Friday, October 21, 2011

ઓબામાએ ભારતીય-અમેરિકન સામાજિક કાર્યકરનું મરણોપરાંત સન્માન કર્યું

વોશિંગ્ટન, તા. ૨૧
તેમનાં અસાધારણ કાર્યોને માન્યતા આપતાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવાની હિંમત કરનાર ભારતીય-અમેરિકન મહિલા સામાજિક કાર્યકર વિજયા એમનીને મરણોપરાંત અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કર્યો હતો. ઓબામાએ એમની અને અન્ય ૧૨ એવોર્ડ વિજેતાઓને ૨૦૧૧નો પ્રેસિડેન્શિયલ સિટીઝન્સ મેડલ એનાયત કર્યો હતો. અન્ય લોકોને મદદ કરવા માટે આ એવોર્ડ વિજેતાઓએ અસાધારણ કામગીરી ભજવી હતી.
ઓબામાએ કહ્યું હતું કે આજે ૧૩ અમેરિકનોનું સન્માન કરવામાં આવે છે, જેમણે તેમના પડોશીઓને મુશ્કેલીના સમયમાં મદદ કરી હતી, તેમણે તેમના જીવનનો ઉપયોગ અન્ય સદ્કાર્યો માટે કરવાનું યોગ્ય માન્યું હતું, તેઓ અન્યોને મદદ નહીં કરવાના બદલે કશું જ નહીં કરવાનું વલણ પણ અપનાવી શક્યા હોત. ઓબામાએ વ્હાઇટહાઉસના ઇસ્ટ રૃમમાં એક ભવ્ય સમારંભમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન એવોર્ડ એનાયત કરાયો હતો.
૫૧ વર્ષીય એમનીનું વર્ષ ૨૦૦૯માં એક કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેમણે ઘરેલુ હિંસામાં સપડાયેલ મહિલાઓને મદદ કરવાની સાથે ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો, તેમની માતા વતી સુજાતા અને નિર્મલા એમનીએ એવોર્ડ સ્વીકાર્યો હતો. વ્હાઇટહાઉસે જણાવ્યું હતું કે વિજયા એમની ઘરેલુ હિંસાનો ભોગ બનનાર મહિલાઓ માટે પ્રેરણામૂર્તિ બન્યાં હતાં.
વિજયા એમનીએ ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો