પાયાની વાત - સુકુમાર એમ. ત્રિવેદી
આવતી કાલ વિશેની અપેક્ષાઓ કેવી રીતે બંધાય છે તેના વિશે પાયાનું સંશોધન કરવાના કામ બદલ અમેરિકાના થોમસ સાર્જેન્ટ અને ક્રિસ્ટોફર સિમ્સ નામના બે અર્થશાસ્ત્રીઓને પારિતોષિક આપવામાં આવ્યું છે. તેમણે કરેલા આ સંશોધનને અર્થશાસ્ત્રીની પરિભાષામાં તર્કબદ્ધ અપેક્ષાઓનો સિદ્ધાંત (થિયરી ઓફ રેશનલ એક્સ્પેક્ટેશન્સ) કહેવામાં છે. શું છે એ સિદ્ધાંત?
પ્રચલિત માન્યતાથી વિપરીત અર્થશાસ્ત્ર ફક્ત નફા-તોટાની ગણતરી કરવા માટેનું અથવા નાણાં અને બીજી સંપત્તિનું સંચાલન કરવા વિશેનું વિજ્ઞાન નથી, પરંતુ મનુષ્યના વર્તનનું વિજ્ઞાન છે. આર્થિક પ્રવૃત્તિ મનુષ્યના જીવનમાં સર્વત્ર વ્યાપેલી છે અને આપણે રોજબરોજના જીવનમાં એક પણ પગલું એવું લેતા નથી જેનો કોઇ આર્થિક બાબત સાથે સંબંધ ન હોય. દરેક વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે કરે છે, તેના વિશેના નિર્ણયો કેમ અને કેવા વિચારોને આધારે કરે છે તેનું વર્ણન અર્થશાસ્ત્ર કરે છે અને તેના આધારે કોઇ પણ આર્થિક પ્રવૃત્તિનાં શું પરિણામ આવે તેનું ભવિષ્યકથન અથવા આગાહી પણ અર્થવિજ્ઞાન કરે છે. આથી અર્થવિજ્ઞાનના નિયમો અથવા સિદ્ધાંતો કોઇ પણ વ્યક્તિ અથવા સમૂહે નહીં પરંતુ આખા સમાજના બધા લોકોના વર્તનને લાગુ પડે છે બીજા શબ્દોમાં, અર્થશાસ્ત્ર લોકોની આજની અને આવતી કાલની પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે. આ પ્રવૃત્તિ કરતાં તેઓ કયા વિચારોથી અથવા સમજથી પોતાના નિર્ણયો લે છે, એટલે કે તેમની આવતી કાલ વિશેની અપેક્ષાઓ કેવી રીતે બંધાય છે તેના વિશે પાયાનું સંશોધન કરવાના કામ બદલ અમેરિકાના થોમસ સાર્જેન્ટ અને ક્રિસ્ટોફર સિમ્સ નામના બે અર્થશાસ્ત્રીઓને પારિતોષિક આપવામાં આવ્યું છે. તેમણે કરેલા આ સંશોધનને અર્થશાસ્ત્રીની પરિભાષામાં તર્કબદ્ધ અપેક્ષાઓનો સિદ્ધાંત (થિયરી ઓફ રેશનલ એક્સ્પેક્ટેશન્સ) કહેવામાં છે અને અહીં તે સિદ્ધાંતનું સરળ વર્ણન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ થિયરીનો પાયો એવી હકીકત પર રચાયેલો છે કે દરેક આર્થિક પ્રવૃત્તિ અથવા પગલું લેતા પહેલાં લોકો તેમની સામેનાં વિવિધ સંભવિત પગલાંમાંથી એવા પગલાંની પસંદગી કરે છે કે જે પ્રમાણે બનશે તેમ તેઓ તર્કબદ્ધ રીતે માનતા હોય. આ પગલું હું લઉં છું કારણ કે મારી પાસેની માહિતીના તર્કબદ્ધ પૃથક્કરણને આધારે તે પગલું મારી અપેક્ષા પ્રમાણેનાં પરિણામો આપશે, દા.ત. આજે શેરબજારમાં કોઇ પણ કંપનીના શેર ખરીદતાં પહેલા આપણી અપેક્ષા એ હોય છે કે આ શેરના ભાવ કાલે વધશે. આપણી આ અપેક્ષા તદ્દન તર્કશૂન્ય અથવા વિચારની પ્રક્રિયાથી અલિપ્ત નથી. આપણે આપણી રીતે આપણી પાસે કંપની અને તેના શેરોના ભાવોના વઘધટની જેટલી માહિતી હોય તેનો ઉપયોગ કરીને એવી અપેક્ષા રાખીએ છીએ કે આ શેરના ભાવ વધશે. અને તેથી આપણે તેને ખરીદવાનો નિર્ણય કરીએ છીએ. પરંતુ આખા સમાજના અથવા શેરબજારમાં લે-વેચ કરતાં દરેક માણસની અપેક્ષાઓ પોતાના મગજની તર્કબદ્ધતા પર જ અવલંબિત હોય છે અને આ રીતે આખા શેરબજારની એક દિવસની વઘધટ દરેક વ્યક્તિની તર્કબદ્ધ અપેક્ષાઓનું પરિણામ છે. આમ લોકોની ભવિષ્ય વિશેની અપેક્ષાઓને કારણે ચોક્કસ આર્થિક પગલાંનાં ચોક્કસ પરિણામો આવે છે. અહીં નોંધવું જરૂરી છે કે વ્યક્તિએ પોતાની અપેક્ષા પ્રમાણે લીધેલાં પગલાંનું એ જ પરિણામ એવો તર્કબદ્ધતા (રેશનાલિટી)નો અર્થ નથી. એ પરિણામ વિપરીત પણ હોઇ શકે. પરંતુ તર્કબદ્ધતાનો સાદો અર્થ એટલો જ છે કે માણસ બુદ્ધિનો ઉપયોગ કરીને આર્થિક બાબતો વિશે પગલાં લે છે. આ બુદ્ધિનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તે તર્કબદ્ધ અપેક્ષાઓનો સિદ્ધાંત સમજાવે છે.
