Tuesday, October 11, 2011

શ્રીહરિકોટાઃ જ્યાંથી આકાશી કુરિયર ‘પાર્સલ’ થાય છે!





 

સમયાંતર - લલિત ખંભાયતા
બધું આયોજન પ્રમાણે ચાલશે તો આજે અગિયાર વાગે શ્રીહરિકોટા મથકેથી પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી-સી-૧૮) ચાર ઉપગ્રહોના કુરિયરને આકાશમાં પાર્સલ’ કરવા રવાના થશે. શ્રીહરિકોટા મથક ભારતની સ્પેસ વ્હિકલ અને રોકેટ લોન્ચિંગ સાઈટ છે. ગઈ પહેલી ઓક્ટોબરે જ હરિકોટા મથકે પોતાનો ૪૦મો જન્મદિવસ પસાર કર્યો છે
૧૯૬૮માં યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં ઇન્ટરનેશલ સ્પેસ ટેકનોલોજીનું એક સંમેલનમાં ભારતના વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ હાજર હતાં. ભારતે ૧૯૬૭માં થુમ્બા રોકેટ મથકેથી આર.એચ.-૭૫ (વધુ જાણીતુ નામ રોહિણી) નામનુ સાઉન્ડિંગ રોકેટ (હવામાનના અભ્યાસ માટે લોન્ચ કરવામાં આવતું રોકેટ એટલે સાઉન્ડિંગ રોકેટ) લોન્ચ કરવામાં સફળતા મેળવી લીધી હતી. વિયેનાના સંમેલન બાદ વિક્રમ સારાભાઈ સમજી ગયા કે જો સાઉન્ડિંગ રોકેટ લોન્ચ થઈ શકતું હોય તો ઉપગ્રહ લોન્ચ કરી શકે એવું રોકેટ કેમ ન બની શકેતેમણે પોતાના સાથીદાર વિજ્ઞાની પ્રમોદ કાળેને ઉપગ્રહો પણ લોન્ચ થઈ શકે એવું રોકેટ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવા સૂચના આપી. રૂપરેખા તૈયાર થઈ ગઈ જેમાં ઘણાં મહત્ત્વના મુદ્દા સાથે એક મુદ્દો ટાંકેલો હતોઃ રોકેટને લોન્ચ કરવા માટે દેશના પૂર્વ કાંઠે એકાદ લોન્ચિંગ મથક હોવું જોઈએ.
લોન્ચિંગ સાઈટ હંમેશાં વિષૃવવૃતની વધુ નજીક હોય એટલું કામ સરળ થાય. એમાં ય સ્પેસ પ્રોગ્રામની મોટાપાયે શરૂઆત થતી હોય ત્યારે જરા પણ ઢીલ ન ચાલે. માટે થુમ્બામાં નાનાપાયે રોકેટ મથક હોવા છતાં નવી અને અત્યાધુનિક લોન્ચિંગ સાઈટ જરૂરી હતી. વિક્રમ સારાભાઈએ એ પ્રમોદ કાળેના રિપોર્ટ બાદ દેશના પૂર્વ કિનારે જ સાઈટ બનાવવા જગ્યા શોધવાનું કામ આરંભ્યુ. નકશો લઈ કેટલાક સ્થળો પસંદ કર્યા. તેની વિગતો મેળવી. જોકે કોઈ સ્થળ પર તેમનું મન ઠરતું ન હતું. એવામાં આંધ્રપ્રદેશ સરકારે પ્રમોદ કાળેને એક પત્ર લખ્યો. પત્રમાં સૂચન હતું કે અમારા દરિયા કાંઠે એક શ્રીહરિકોટા નામનો વણવપરાયેલો ટાપુ છે, એ કદાચ તમને કામ આવી શકે! હા એ ટાપુ ખરેખર કામ આવી શકે એમ હતો.
શ્રીહરિકોટાઃ ગિફ્ટ ફ્રોમ આંધ્રપ્રદેશ
પ્રમોદ કાળે આંધ્ર પ્રદેશ સરકારે સૂચવેલી જગ્યાએ પહોંચી ગયા. હરિકોટા વિશે શક્ય એટલી વિગતો ભેગી કરી. છેવાડાનો અને વળી લગભગ ભેંકાર ટાપુ હોવાને કારણે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ન હતો. ચેન્નઈથી એ જગ્યા વળી સોએક કિલોમીટર દૂર હતી. જેમ તેમ કરી ધૂળિયા રસ્તો પસાર કરી પ્રમોદ કાળે અને તેની ટૂકડી પોણા બસ્સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા શ્રીહરિકોટા ટાપુએ પહોંચી. ટાપુ અને આંધ્ર પ્રદેશની મુખ્ય ભૂમિ વચ્ચે પુલિકટ સરોવર હતું. માત્ર ટાપુનો એક છેડો પાતળી પટ્ટી સ્વરૂપે આંધ્રપ્રદેશની જમીન સાથે જોડાયેલો હતો. ઠેર ઠેર નિલગિરીના વૃક્ષો ઊભા હતા. સ્થાનિક આદિવાસીઓની અહીં નાની એવી વસાહત હતી. બાકીની જમીન તો એટલી બધી કથોરી હતી કે ત્યાં વસવાટ શક્ય ન હતો. જંગલી જીવોનો ત્રાસ પણ હતો. અલબત્તવસાહત માટે ભલે યોગ્ય ન હોય પણ સ્પેસ સ્ટેશન માટે એ ટાપુમાં ઘણી લાયકાતો હતી. વસાહત માટે જે અગવડતાઓ ગણાતી હતી એ હકીકતમાં સ્પેસ સ્ટેશન માટે સગવડતા હતી.
એક તો ટાપુ હોવાથી ત્યાં જાસૂસો કે બીજા ઘૂસણખોરો સરળતાથી આવી જઈ શકાય નહીં. દૂર હોવાથી માનવ વસાહત ઘૂસણખોરી કરે એવો ભય નહીં. આવવા-જવાનો એક જ રસ્તો હોય એટલે સુરક્ષાની સમસ્યા ઘણે અંશે હળવી થઈ જાય. અને વળી સૌથી મોટી શરત એ પૂરી થતી હતી કે ટાપુ દેશના પૂર્વ ભાગમાં હતો. એટલે દરેક લોન્ચિંગ વખતે પૃથ્વીની ધરીભ્રમણ ગતિનો તેને લાભ મળે એમ હતો. વળી કોઈ રોકેટ નિષ્ફળ જાય તો દરિયામાં તૂટી પડે એટલે નુકસાની ઓછામાં ઓછી થાય. અહીં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે વરસાદ પડે છે. વર્ષના બાકીના દિવસોમાં આકાશ એકદમ ખુલ્લુ હોય છેપરિણામે લોન્ચિંગ ટાઈમટેબલ ગોઠવવમાં પણ આ જગ્યા સરળ હતી. પ્રમોદ કાળેએ મહિનાઓ સુધી ટાપુ સબંધિત વિગતો તપાસી અને છેવટે ૧૯૬૮માં એવા તારણ પર આવ્યા કે ભારતમાં લોન્ચિંગ મથક માટે હરિકોટા કરતાં ઉત્તમ જગ્યા બીજે ક્યાંય નથી!
તૈયારીઓ આરંભાઈ ગઈ. આ જ સ્થળે અવકાશ મથક સ્થાપવાનું નક્કી થયું. નજીકનું ગામ સુલ્લુરપેટા હતું. ત્યાં રહી શકાય એવી વ્યવસ્થા થઈ. સરકારી ઈજનેરોએ સાઈટની ચકાસણી આરંભી. મથકનું બાંધકામ કરવાની જવાબદારી ભારત સરકારના અણુશક્તિ પંચની હતી. આંધ્રપ્રદેશ સરકારે ૧૯૬૯માં હરિકોટાની જમીન અણુશક્તિ પંચના નામે કરી દીધી. ઇજિપ્તમાં ચાર-સાડા ચાર હજાર વર્ષ સુધી બંધ રહેલા પિરામિડનું ખનન થઈ રહ્યું હોય એમ વર્ષોથી ભેંકાર પડેલી હરિકોટાની ભૂમિ કામદારોથી ધમધમવા લાગી. જંગલી જમીન હવે નવા ક્લેવર ધારણ કરવા જઈ રહી હતી.
બળદગાડાં યુગથી સ્પેસયુગનની સાઈટનું સર્જન!
અગાઉ નોંધ્યુ એ પ્રમાણે વિસ્તાર ભારે પછાત હતો. પરિણામ એ આવ્યું કે ત્યાં બાંધકામ ચાલુ થયું ત્યારે જરૂરી કન્સ્ટ્રક્શન સામગ્ર પહોંચાડવા માટે ખટારા સહિતના વાહનો ઉપલબ્ધ ન હતા. એક જ વાહન ઉપલબ્ધ હતું: ખેતીપ્રધાન રાષ્ટ્રના સિમ્બોલ જેવું બળદગાડું! બળદગાડાંઓથી જ સામાનની હેરાફેરી શરૂ થઈ અને બાંધકામ આગળ ચાલ્યું. ભારત સરકારની સીધી દેખરેખ હેઠળ હરિકોટ મથક તૈયાર થઈ રહ્યું હતુંમાટે ફટાફટ બાંધકામ આગળ ચાલ્યુ અને ૧૯૭૧માં તો ઉદ્ઘાટન કરવાની ઘડી આવી પહોંચી. પહેલી ઓક્ટોબરે હરિકોટા મથક ખુલ્લું મુકાયું અને નવમી ઓક્ટોબરે ‘એચ.આર.-૧૨૫’ નામનું સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યુ.
દિલ્હી અભી દૂર થા
જોકે સાઇન્ડિંગ રોકેટ લોન્ચ થયું એ બહુ મોટી વાત ન હતી. હવે ઉપગ્રહ આકાશમાં મૂકી આપે એવું રોકેટ લોન્ચ થાય ત્યારે સફળતા સાચી. એ દિવસ આવતા જોકે આઠ વર્ષ પસાર થઈ ગયા. છેક ૧૯૭૯ની દસમી ઓગસ્ટે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) લોન્ચ કરાયું. અલબત્ત એ પ્રયાસ નિષ્ફળ ગયો અને રોકેટ લોન્ચ ન થઈ શક્યું. થોડા વખત પછી ૧૯મી ઓગસ્ટે ફરી પ્રયાસ થયો અને એ સફળ રહ્યો.
આજનું શ્રીહરિકોટા
૧૯૭૨માં સ્થપાયેલી ઈસરોના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર સતીષ ધવનની યાદમાં આજે હરિકોટા લોન્ચિંગ મથક ૨૦૦૨થી ‘સતીષ ધવન સ્પેસ સેન્ટર’નામે ઓળખાય છે. હરિકોટા હવે માત્ર અવકાશ મથક જ છે. ત્યાં બીજી કોઈ વસાહત નથી. નજીકનું ગામ ૨૦ કિલોમીટર દૂર આવેલું સુલ્લુરપેટા છે. હરિકોટામાં હવે કુલ બે લોન્ચિંગ પેડ છે. એક પહેલેથી જ હતું જ્યારે બીજું ૨૦૦૫માં કાર્યરત થયું છે. હરિકોટા મથકનું કામનું ભારણ સતત વધી રહ્યુ છે. ભારત બહુ સસ્તામાં ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂકી આપે છે. પરિણામે ઘણા દેશો હરિકોટા મથકેથી ઊપડતી અવકાશી ‘બસ’માં પોતાના ઉપગ્રહો આકાશમાં મોકલે છે. એ જરૂરિયાતને પહોંચી વળવા ત્રીજું પેડ તૈયાર થઈ રહ્યું છે જે ૨૦૧૩માં કાર્યરત થશે. કોઈ સંપેતરું લઈને રોકેટ જ્યાંથી ઊપડે એ જ લોન્ચિંગ પેડ. ઉપરાંત વિજ્ઞાનીઓના રહેઠાણ અને વિવિધ સેન્ટરો મળીને ૧૪ બિલ્ડિંગો છે. હરિકોટાને ૪૫ કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. પહેલા એ કાંઠો સુરક્ષિત ગણાતો પણ હવે ત્યાંથી પણ કોઈ ભાંગફોડ થઈ શકે એવો ભય રહે છે. પરિણામે ૪૫ કિલોમીટર સુધી ફેન્સિંગ વાડ બનાવી દેવાઈ છે.
નોટ ઓપન ફોર ઓલ
વિજ્ઞાન-સંશોધન મથક હોવાને કારણે સ્વાભાવિક રીતે જ બધાને ત્યાં પ્રવેશવાની છૂટ નથી. પરંતુ અગાઉથી પરવાનગી લઈને લોન્ચિંગ વખતે ત્યાં જઈ શકાય છે. રોકેટ લોન્ચ થતું હોય ત્યારે કેટલાક કિલોમીટર દૂર રહેલી ગેલેરીમાંથી એ ભાગ્યેજ જોવા મળતો નજારો જોઈ શકાય છે. ન સાંભળવો હોય તો પણ લોન્ચિંગ વખતનો ગગનભેદી અવાજ પણ કાને અથડાય છે. લોન્ચિંગ વખતનો અવાજ આજુબાજુની ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં સંભળાતો હોય છે.
બેડબેડ એન્ડ અગ્લી!
હરિકોટા મથક આમ તો દુનિયાના દેશોને ઇર્ષ્યા આવે એવું અત્યાધુનિક સ્પેસ સેન્ટર છે. પણ ત્યાંથી ઘણી વખત રોકેટ લોન્ચિંગમાં નિષ્ફળતા પણ મળી છે. ૨૦૦૪માં સોલિડ પ્રોપેલર બુસ્ટર પ્લાન્ટમાં વિસ્ફોટ થવાને કારણે છ મોત થયા હતા તો ૩ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવી નાની-મોટી નિષ્ફળતાઓ બાદ કરીએ તો હરિકોટા મથકની સફળતા દુનિયાના અન્ય સ્પેસ સ્ટેશનોની સરખામણીમાં ખાસ્સી ઊંચી છે.           
શ્રીહરિકોટાનું જીવજગત
શ્રીહરિકોટામાં રહેતા વિજ્ઞાનીઓ-ટેકનોક્રેટ્સકામદારો ઉપરાંત પણ ત્યાં જંગલી સજીવોની આગવી સૃષ્ટિ છે. એક તો ટાપુનું કુદરતી સૌંદર્ય આકર્ષક છે. પુલિકટ સરોવરમાં પક્ષીઓ શિયોળો ગાળવા આવે ત્યારે એ દૃશ્ય પણ જોવા જેવું સર્જાય છે. શિયાળામાં ત્યાં ગયા હોઈએ તો પેલિકેનના ઝૂંડ જોવા મળી જાય. જંગલ વિસ્તાર હોવાને કારણે જંગલી ઘોડા, સાપ, વાંદરા, શિયાળ સહિતના પ્રાણીઓનો અહીં મોટા પાયે જોવા મળે છે. આ સજીવો ઘણી વખત લોન્ચિંગ સમયે મુશ્કેલી સર્જે છે. નિયમ પ્રમાણે લોન્ચિંગના ૩૬ કલાક પહેલા બધા વિજ્ઞાનીઓ અને લોન્ચિંગ ટીમ લોન્ચ પેડથી પાંચેક કિલોમીટર દૂરના કન્ટ્રોલ ટાવરમાં ગોઠવાઈ ગયા હોય છે. લોન્ચિંગ વખતે કોઈ સજીવ પેડ પાસે રહે તો તેનું મોત નિશ્ચિત બની જાય કેમ કે રોકેટ ઉપડે ત્યારે ફેલાતી ગરમી ભલભલી ચીજો પીગાળી નાખે એવી હોય છે. તાપમાન અઢીથી ૩ હજાર અંશ સેલ્સિયશ જેવું હોય છે. વિજ્ઞાનીઓને જોકે વારંવાર પરેશાન કરતી સમસ્યા વાંદરાઓની છે. લોન્ચિંગ વખતે જ વાંદરાઓ રોકેટ આસપાસ કે ક્યારેક રોકેટ પર ચડી બેસે! એ વાંદરાઓનો જીવ જવાનું જોમખ તો ખરું જ પણ એ રોકેટને કંઈક સળી કરે તો ભારે નુકસાન થઈ શકે. એટલે વિજ્ઞાનીઓ હવે ફટાકડા એવું કંઈ ફોડી લોન્ચિંગ વખતે વાંદરાઓ અને પક્ષીઓને દૂર રાખે છે
આજે કયા ઉપગ્રહો લોન્ચ થશે?
