વિકલ્પ - અભિષેક પ્રચ્છક
મનમાં લાખો સ્વપ્નાં અને કરોડો અરમાનો સાથે એક ઘર બને. એ ઘર પોતાની મરજીનું, પોતાને જોઇતા પ્લાન મુજબનું હોય એવી ઘરના બધા જ સભ્યોની ઇચ્છા હોય! આવો મરજીનો ઢાંચો બનાવવાનું કામ આર્કિટેક્ટનું. બીજાના ઘરને એમની નજરે જોઇને ઘર કે ઓફિસનો પ્લાન તૈયાર કરવાની કળા સફળ આર્કિટેક્ટમાં હોવી આવશ્યક છે. માત્ર ઘર જ નહીં, જ્યાં જ્યાં બાંધકામ માટે નિશ્ચિત માળખું જરૂરી હોય તે તમામમાં આર્કિટેક્ટનું કૌશલ્ય કામ કરે છે. કોઇ પણ જગ્યાએ બાંધકામના પ્લાનમાં જગ્યાનો યોગ્ય ઉપયોગ, વપરાશ માટે સરળતા અને દેખાવે સુંદર હોય તેવી સમજ કુશળ આર્કિટેક્ટની નિશાની છેઆર્કિટેક્ચરના અભ્યાસમાં બિલ્ડિંગના પ્લાનિંગ તથા ડિઝાઈનિંગ જેવી બાબતોનો અભ્યાસ થાય છે. કન્સ્ટ્રક્શન જેમ કે હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રિયલ યૂનિટ્સ, મકાન, મલ્ટિપ્લેક્સ,સ્કૂલ, એરપોર્ટ, મોલ્સ જેવી ઊંચી ઈમારતોને યોગ્ય આકાર પ્રદાન કરવામાં આવે છે. આર્કિટેક્ચરનું કામ માત્ર અહીં જ પૂર્ણ થતું નથી. તેના કામમાં પ્લાનિંગ, નિષ્કર્ષ, ડિઝાઈન, સાવધાનીઓ, કોસ્ટ મેનેજમેન્ટ, તપાસ તથા ક્વોલિટી જેવા કામકાજનો સમાવેશ થાય છે. આર્કિટેક્ચરે ઈમારત અથવા પોતાના નિર્માણ સ્થળનો નકશો તૈયાર કરવાનો હોય છે. જો તમે તમારા કામમાં પરફેક્શન લાવવા માગતા હો તો જટિલમાં જટિલ પરિયોજનાઓનું થ્રીડી મોડલ પણ તૈયાર કરી શકો છો. આ સિવાય લાઈટ ફિટિંગ, વેન્ટિલેશનની વ્યવસ્થા અને ક્યારેક ક્યારેક ભૂતળનું નિર્માણ, સાજ-સજ્જાનો સામાન તથા આંતરિક સજાવટની યોજનાઓનાં ચિત્ર અલગથી તૈયાર કરવાં પડે છે. આર્કિટેક્ટે પોતાની યોજનામાં બીજી બાબતો પર ધ્યાન આપવું પડે છે જેમ કે ફાયર સેફ્ટીના નિયમો, ભવન નિર્માણ સંબંધી કાયદાઓ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન ન થાય.
અભ્યાસક્રમ
વિશ્વની પ્રાચીન અને અર્વાચીન બાંધકામ શૈલી, જમીન કે પ્લોટનો સકુશળ ઉપયોગ, પ્લાન માટે ટેક્નિકલ નોલેજ, વિજ્ઞાન, ગણિત, ભૂમિતિશાસ્ત્ર, યાંંત્રિકીકરણ, વિદ્યુતના નિયમો, રસાયણ વિજ્ઞાન, પદાર્થ પ્રકૃતિ, સંરચના એન્જિનિયરીંગ, સંપત્તિ અધિકાર તેના વિભાજન અને નિર્માણ સંબંધી પ્રતિબંધોની કાનૂની સ્થિતિ, શ્રમ અને સામગ્રીનાં વર્તમાન મૂલ્યો, બાંધકામનું માળખું, પર્યાવરણ, વાસ્તુકળા, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, બાંધકામલક્ષી સામગ્રીનો ઉપયોગ, તેના ગુણધર્મો અને મિશ્રણ.લાયકાત
આર્કિટેક્ચરલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઉમેદવાર વિજ્ઞાન શાખામાં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે એચએસસી પાસ હોવો જોઇએ. આર્કિટેક્ચર ઇન્સ્ટિટયુટમાં એડમિશન માટે ઓલ ઇન્ડિયા એન્જિનિયરીંગ એન્ટ્રેન્સ એકઝામિનેશન, સીબીએસસી બોર્ડની એ આઇ ટ્રીપલ ઇ અથવા નેશનલ એપ્ટિટયુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર આ ત્રણમાંથી એક ઉત્તરોત્તર પરીક્ષામાં ઉત્તીણ થવું અનિવાર્ય છે. માસ્ટર ડિગ્રી માટે વિદેશની ઇન્સ્ટિટયુટમાં પણ એડમિશન લઇ શકાય છે.પ્રાવીણ્ય
આજકાલ મલ્ટિ ટાસ્કિંગ સ્કિલનો ઉપયોગ થતો હોવાથી આર્કિટેક્ટનું ઇમારત સંબંધી દરેક પાસામાં નિષ્ણાત હોવું જરૂરી છે. ઇમારતોના વિવિધ દૃષ્ટિકોણથી પ્લાન તૈયાર કરવા પડે છે. ઇમારતનો પ્રકાર બદલાતાં માળખાની પદ્ધતિ, વપરાશનાં સાધનો, બજેટ બધું જ બદલાય છે. નિવાસ, ભવન, વિદ્યાલયો, હોસ્પિટલ, થિયેટર, ફ્લેટ, કોમ્પ્લેક્ષ કે બ્રિજનો પ્લાન સદંતર અલગ હોય છે અને ધ્યાનમાં લેવાતા મુદ્દાઓ પણ અલગ હોય છે.સ્કોલરશિપ