લોકો પોતાની પાસેની માહિતીનો ઉપયોગ કરીને અપેક્ષાઓ બાંધે છે તે તર્કબદ્ધતાનું એક પાસું છે અને તેનું બીજું અને તેટલું જ મહત્ત્વનું પાસું એ છે કે માણસ બુદ્ધિશાળી અથવા વિચારશીલ પ્રાણી હોવાથી તે પોતાની ભૂલમાંથી શીખે છે. એટલે કે એક વાર તેની અપેક્ષાઓ ખોટી સાબિત થાય તો દરેક માણસ ફરીથી તેની તે જ અપેક્ષાઓ બાંધતો નથી. એટલે કે મનુષ્ય પોતાની ભૂલોમાંથી શીખે છે, કારણ કે મનુષ્યમાં ઓછીમાં ઓછી એટલી બુદ્ધિ તો છે જ. બીજા શબ્દોમાં આર્થિક નિર્ણયો લેવામાં વ્યક્તિઓ દ્વારા થતી ભૂલો (એટલે કે એમની ખોટી પડતી અપેક્ષાઓ) અનિયમિત અને કોઇ પણ પદ્ધતિ (સીસ્ટમ) વિનાની હોય છે. દરેક વ્યક્તિ પોતે કરેલી ભૂલો તેવી જ સ્થિતિમાં ફરીથી કરતી નથી. આનો અર્થ એ થયો કે જો કોઇ પણ ક્ષેત્ર અથવા બજારમાં લોકોની પ્રવૃત્તિને કોઇ પણ રાજકીય હસ્તક્ષેપ અથવા આર્થિક નીતિઓથી મુક્ત રાખવામાં આવે તો લાંબા ગાળે તે બજારની વસ્તુના ભાવમાં મોટી વધઘટ થતી નથી, કારણ કે લોકો પોતાની મેળ જ પોતાની ભૂલોમાંથી શીખતા જાય છે અને તે રીતે ધીમે ધીમે તેમની અપેક્ષાઓ પણ એકબીજાની પાસે પાસે આવતી જાય છે અને તેથી ભાવોની સપાટી પણ સ્થિર રહે છે, લોકોની અપેક્ષાઓ વચ્ચે મોટાં અંતર હોય તો તે બજારમાં ભાવોમાં સતત વધઘટ થતી રહે છે અને તે બજારોને બિનકાર્ય (ઇનએફિશિન્ટ માર્કેટ) કહેવામાં આવે છે. જ્યારે જે બજારમાં ભાવો સપ્રમાણમાં સ્થિર રહેતા હોય તેને ઓફિશિયન્ટ માર્કેટ કહેવામાં આવે છે.
સરકારી નીતિઓ અથવા સરકારે આર્થિક પ્રવૃતિ માટે નિયત કરેલાં કાયદાકાનૂનો અને સરકારી નિર્ણયોમાં થતી ભૂલોનું પરિણામ આનાથી વિપરીત આવે છે. વ્યક્તિ ખોટો આર્થિક નિર્ણય લે તો તેનાં પરિણામો તેણે એકલાએ જ ભોગવવાં પડે છે પરંતુ આવી જ કોઇ પણ ભૂલ (અપેક્ષાનું ખોટું પડવું) સરકારી નીતિને કારણે થાય તો તેનાં પરિણામો સમગ્ર સમાજે ભોગવવાં પડે છે. સરકારી નીતિઓ બદલાતી જતી હોવાથી લોકોની અપેક્ષાઓમાં તેમજ ભૂલમાંથી શીખવાની તેમની કુદરતી શક્તિમાં વિકૃત (ડિસ્ટોરોન્સ) સર્જાય છે અને તેમની ભૂલો પણ સતત વધતી જાય છે અને તેથી બજારમાં અસ્થિરતા સર્જાય છે. આમ તર્કબદ્ધ અપેક્ષાઓનો સિદ્ધાંત એવો નિષ્કર્ષ આપે છે અથવા અગાઉ બીજા અર્થશાસ્ત્રીઓ દ્વાર તારવવામાં આવેલ એવા નિષ્કર્ષને પુષ્ટિ આપે છે કે કોઇ પણ આર્થિક ક્ષેત્ર અથવા આર્થિક પ્રવૃત્તિમાંથી રાજકીય અથવા સરકારી હસ્તક્ષેપને દૂર રાખવામાં આવે તો તે પ્રવૃત્તિ લોકો વધુ કાર્યદક્ષતાથી એટલે કે લાભદાયી રીતે કરી શકે છે. અલબત્ત, આ તો તર્કબદ્ધ અપેક્ષાઓના સિદ્ધાંતના પાયાની જ વાત છે પરંતુ આ પાયા પર આ સમગ્ર સિદ્ધાંતનું ચણતર કેવી રીતે કરવામાં આવ્યું છે તેના વિશેની વાત હવે પછી...