને ૧૫૪ રેસમાં ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું છે. શુમાકરના કારકિર્દીના પોઇન્ટ ૧,૪૯૩ છે જે વર્લ્ડમાં સૌથી વધુ છે.