લંડન, તા. ૧૫
વધારે પડતું ટીવી જોવાથી ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ,હાર્ટએટેક અને વહેલું મૃત્યુ થવાનું જોખમ વધે છે તેવું હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ પરથી જાણવા મળે છે, આથી જો તમારે ડાયાબિટીસ અને હાર્ટએટેકથી બચવું હોય તો ટીવી જોવાનું પ્રમાણ ઘટાડવું જોઈએ તેમ હાર્વર્ડના ન્યુટ્રીશન એન્ડ એપિડેમિઓલોજીના પ્રોફેસર ફ્રાન્ક હ્યુએ જણાવ્યું હતું.
શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે લોકોએ દિવસ દરમિયાન નાનાંમોટાં કામકાજમાં વ્યસ્ત રહેવું જોઈએ અને ટીવી જોવાનું પ્રમાણ ઘટાડવું જોઈએ તેમ હ્યુએ કહ્યું હતું. દરરોજ ૨ કલાકથી વધારે ટીવી જોવામાં આવે તો તે તંદુરસ્તી માટે નુકસાનકારક પુરવાર થાય છે, જો રોજ ત્રણ કલાકથી વધારે ટીવી જોવામાં આવે તો વહેલું મૃત્યુ થવાનું પણ જોખમ વધે છે તેમ હ્યુએ જણાવ્યું હતું.
હ્યુ અને એન્જર્સ ગ્રોન્ટવેડ દ્વારા વધારે પડતું ટીવી જોવાથી થતાં નુકસાન અંગે મેટા એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટીવી સાથે સંલગ્ન રોગો માટે ૧૯૭૦થી ૨૦૧૧ સુધીમાં કરાયેલા અભ્યાસનું વિસ્તૃત પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણને અંતે જણાયું હતું કે ટીવી સામે વધુ સમય બેસી રહેવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસ, હાર્ટને લગતા રોગોનું જોખમ વધે છે તેમજ વહેલું મૃત્યુ થવાની શક્યતાઓ રહે છે. અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં કરાયેલા અભ્યાસનાં તારણોને પણ મેટા એનાલિસિસમાં સમાવી લેવામાં આવ્યાં હતાં.
- દરરોજ ૨ કલાકથી વધારે ટીવી જોવાનું નુકસાનકારક
- વહેલું મૃત્યુ થવાની પણ શક્યતા રહે છે