Friday, October 21, 2011

કુપોષણ સામે લડવામાં ગુજરાત સૌથી ખરાબ રાજ્ય

નવી દિલ્હી, તા.૨૧
ગુજરાતના ઊંચા આર્થિક વિકાસની ગુલબાંગો ભલે પોકારવામાં આવતી હોય પણ જ્યાં સુધી હ્યુમન ડેવલપમેન્ટની વાત આવે છે ત્યાં સુધી કુપોષણ સામે લડવામાં ગુજરાત સૌથી ખરાબ રાજ્ય હોવાની ટીકા આ અંગેના રિપોર્ટમાં કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના ઊંચા આર્થિક વિકાસથી કુપોષણ ઘટાડવાની કોઈ ગેરંટી મળી જતી નથી. જોકે, દેશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ૨૧ ટકાનો વધારો થયો છે, પણ હેલ્થકેર-પોષણક્ષમ આહાર-સ્વચ્છતા ભારત માટે મોટો પડકાર રહ્યાં છે. શિક્ષણનો ઊંચો દર, સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા અને લોકો માટે ખર્ચની બાબતમાં કેરળ ટોચ પર છે.
દેશમાં કુપોષણ સામે લડવામાં હાઈ પર-કેપિટા રાજ્યોમાં ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. ભૂખમરાના ઈન્ડેક્સમાં ગુજરાતનો ૧૩મો નંબર હોવાનું અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. આમ આ મામલે ગુજરાત અન્ય રાજ્યો ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ કરતાં ઘણું પાછળ છે.
હન્ગર ઈન્ડેક્સમાં પંજાબ અને કેરળનો દેખાવ સૌથી સારો છે જ્યારે ઝારખંડ અને મધ્ય પ્રદેશની કામગીરી નબળી રહી છે. બ્રીક અને સાર્ક દેશોમાં જ્યાં સુધી નીચો બાળ જન્મ દર, ઓછું વજન અને બાળકોનાં કુપોષણને સંબંધ છે ત્યાં સુધી ભારતનો દેખાવ સાવ કંગાળ રહ્યો છે. બાળકોમાં કુપોષણનું પ્રમાણ ગામડાઓમાં ઊંચું રહ્યું છે. શહેરો અને ગામડાઓ વચ્ચે અસમાનતા વધી રહી છે ત્યારે બાળકોમાં એનિમિયાનું પ્રમાણ વધી રહ્યું છે.
ઈન્સ્ટિટયૂટ ઓફ એપ્લાઈડ મેનપાવર રિસર્ચ દ્વારા ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૧૧ને તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કેરળ પહેલા નંબરે, દિલ્હી બીજા, હિમાચલ પ્રદેશ ત્રીજા અને ગોવા ચોથા ક્રમે આવ્યા હતા. આયોજન પંચના ઉપાધ્યક્ષ અહલુવાલિયા અને ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશની હાજરીમાં આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં જણાવાયું હતું કે, દેશના બે-તૃતીયાંશ પરિવારો સિમેન્ટથી બાંધેલાં પાકાં મકાનોમાં રહે છે. જ્યારે ત્રણ-ચતુર્થાંશ પરિવારોને વીજળીની સુવિધા મળે છે. છેલ્લા એક દાયકામાં હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૦૭-૦૮માં તેની સરેરાશ ૦.૪૬૭ પોઈન્ટ નોંધાઈ હતી જે ૧૯૯૯-૨૦૦૦માં ૦.૩૮૭ પોઈન્ટ હતી. દેશમાં શિક્ષણ સુધારણામાં ૨૮.૫ ટકાનો વધારો થયો હતો.

ખુલ્લામાં કુદરતી હાજત સ્વાસ્થ્ય સુરક્ષા સામે ગંભીર ખતરો
દેશમાં ગરીબો માટે કુદરતી હાજતે જવા સરકાર દ્વારા મોટી સંખ્યામાં સંડાસ બાંધવામાં આવ્યા હોવા છતાં દેશની ૫૦ ટકા વસ્તીને આ સુવિધાનો લાભ આપી શકાયો નથી. પરિણામે ખુલ્લામાં કુદરતી હાજતે જવાથી લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા સામં ગંભીર ખતરો સર્જાતો હોવાનું અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. મોટાભાગનાં મુસ્લિમો શહેરોમાં રહેતા હોવાથી પછાત અને આદીવાસીઓની સરખામણીમાં તેમને સંડાસનાં લાભ વધુ મળે છે. ખુલ્લામાં કુદરતી હાજતે જવામાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાનો પણ ખતરો છે. જયરામ રમેશનાં જણાવ્યા મુજબ દેશમાં કુલ ૬ લાખ ગામડાઓ છે પણ માત્ર ૨૫,૦૦૦ ગામડાઓને જ ચોખ્ખા પાણીની સવલત આપી શકાઈ છે અને તેમને નિર્મલ ગ્રામ જાહેર કરાયા છે.
હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ૨૧ ટકાનો વધારો
હેલ્થકેર-પોષણક્ષમ આહાર-સ્વચ્છતા ભારત માટે મોટો પડકાર
શિક્ષણ, સ્વાસ્થ્ય સેવામાં કેરળ ટોચ પર
દિલ્હી બીજા, હિમાચલ પ્રદેશ ત્રીજા અને ગોવા ચોથા ક્રમે