આર્થિક રીતે નબળા અને મહેનતુ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. સરકારી મદદ કે ગ્રાન્ટ મેળવતી સંસ્થા પણ ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર આર્થિક રીતે નબળા અને સારા મેરિટવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. સેન્ટર સેક્ટર સ્કોલરશિપ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર એસસી/એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને ફીમાં છૂટછાટ આપે છે.એજ્યુકેશન લોન
માત્ર પૈસાને કારણે તમારું આર્કિટેક્ટ બનવાનું સ્વપ્ન અધૂરું ન રહી જાય, તેના માટે પ્રમુખ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દેશ અથવા વિદેશમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે એજ્યુકેશન લોન ઉપલબ્ધ કરાવે છે. દેશમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લોનની સીમા વધુમાં વધુ દસ લાખ રૂપિયા છે, જ્યારે વિદેશમાં જઈને અભ્યાસ કરનારા વિદ્યાર્થી માટે વધુમાં વધુ ૨૦ લાખ નક્કી કરવામાં આવ્યા છે.રોજગારીની તકો
ભારતમાં હાલમાં આવાસની સમસ્યા ટોચે છે. અને યોજનાબદ્ધ, વિકાસશીલ અને સરળ ઔદ્યોગિક માળખાની પણ જરૂરિયાત હોવાથી સરકારી વિભાગોમાં કુશળ આર્કિટેક્ટની માગ છે. સરકારના લોકનિર્માણ વિભાગ, પીડબલ્યુડી, શૈક્ષણિક સંસ્થાઓ, નગર આયોજન વિભાગ, ગ્રામોત્થાન યોજના, સરકારી બાંધકામ વિભાગમાં આજીવિકાના વિકલ્પો છે. આર્કિટેક્ટ કોઇ કન્સ્ટ્રક્શન કંપની માટે કામ કરી શકે છે અને પોતાની ફર્મ પણ ઊભી કરી શકે છે.વેતન
ખાનગી ફર્મમાં કાર્ય કરતા આર્કિટેક્ટનું વેતન ફર્મના નિયમો અને ભારતીય વેતનધારાના નિયમોને આધારિત ચૂકવાય છે. પોતાની સારી કામગીરી બદલ તે બાંધકામના પ્લાનમાં હિસ્સેદારી પણ રાખી શકે છે. પોતાની ફર્મ ચલાવતા આર્કિટેક્ટ સમાજના પ્રતિષ્ઠિતમાં ગણના પામી શકે એટલું વળતર મેળવી શકે છે. સરકારી નોકરીમાં આવકના વિકલ્પ ચકાસીએ તો વેતન મૂલ્ય ઇજનેરી કર્મચારીઓ સમકક્ષનું હોય છે. સરકારી ધારા ધોરણ અને પગારપંચના નિયમો બંધારણોને આધીન આર્કિટેક્ટ સારું વેતન મેળવી શકે છે.જો તમે જૂનિયર આર્કિટેક્ટ તરીકે કામ કરવા ઇચ્છતા હો તો તમને ૧૫થી ૨૦ હજાર રૂપિયા જેટલું માસિક વેતન મળી શકે છે. આ સિવાય સ્પેશ્યલાઈઝેશન કર્યાં પછી તમને ૩૫થી ૪૦ હજાર રૂપિયા પ્રતિમાસ સુધી વેતન મળી શકે છે. જો તમે તમારું પોતાની ફર્મ ખોલવા ઇચ્છતા હો તો આવકની કોઈ મર્યાદા નથી.
સ્પેશ્યલાઈઝેશન
તમે સફળ આર્કિટેક્ટ બનવા માગતા હો તો તમારે બી. આર્કનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નીચેનામાંથી કોઈ એક ક્ષેત્રમાં દક્ષતા મેળવવી પડશે.* આર્કિટેક્ચરલ કન્ઝર્વેશન
* ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન
* અર્બન ડિઝાઈન
* એન્વાયરમેન્ટલ ડિઝાઈન
* હાઉસિંગ
* ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ
* રિજનલ પ્લાનિંગ
* અર્બન પ્લાનિંગ
* બિલ્ડિંગ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ* લેન્ડસ્કેપ આર્કિટેક્ચર.
અભ્યાસક્રમ અને શૈક્ષણિક સંસ્થાઓ* બેચલર ઓફ આર્કિટેક્ચર, સેપ્ટ યુનિર્વિસટી, અમદાવાદ
* બેચલર ઓફ આર્કિટેક્ચર, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી, સુરત
* બેચલર ઓફ આર્કિટેક્ચર, એપીઆઇઇડી, આણંદ
* બેચલર ઓફ આર્કિટેક્ચર, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ
ટેક્નોલોજી, વાસદ
* બેચલર ઓફ આર્કિટેક્ચર, જે જે કોલેજ ઓફ
આર્કિટેક્ચર, મુંબઇ
* માસ્ટર ઓફ આર્કિટેક્ચર એન્ડ અર્બન કન્સર્વેશન, જે જે કોલેજ ઓફ
આર્કિટેક્ચર, મુંબઇ
* બેચલર ઓફ આર્કિટેક્ચર, ગુરુ ગોબિંદસિંગ ઇન્દ્રપ્રસ્થ યુનિર્વિસટી, દિલ્હી