કોપનહેગન, તા. ૮
વિશ્વના અનેક દેશોમાં વિવિધ પ્રકારના ટેક્સ લાદવાની શરૃ થયેલી નવી પ્રણાલીના ભાગરૃપ ડેનમાર્ક દ્વારા કરદાતાઓ પર વિચિત્ર પ્રકારનો ‘ફેટ ટેક્સ’લાદવામાં આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારનો ટેક્સ લાદનાર તે પહેલો દેશ છે. સરકારનાં આ પગલાં પછી ગ્રાહકોએ ત્યાં બટર, પિઝા,માંસ અને દૂધની મોટાપાયે સંગ્રહાખોરી શરૃ કરી છે. આર્લા ડિસ્ટ્રિબ્યુશનના સોરેન જોએર્ગેન્સેનના જણાવ્યા મુજબ પુરવઠો જાળવી રાખવા અનેક સપ્લાયર્સ દ્વારા બટર અને માર્ગરાઈનનો મોટો જથ્થો સંગ્રહવામાં આવ્યો છે.
લોકોની તંદુરસ્તીની જાળવણીને ધ્યાનમાં રાખીને ડેનમાર્કની વિદાય લેનારી સરકાર દ્વારા આ ટેક્સ લાદવામાં આવ્યો છે. લોકો ચરબીવાળા ખોરાકનો વપરાશ ઓછો કરે તેવો સરકારનો ઇરાદો છે. આને કારણે સેચ્યુરેટેડ ફેટ્સ ધરાવતી ચીજવસ્તુઓના ભાવમાં કિલોએ એટલે કે ૨.૨ પૌંડ દીઠ ૧૬ ક્રોનર અથવા ૨.૮૭ ડૉલરનો કે ૨.૧૫ યુરોનો વધારો થશે. આમ બટરના ૨૫૦ ગ્રામ પેકિંગનો ભાવ ૨.૨૦ ક્રોનર વધીને ૧૮ ક્રોનર થશે. વસ્તુઓની સંગ્રહાખોરી વધવાને કારણે મોલ્સ અને દુકાનોમાં ખાનાઓ ખાલી થઈ ગયા છે અને લોકોએ તેમના ફ્રીઝ બટર અને ચીઝનાં પેકેટથી ભરચક કરી દીધાં છે.
જોકે, સુપરમાર્કેટના એક સંચાલકના જણાવ્યા મુજબ આને કારણે લોકોની ખોરાક ખાવાની રુચિ કે શૈલીમાં કોઈ મોટા ફેરફાર આવે તેવી શક્યતા ઓછી છે. જે લોકોને કેક ખાવાની ઇચ્છા છે અને તેમની પાસે પૈસા છે તેઓ કેક ખાવાના જ છે. જોકે હાલ મોટાપાયે ચીજો ખરીદીને તેઓ પૈસાની બચત કરી રહ્યા છે.
નવો ફેટ ટેક્સ તમામ ચીજો પર લેવામાં આવશે જેમાં સેચ્યુરેટેડ ફેટ ધરાવતી ચીજો જેવી કે બટર, દૂધ, પિઝા, ઓઈલ્સ, માંસ અને માંસની બનાવટો, પ્રિ કૂક્ડ ફૂડને આવરી લેવામાં આવ્યાં છે. ડેનમાર્કના કોન્ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા મુજબ આવી સરકારી તુમારશાહીને કારણે પ્રોડયુસર્સ અને આઉટલેટ્સમાં વેચાણ કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ એક સરકારી તિકડમ છે અને તેનું સ્વરૃપ માત્ર ટેક્સનું છે. તેનાથી લોકોની તંદુરસ્તી કે સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થવાનો નથી. ટેક્સનો બોજો વેપારીઓ આખરે તો ગ્રાહકો પર જ લાદવાના છે.
ડેનમાર્કમાં ચીજોનું ઉત્પાદન કરતા પ્રોડયુસર્સે આ ટેક્સ એટ સોર્સ ચૂકવવાનો રહેશે જ્યારે આયાતી ચીજો માટે તેની ડિસ્ટ્રિબ્યુટર દ્વારા ગણતરી કરીને તેની ચુકવણી કરવાની રહેશે. આને કારણે દેશની ઉત્પાદિત ચીજો કરતા આયાતી ચીજો વધારે સસ્તી થવાની ભીતિ સેવાઈ રહી છે.
કોઈ ચીજમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે અને તેની બનાવટમાં કેટલા પ્રમાણમાં ફેટનો વપરાશ થયો છે તે નક્કી કરવું મુશ્કેલ છે તેથી દેશમાં બનાવેલી અને આયાતી ચીજો પર ટેક્સ કેવી રીતે લાદવો તે અઘરું બનશે. ચીજોના પ્રોડયુસર્સ અને સેલર્સ દ્વારા ભાવમાં ફેરફાર કરવા અને ફેટનું પ્રમાણ દર્શાવવા કોમ્પ્યુટર સિસ્ટમમાં ફેરફાર કરવા પડશે અને અનેક માનવ કલાકો બદલાશે. વિદેશથી આયાત કરવામાં આવતી ચીજોમાં નિકાસકારે કેટલું સેચ્યુરેટેડ ફેટ છે તે પેકિંગ પર દર્શાવવાનું રહેશે.
ડીઆઈ ફૂડસ્ટફના પ્રવક્તા ગિટ્ટે હેસ્ટહેવના જણાવ્યા મુજબ નવો ટેક્સ વધારે લાંબો સમય ચાલુ રહેશે કે કેમ તે સમસ્યા છે. અન્ય દેશો તેની નકલ કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે.
- ગ્રાહકોએ બટર, પિઝા, માંસ અને દૂધની સંગ્રહાખોરી શરૃ કરી
- લોકોને ચરબીવાળો ખોરાક લેતાં રોકવાનો સરકારનો ઇરાદો