મેઘા ટ્રોપિક્સ (સંસ્કૃત શબ્દ મેઘ અને ફ્રેંચ શબ્દ ટ્રોપિક્સનું મિશ્રણ) નામના ઉપગ્રહ ઉપરાંત બીજા ૩ પાર્સલ લઈને આજે પીએસએલની રવાના થવાનું છે. હવામાન માટે બનાવાયેલો ઉપગ્રહ મેઘા-ટ્રોપિક્સ ભારત અને ફ્રાંસનું સંયુક્ત સર્જન છે. એસઆરએમ નામનો બીજો ઉપગ્રહ તમિલનાડુની એસઆરએમ (શ્રી રામસ્વામી મેમોરિયલ) યુનિર્વિસટીના વિદ્યાર્થીઓએ બનાવેલો છે. જુગ્નુ નામનો ત્રીજો ઉપગ્રહ કાનપુરની ઈન્ડિયન ઇન્સિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. ચોથો વેસલસેટ ઉપગ્રહ યુરોપિયન દેશ લક્ઝમબર્ગનો છે. ઉપગ્રહ લઈ જઈ રહેલા પીએસએલવીની આ ૨૦મી ઉડાન હશે. આ ઉપગ્રહોમાં મેઘા ટ્રોપિક્સનું વજન એક હજાર કિલોગ્રામ છે. બાકીના ત્રણેય ઉપગ્રહોનું કુલ મળીને વજન માત્ર ૪૫ કિલોગ્રામ જ છે.
જ્યારે સારાભાઈની જીપે આગ પકડી!
૧૯૬૯ના મે મહિનામાં કામ શરૂ થયા પછી સારાભાઈ પોતે જ શ્રીહરિકોટા પહોંચ્યા. તેમને પણ ચેન્નઈથી જીપમાં જ હરિકોટા પહોંચવું પડયું. રસ્તાઓ ઉબડ-ખાબડ હતા તો વળી ધૂળ-ડમરીનો તો પાર ન હતો. ત્યાં કામ કરતા મજૂરોએ જોકે કામ પૂરતાં રસ્તાઓ પર નિલગિરીના પાંદંડાઓ વિખેરી દીધેલા જેથી ખોટી ધૂળ ન ઊડે. મે મહિનાના તાપમાં પાંદડા સુકાઈ ગયેલા. એ વખતે એ રસ્તા પરથી પસાર થતી સારાભાઈની જીપના ટાયરે એકાએક આગ પકડી.જમીન પર તો પહેલેથી પાંદડા વેરાયેલા પડયા હતા એટલે આગ સરળતાથી પ્રગટી ગઈ. ગરમીને કારણે ટાયરના ઘર્ષણની પાંદડાઓ સળગેલા. જોકે જીપમાંથી સારાભાઈ સહિતના બધા ફટાફટ નીચે ઊતરી ગયા અને રેતીના ખોબા ભરી ટાયર પર નાખવા માંડયા એમાં આગ બુઝાઈ ગઈ.