Monday, October 17, 2011

ચેતન ભગત અને દુનિયાના બેસ્ટસેલર લેખકો(અંડર કરંટ)


અંડર કરંટ - રાજેશ શર્મા
વિશ્વના સૌથી વધુ વંચાતા લેખકોની યાદીમાં એક પણ ભારતીય નથી એ તો ઠીક પણ અત્યારે જીવતા બેસ્ટસેલર લેખકોની બુક્સના વેચાણના આંકડા જોઈએ તોપણ ગ્લાનિ થઈ આવે તેવું ચિત્ર છે
ગયા અઠવાડિયે ચેતન ભગતની નવી બુક રિવોલ્યુશન ૨૦૨૦ : લવ, કરપ્શનએમ્બિશન’ બહાર પડી અને તેણે ભારતમાં પુસ્તક વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ભારતમાં કોઈ અંગ્રેજી બુકની ૧૦ હજાર કોપી પણ વેચાય તો એ બુક બેસ્ટસેલર ગણાય છે ત્યારે ચેતનની આ બુકનો શરૂઆતનો પ્રિન્ટ ઓર્ડર જ પાંચ લાખ કોપીનો છે! ચેતન ભગતની બુક્સને અત્યાર લગી લોકોએ અને ખાસ તો યંગ જનરેશને જે રીતે વધાવી છે તે જોયા પછી પબ્લિશર પાંચ લાખ કોપી છાપવા તૈયાર થઈ શકે. ચેતને ૨૦૦૪માં પોતાના ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ના અનુભવો પરથી ‘ફાઈવ પોઇન્ટ સમવન’ લખી અને એ પહેલી બુકથી જ ચેતન છવાઈ ગયો. એ પછીનાં સાત વર્ષમાં ચેતને બીજી ચાર નોવેલ લખી. ૨૦૦૫માં ‘વન નાઈટ એટ કોલ સેન્ટર’, ૨૦૦૮માં ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’, ૨૦૦૯માં ‘ટુ સ્ટેટ્સ’ અને હવે ૨૦૧૧માં ‘રિવોલ્યુશન - ૨૦૨૦ : લવ, કરપ્શન, એમ્બિશન’. ચેતનની આ બધી નોવેલે ડંકા વગાડયા છે ને ભારતમાં કદી કોઈએ કલ્પના પણ ન કરી હોય તે હદે આ બુક્સ વેચાઈ છે.
ચેતનની બુક્સ વેચાઈ છે તે માટે બે મુખ્ય કારણ છે. પહેલું કારણ એ છે કે ચેતન આ દેશના યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને લખે છે. અંગ્રેજીમાં લખતા બીજા ભારતીયોની જેમ ભારેખમ અને પોતે સાહિત્યના ખાંટું છે તે સાબિત કરવા માટે સમજ ન પડે તેવું ભારેખમ અંગ્રેજી નહીં પણ આ દેશની યંગ જનરેશન બોલે છે અને સમજે છે તેવી ભાષામાં ચેતન લખે છે. બીજું કારણ એ છે કે ચેતનની બુકની કિંમત મલ્ટિપ્લેક્સ સિનેમાની ટિકિટ કરતાં પણ ઓછી હોય છે, જે યંગસ્ટર્સના પોકેટને પરવડે તેવી છે.
ચેતનની બુક્સની કેટલી કોપી અત્યાર લગી વેચાઈ તેનો ચોક્કસ આંકડો તો ચેતન અને તેના પબ્લિશર પાસે જ હશે પણ એક અંદાજ પ્રમાણે અત્યાર લગી ચેતનની ૪ બુક્સની કુલ ૨૫ લાખ કરતાં વધારે નકલો વેચાઈ છે ને તેમાં નવી બુકની પાંચ લાખ કોપી ઉમેરો તો આંકડો ૩૦ લાખ પર પહોંચે ને વાત ત્યાં ખતમ થતી નથી. ચેતનનો જે પ્રભાવ છે તે જોતાં આ આંકડો વધતો જ જશે તેમાં કોઈ શક નથી. ચેતન ભારતમાં ફિક્શન લખનારા લેખકોમાં સૌથી વધારે વંચાતા ને વેચાતા લેખક છે તેમાં પણ કોઈ શક નથી પણ એક રસપ્રદ સરખામણી કરવા જેવી છે. દુનિયાના સૌથી વધુ વેચાતા લેખકોમાં ચેતન ક્યાં છેનોવ્હેર.
