નવી દિલ્હી, તા.૨૧
ભ્રષ્ટ બાબુઓની લાંચની માગણી અથવા વિલંબમાં મુકાયેલા કામથી તમે પરેશાન છો? કેન્દ્રીય તપાસ પંચ (સીવીસી) ટૂંક સમયમાં તમારી આ સમસ્યાનો ઉકેલ લાવવા કમર કસી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓના ત્રાસમાંથી લોકોને છોડાવવાના આશયથી સીવીસી ૨૪x૭ ટોલ ફ્રી નંબર ૧૯૬૪ લોન્ચ કરશે, જેના પર કોઈપણ દેશવાસી તેમની ફરિયાદ નોંધાવી શકશે.
દેશની અગ્રણી ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નંબર ભ્રષ્ટાચાર સંબંધિત બધી જ ફરિયાદોના ઉકેલ માટે વન-સ્ટોપ શોપની જેમ કામ કરશે. સીવીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન જાહેર સેવકો દ્વારા માગવામાં આવતી લાંચ અથવા બિનજરૃરી ભલામણની માગના કારણે સંબંધિત સરકારી વિભાગમાં કામના બિનજરૃરી વિલંબ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ફરિયાદીને મદદરૃપ થશે.
તેમણે કહ્યું હતું કે, લોકોને ૨૪ કલાક સેવા પૂરી પાડવા માટે કોલ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. લોકો બધાં જ કેન્દ્રીય મંત્રાલયો, સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના એકમોમાં તેમણે સામનો કરવા પડતા ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે. જોકે, દિલ્હી સરકાર અથવા તેના વિભાગો સંબંધિત ફરિયાદોનો ઉકેલ આ હેલ્પલાઈન મારફત આવી શકશે નહીં તેમ પંચે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી સરકારના વિભાગો તેમના ન્યાયક્ષેત્ર હેઠળ આવતાં નથી.
સરકાર દ્વારા ફેબ્રુઆરી ૧૯૬૪માં કેન્દ્રીય તપાસ પંચની સ્થાપના થઈ હોવાથી આ હેલ્પલાઈનનો નંબર પણ ૧૯૬૪ રાખવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે એમટીએનએલ સાથે ટેકનિકલ બાબતો પર કામ કર્યું છે. અન્ય હિસ્સેદારો સાથે કેટલીક બાબતો પર કામ કરવું જરૃરી છે. આગામી બે મહિનાના સમયમાં તેઓ આ હેલ્પલાઈન નંબર શરૃ કરવાની યોજના ધરાવે છે. હાલમાં સીવીસી ૧૮૦૦-૧૧-૦૧૮૦ અને ૦૧૧-૨૪૬૫૧૦૦૦ એમ બે ટોલ ફ્રી નંબર ધરાવે છે, જે સોમવારથી શુક્રવાર સવારે ૯થી સાંજે ૭ સુધી ચાલે છે જ્યારે ૧૯૬૪ નંબર સપ્તાહના સાતેય દિવસ ૨૪ કલાક કામ કરશે.
કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને જાહેર એકમોમાં ભ્રષ્ટાચાર માટે ટોલ ફ્રી નંબર