Monday, October 24, 2011

લઘુતાગ્રંથિમાંથી થાવ લોગ આઉટ




 

કવર સ્ટોરી - ખુશાલી દવે
જો કાચબો દીપડાને દોડતો જોતો હોત તો તે શરમના માર્યા ક્યારેય પોતાના કવચમાંથી બહાર જ નીકળ્યો હોતપણ એવું બનતું નથી. કાચબો જીવી જાણે છે અને એ પણ રેકોર્ડતોડ. પચાસ સાઠ નહીંપણ દોઢસો -બસ્સો વર્ષ. દરેક વ્યક્તિમાં કેટલીક ખાસિયત હોય છે અને કેટલીક મર્યાદાઓપણ જેમને કુદરતે માનવ જેવી વિચારશક્તિ નથી આપી એવાં પ્રાણીઓ પણ લઘુતાગ્રંથિથી પીડાતાં નથી તો માણસોના મનમાં લઘુતાગ્રંથિ કેમ ઘર કરીને બેસી જાય છે
જ્ઞાન એટલે કે શિક્ષણ કે ક્ષેત્રની પસંદગી, બાહ્ય દેખાવ, ભૌતિક સુખની બાબતે હંમેશાં પોતે બીજા લોકોથી પોતે ઉણા છેએવું માનનારાઓની હરીફાઇના યુગમાં અછત નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ માન્યતા વધારે દેખાતી હોય છે. પરીક્ષાલક્ષી નંબરગેમમાં પોતે ભણવામાં આગળ ન હોય તે વિદ્યાર્થીઓ પોતાને હોશિયાર વિદ્યાર્થીઓથી નિમ્ન સ્તરે માની લે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં માતા પિતાપરિવાર પણ તેમાં સામેલ હોય છે. પઢેલા પોપટની જેમ મેળવેલા શિક્ષણની ફૂટપટ્ટીથી વિદ્યાર્થીઓનું પાણી માપવાનું છોડીને તેની આવડતોને ખીલતી કરાશે ત્યારે બાળકમાં પ્રવર્તેલી લઘુતાગ્રંથિ દૂર થશે.
ખુદ પર ભરોસો રાખો
 મિત્ર, કઝિન કે આડોશ પાડોશમાં રહેતા સરખી ઉંમરના વિદ્યાર્થીએ સાયન્સ લીધું એટલે આપણે પણ સાયન્સમાં જ એડમિશન લેવું એવા વિચારને માંડી વાળો. પહેલાં પોતે કયું ક્ષેત્ર પસંદ કરીને તેમાં આગળ વધીને કારકિર્દીને ઘડી શકો એમ છો એ જાણવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે મનગમતું ક્ષેત્ર પસંદ કરશો ત્યારે એ શિક્ષણ શાખાનું મહત્ત્વ શિક્ષણની દૃષ્ટિએ ઓછું અંકાતું હશે. ત્યારે તમારી આજબાજુના લોકો તમને એવી લાગણી કરાવશે કે એ બહેતર કારકિર્દી નથી. એ વખતે પોતાના પર વિશ્વાસ રાખીને મનગમતા ક્ષેત્રમાં ઝંપલાવો.
જરૂરી નથી કે બધા જે ઘરેડમાં ચાલતા હોય એ રસ્તે ચાલીને તમે પણ મંઝિલ મેળવી શકો છો. પોતાનો રસ્તો અપનાવો અને શિક્ષણમાં તમને મનપસંદ ક્ષેત્રની પસંદગી કરીને એમાં કંઈક
કરી દેખાડો.
નિખાલસ રહો
જેવા છો તેવા જ રહો. બીજાની દેખાદેખીથી દંભ કરવાની કોશિશમાં ન પડો. નિખાલસતાથી પોતાના ક્ષેત્ર માટેની અને શિક્ષણ માટેની ચર્ચા કરતા શીખો. એક કાગડાના માથે એક વખત સફેદ રંગનું ડબલું ઢોળાઇ ગયું. લોકો તેને હંસ સમજવા લાગ્યા. કાગડાને પણ મજા આવવા લાગી. પોતાના કાળા રંગના કારણે કાગડાને લઘુતાગ્રંથિ હતી. વરસાદ આવ્યો એમાં તેનો ધોળો ચૂનો ધોવાઇ ગયો. લઘુતાગ્રંથિને કારણે તેને નફરતનો ભોગ બનવું પડયું એટલે તમારે પણ ક્યારેક સાંભળવું પડે કે કૌઆ ચલે હંસકી ચાલ એ પહેલાંજ તમે જેવા છો એ સ્વીકારો.
અનુકરણ ન કરો
ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓને જેમાં રસ હોય એ ક્ષેત્રને છોડીને લઘુતાગ્રંથિને કારણે બીજા ક્ષેત્રની પસંદગી કરે છે. મિત્રો કે ઘર પરિવારના અન્ય સદસ્યોએ એમાં જ ભાવિ બનાવ્યું એટલે એ ક્ષેત્રમાં જ વિદ્યાર્થી ભવિષ્યને સુરિક્ષત માને છે. વિદ્યાર્થીઓએ એ સમજવું જોઈએ કે ખુદે પસંદ કરેલા ક્ષેત્રમાં પોતે અસફળ પણ રહેશે તો તેને ક્યારેય પોતે ધાર્યું ન કર્યાનો અફસોસ નહીં રહે અને જો પોતે ક્ષેત્ર પસંદ કર્યું હશે તો તે ક્યારેય અસફળ નહીં રહે એ પણ સો ટકાની વાત છે.        
આત્મવિશ્વાસ જરૂરી
તું નાનો હું મોટો એવો વહેમ જે રાખતું હોય એને તમારા જ્ઞાન અને સફળતાથી ખોટો પાડો. જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો તો સામેવાળી વ્યક્તિ કે તેના વિચારો તમારી પર હાવિ થઈ શકશે નહીં. પોતાનામાં આત્મવિશ્વાસને જન્મ આપો એનાથી લઘુતાગ્રંથિ દૂર થશે.
ખામીઓને દૂર કરો
સૌ પ્રથમ તો પોતાની મર્યાદાને જાણી લો. કોઈને ગણિત પાક્કું આવડતું હોય તો કોઈ રમત ગમતમાં એક્કો હોય. કોઈ સર્વગુણ સંપન્ન હોતું નથી,પણ જે ક્ષેત્ર તમે પસંદ કર્યું છે એમાં તમારી કોઈ ખામી કાઢી શકે નહીં એવા નિષ્ણાત બનો. પોતાના ક્ષેત્રની ઝીણામાં ઝીણી શોધ - સંશોધનથી માહિતગાર રહો. તમારું જ્ઞાન જ તમારું હથિયાર સાબિત થશે. આ ઉપરાંત આજના જમાનામાં ગ્રૂમિંગનું પણ એટલું જ મહત્ત્વ છે. ઘણી વખત વ્યક્તિ હોશિયાર હોય છેપરંતુ તેની રીતભાત અને વર્તણૂકના લીધે માત ખાય છે. ઇન્ટરવ્યૂ જેવા મુદ્દાનો જ અહીં ઉલ્લેખ કરીએ તો ક્યારેક પૂરતું જ્ઞાન હોવા છતાં ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિની પર્સનાલિટીથી ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ લઘુતાગ્રંથિ અનુભવે છે. એટલે જ પોતાની પર પૂરતું ધ્યાન આપો. વ્યક્તિત્વનો વિકાસ કરો.
બીજા લોકોથી અંજાઇ ન જાઓ
નાનપણથી જ આડોશ પાડોશના માહોલભૌતિક સુખ કે બીજાના શિક્ષણથી બાળકો અંજાઇ જાય છે. ત્યારે જ તેમનામાં લઘુતાગ્રંથિનો જન્મ થવાની શરૂઆત થાય છે. આ વાતનો ખાસ માતા-પિતાએ પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજાના ભૌતિક સુખથી પોતે પણ ન અંજાય અને પોતાનું બાળક પણ ન અંજાય.
આવડતને વિકસાવો
મરહૂમ મશહૂર ચિત્રકાર એમ એફ હુસૈને પોતાની કળાની શરૂઆત ફિલ્મોનાં ચિત્રો કે પોસ્ટર દીવાલો પર ચિતરવાથી કરી હતી. એ કામ પણ તે એટલા જ ખંતથી કરતા જેટલું તેમણે ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયા પછી માધુરી દીક્ષિતનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. એમ એફ હુસૈને પોતાની આવડતને એ રીતે વિકસાવી કે તેમના કૌશલ્યએ તેમને વિખ્યાતિ અપાવી. વિદ્યાર્થી પોતાનું શિક્ષણ મેળવવાની શરૂઆત કરે ત્યારે બની પણ શકે કે તે આવડત લોકોની નજરે વધુ મહત્ત્વની કે માનનીય ન હોય ત્યારે પોતાની આવડત અને પોતાના પ્રત્યે માન ઊભું કરવાનું કામ તમારું છે એમ ગણીને આગળ ધપો. જો તમે પોતે જ તમારી આવડતને લઇને લઘુતાગ્રંથિથી પીડાશો તો કોઈ તમારી આવડતને માન નહીં આપે