વિશ્વના સૌથી વધુ વંચાતા લેખકોની યાદીમાં એક પણ ભારતીય નથી એ તો ઠીક પણ અત્યારે જીવતા બેસ્ટસેલર લેખકોની બુક્સના વેચાણના આંકડા જોઈએ તો પણ ગ્લાનિ થઈ આવે તેવું ચિત્ર છે ને આ વાત વિલિયમ શેક્સપિયર કે અગાથા ક્રિસ્ટી જેવાં ઓલટાઈમ ગ્રેટેસ્ટ લેખકોની નથી કે જેમનાં સર્જનોની અત્યાર લગીમાં ૪૦૦-૪૦૦ કરોડથી પણ વધારે કોપી વેચાઈ ચૂકી છે પણ વાત એવા લેખકોની છે કે જે લોકો હજુ જીવે છે ને હજુ લખે છે. ચેતન ભગતની બુક્સની જેટલી કોપી અત્યાર સુધી વેચાઈ તેના કરતાં વધારે કોપી તો તેમની એક બુકની વેચાય છે ને બીજા ભારતીય લેખકો તો પિક્ચરમાં જ નથી. વિશ્વમાં અત્યારે જીવંત બેસ્ટસેલર લેખકોમાં ટોચ પર અમેરિકન ડેનિયલ સ્ટીલ છે. રોમેન્ટિક નવલકથાઓ અને ડ્રામા લખતાં સ્ટીલનાં પુસ્તકોની સંખ્યા છે ૭૨ અને તેમનાં પુસ્તકોની કુલ કોપીનો વેચાણનો આંકડો છે ૧૦૦ કરોડ કરતાં વધારે. જોકે જેને રિયલ બેસ્ટસેલર કહેવાય તેવાં લેખિકા જે.કે. રાઉલિંગ છે. હેરી પોટર સીરિઝની સાત બુક્સ લખનારાં રોલિંગની બુક્સની કોપીના વેચાણનો આંક છે ૫૦ કરોડ. રાઉલિંગનાં પુસ્તકોએ તો ધૂમ મચાવી જ છે પણ તેમનાં પુસ્તકો પરથી બનેલી ફિલ્મોએ પણ ધૂમ મચાવી છે. રોલિંગ પછી છે જેકી કોલિન્સ. કોલિન્સ ૭૪ વર્ષનાં છે ને અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યાં છેપણ તેમણે ધૂમ મચાવી છે રોમેન્ટિક બુક્સનાં લેખિકા તરીકે. અત્યાર સુધીમાં ૨૫ નોવેલ લખી ચૂકેલાં કોલિન્સની બુક્સની કોપી વેચાઈ છે ૪૦ કરોડ કરતાં વધારે. સસ્પેન્સ થ્રીલર લખતા અમેરિકન લેખક ડીન કૂંટ્ઝે ૯૧ બુક લખી છે અને તેમની બુક્સના વેચાણનો આંક છે - ૪૦ કરોડ કરતાં વધારે. આર.એલ. સ્ટાઈને બાળકોને મજા કરાવી દે તેવી ૪૦૦ કરતાં વધારે બુક્સ લખી છે ને વેચાણનો આંકડો છે ૪૦ કરોડ કરતાં વધારે. ૬૧ વર્ષનાં નોરા રોબર્ટ્સ અમેરિકન રોમેન્ટિક નોવેલ લખે છે. બુક્સની સંખ્યા ૧૪૫ અને વેચાણ ૪૦ કરોડ કરતાં વધારે. સ્ટીફન કીંગ સાયન્સહોરર અને સસ્પેન્સ થ્રીલર્સ લખે છે ને ૭૦ કરતાં વધારે બુક લખી ચૂક્યા છે ને તેમની બુક્સના વેચાણનો આંકડો છે ૩૫ કરોડ.
જિન યોંગ હોંગકોંગ-ચાઇનીઝ લેખક છે ને ૧૫ બુક લખી ચૂક્યા છે. જિનની ફિક્શન વુક્સીયા એટલે કે માર્શલ આર્ટ પરની છે ને તેમની બુક્સની કોપી વેચાઈ છે ૩૦ કરોડથી વધારે. જિન ચાઈનીઝ ભાષામાં લખે છે ને અંગ્રેજી સિવાયની ભાષામાં વિશ્વમાં સૌથી વધુ વંચાતા લેખક છે. અમેરિકન લેખિકા જેનેટ ડેઈલીએ ૯૩ રોમેન્ટિક નોવેલ લખી છે અને વેચાણનો આંકડો૩૦ કરોડ કરતાં વધારે. ૫૫ વર્ષના અમેરિકન જ્હોન ગ્રિશામ લીગલ થ્રીલર લખે છે૨૨ નોવેલ લખી ચૂક્યા છે અને બુક્સની કોપી વેચાઈ છે ૨૫ કરોડ કરતાં વધારે.
ભારતમાં અંગ્રેજી વાંચનારા લેખકોમાં બે નામ બહુ જાણીતાં છે. એક જેફ્રી આર્ચર અને બીજા પૌલો કોહેલો. બ્રિટિશ લેખક આર્ચર રાજકારણીમાંથી લેખક બન્યા અને જલસો પડી જાય તેવી ક્રાઇમ થ્રિલર લખે છે. આર્ચરે ૩૦ થ્રિલર લખી છે અને વેચાણનો આંકડો છે ૨૫ કરોડ કરતાં વધારે. ‘અલકેમિસ્ટ’ જેવી નોવેલ લખીને વિશ્વવિખ્યાત બની જનારા કોહેલો બ્રાઝિલિયન છે ને તેમણે પોર્ટુગીઝ ભાષામાં જ ચાર નોવેલો લખી છે પણ તેના અંગ્રેજી અનુવાદે આખી દુનિયામાં ધૂમ મચાવી છે ને વેચાણનો આંક છે ૧૦ કરોડથી વધુ. ‘દા વિન્ચી કોડ’ જેવી માસ્ટરપીસ લખનારા અમેરિકન ડાઉ બ્રાઉને ચેતનની જેમ જ પાંચ નોવેલો લખી છે ને તેમની બુક્સના વેચાણનો આંક છે ૧૨ કરોડથી વધુ. આ યાદીમાં ઘણાં નામો છૂટી ગયાં હશે પણ વાત એટલી જ છે કે ચેતનની બુક્સનું વેચાણ ગરીબી લાગે એ હદે દુનિયામાં બીજા લેખકો વેચાય છે અને વંચાય છે. જોકે આ ગરીબી કોની છે?