Friday, October 21, 2011

ખાનગી ક્ષેત્રે લાંચરુશવત ફોજદારી ગુનો બનશે : વડાપ્રધાન

નવી દિલ્હી, તા. ૨૧
તાજેતરમાં દેશમાં પ્રકાશમાં આવેલી કૌભાંડોની હારમાળામાં મોટા કોર્પોરેટ ઉદ્યોગગૃહોની કહેવાતી સંડોવણીને ધ્યાનમાં લઈને ખાનગી ક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારનાં દૂષણને ડામવા સરકાર ખાનગી ક્ષેત્રે લાંચરુશવતને ફોજદારી ગુનો બનાવવા વિચારી રહી છે. વડાપ્રધાન મનમોહનસિંહે આ સંદર્ભમાં સીબીઆઈની કોન્ફરન્સ અને એન્ટિકરપ્શન બ્યૂરોને સંબોધતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેનાં સંયુક્ત રાષ્ટ્રનાં કન્વેન્શન મુજબ ભારતે આ મામલે સુધારા કર્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં લાંચરુશવત વિરોધી કાયદામાં સુધારા કરવામાં આવશે.
સરકારે યુએન કન્વેન્શન મુજબ વિદેશી સરકારી અધિકારીને લાંચ આપવાની બાબતને ગુનો બનાવતું બિલ સંસદમાં રજૂ કર્યું છે જ્યારે ખાનગી ક્ષેત્રમાં લાંચ આપવાનાં કૃત્યને ફોજદારી ગુનો બનાવવા કાયદામાં સુધારા કરાશે, જો કે આ કાયદો કેવો હશે તે અંગે તેઓ વધુ પ્રકાશ પાડી શક્યા નહોતા.
સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પ્રધાનોના વિશેષાધિકારો પર કાપ મૂકવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે દર વર્ષે આપવામાં આવતા કરોડોના સરકારી કોન્ટ્રેક્ટમાં ગેરરીતિઓ દૂર કરવા માટે પબ્લિક પ્રોક્યોરમેન્ટ કાયદાને પણ કડક બનાવવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચારને વકરાવતી દરેક તકોને ઘટાડવાનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે પણ કમનસીબી એ છે કે આ અંગે ફુલપ્રૂફ સિસ્ટમ અમલમાં મૂકી શકાઈ નથી. સરકારી ખાતાઓમાં દરેક સ્તરે એક યા બીજી રીતે ભ્રષ્ટાચાર આચરી શકાય તેવી છટકબારીઓ રહી જતી હોય છે.
મનમોહનસિંહે સીબીઆઈને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર આચરતાં લોકોને વહેલાં કે મોડાં સજા ભોગવવી પડતી હોય છે તેવી લોકોને ખાતરી થાય તેવાં પગલાં તેણે લેવાં જોઈએ. ગેરરીતિઓના દરેક કિસ્સાની ઝડપી તપાસ થવી જોઈએ અને કસૂરવારોને આકરી સજા કરવી જોઈએ જેથી લોકોને ભ્રષ્ટાચાર કરતાં રોકી શકાય. પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલની વડાપ્રધાને તરફેણ કરી હતી અને ટ્રાયલ કામગીરી ઝડપી બનાવવા અનુરોધ કર્યો હતો.
લોકપાલના કાળમાં સીબીઆઈ મહત્ત્વની ભૂમિકા નિભાવે....
વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે લોકપાલની નિયુક્તિ થયા પછી ભ્રષ્ટાચારના મામલામાં અને ગેરરીતિઓ તેમજ લાંચના કેસોની તપાસમાં સીબીઆઈએ મહત્ત્વની ભૂમિકા નિભાવવાની છે, તેની ભૂમિકા ભ્રષ્ટાચારવિરોધી ઓમ્બુુડ્સમેન જેવી હોવી જોઈએ. આવનારા સમયમાં લોકપાલ મજબૂત અને અસરકારક હોય તેમ સરકાર જોવા માગે છે. લોકપાલની ચળવળ પછી જાહેર જીવનમાં ટોચના અધિકારીઓ સ્વચ્છ હોય અને સારો વહીવટ કરે તે સરકારના એજન્ડામાં ટોચ પર છે. સીબીઆઈએ લાંચના કેસોમાં રાજકીય દબાણોને ફગાવીને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને કસૂરવારોને આકરી સજા થાય તેવાં પગલાં લેવાં જોઈએ, જો કે સીબીઆઈના ડિરેક્ટર તેમની સંસ્થાને લોકપાલના દાયરામાં લાવવાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમણે ભ્રષ્ટાચાર સામે લડવામાં સીબીઆઈની સ્વતંત્ર ભૂમિકાની તરફેણ કરી હતી.
ભ્રષ્ટાચાર અને કોર્પોરેટ સેક્ટર
જાણીતી સંસ્થા કેપીએમજી દ્વારા ભ્રષ્ટાચાર અને કોર્પોરેટ સેક્ટર અંગે કરાયેલા સર્વેનાં તારણો
૫૧ ટકા : વધતો જતો ભ્રષ્ટાચાર ભારતને વિદેશી રોકાણકારો માટે ઓછું આકર્ષક બનાવશે.
૬૮ ટકા : ભ્રષ્ટાચાર પર અંકુશ આવે તો ભારત ૯ ટકાથી પણ વધુ આર્થિક વૃદ્ધિદર હાંસલ કરી શકે
૬૮ ટકા :ઘણા કેસોમાં ભ્રષ્ટાચાર ખાનગી ક્ષેત્ર દ્વારા આચરવામાં આવે છે.
૮૪ ટકા :ભારત સરકાર ભ્રષ્ટાચાર અને લાંચવિરોધી કાયદાઓના અમલની બાબતમાં ખૂબ અસરકારક નથી.
૯૦ ટકા : ભ્રષ્ટાચાર શેરબજારો પર પણ નકારાત્મક અસર કરે છે અને બજારોમાં અસ્થિરતા વધારે છે, જેના કારણે સંસ્થાકીય રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરતા નથી.
૯૯ ટકા : ભ્રષ્ટાચારની બિઝનેસ જગત પર સૌથી મોટી અસર એ છે કે તેના કારણે કંપનીઓને સમાન તકો મળતી નથી અને કોઈ કંપની જે-તે પ્રોજેક્ટ પાર પાડવા ઓછી સક્ષમ હોય તો પણ લાંચ-ભ્રષ્ટાચાર દ્વારા પ્રોજેક્ટ મેળવી લેવામાં સફળ રહેતી હોય છે.
ભ્રષ્ટાચાર સામે લડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં વિવિધ પગલાં પૈકી માહિતીઅધિકાર કાયદો (આરટીઆઇ એક્ટ) સૌથી અસરકારક પગલાં તરીકે ઊભર્યો છે.
મોટા ભાગના લોકોનો મત : ભ્રષ્ટાચારવિરોધી ખરડો આવે કે ન આવે, ભારતમાં ભ્રષ્ટાચારનાં પ્રમાણમાં કોઈ ફરક પડે તેમ નથી.
ભ્રષ્ટાચાર ડામવા શું થવું જોઈએ ?
-એક સર્વગ્રાહી આચારસંહિતા તૈયાર કરવી અને ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા દાખવી આ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવો.
-લાંચ/ભ્રષ્ટાચારના સંભવિત મામલાઓનો પર્દાફાશ કરવા સ્ટ્રક્ચર્ડ વ્હીસલ-બ્લોઇંગ મિકેનિઝમ તૈયાર કરવું.
-રિસ્ક એસેસમેન્ટ મિકેનિઝમ રાખવું, જેમાં ભ્રષ્ટાચાર સંબંધી જોખમોના ચોક્કસ ઉલ્લેખ સાથે થર્ડ પાર્ટી ઓડિટ્સનો પણ સમાવેશ થાય છે.
-લાંચ/ભ્રષ્ટાચારને કારણે ઉદ્ભવતા પ્રશ્નો તરફ ધ્યાન આપવા માટે રેગ્યુલર મોનિટરિંગ મિકેનિઝમ તૈયાર કરવું.

કાયદામાં જરૂરી સુધારાવધારા કરવા સરકારની વિચારણા