
વોશિંગ્ટન, તા.૮
અમેરિકામાં હવે મંદીને કારણે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને વધુને વધુ અમેરિકનો તેની ઝપેટમાં ભરાઇ રહ્યાં છે. કામથી દૂર રહેવાનું તેમના માટે અર્ધકાયમી સ્થિતિ બની ગઇ છે. આશરે એક તૃતીયાંશ બેરોજગાર (૪૫ લાખ જેટલા) લોકો પાસે એક વર્ષ કે તેથી વધુ સમય માટે કામ નથી. જે એક વિક્રમજનક બાબત છે. જોકે, એમાં તો ઘણાં વૃદ્ધ કામદારો હતા જેમને કામ મળવામાં મુશ્કેલી થઇ હતી.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે, હવે અર્થતંત્રમાં મજબૂતીની શરૃઆત થતાંની સાથે જ લોકોને કામ મળવાની શરૃઆત થઇ છે તેમ છતાં તેમના ભાવિ હજુ પણ ઉજ્જવળ નથી. જો તેમને નોકરી મળે તો તેમને પૈસા પણ પહેલાં મળતાં હતા તેટલા ન મળે તેવી શક્યતા છે.
અમેરિકાએ સપ્ટેમ્બરમાં ૧,૦૩,૦૦૦ નોકરીઓ ઊભી કરી હતી. અર્થતંત્રની મંદીને પગલે પહેલી વખત આટલા પ્રમાણમાં નોકરીઓ ઊભી કરવામાં આવી હતી. આ આંકડાને કારણે તો નવેસરની મંદીની દહેશત કામચલાઉ રીતે દૂર થઇ હતી. પરંતુ હાલમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી વોલ સ્ટ્રીટ અને અમેરિકા પર મંદીનો પડછાયો દેખાયો હતો.
ફેડરલ રિઝર્વના ચેરમેન બેન બેર્નાન્કેએ ગત અઠવાડિયે લાંબાગાળાની બેરોજગારીને "રાષ્ટ્રીય કટોકટી" ગણાવી હતી અને કહ્યું હતું કે, આ કોંગ્રેસની ટોચની પ્રાથમિકતા હોવી જોઇએ. જ્યારે લોકો એક વર્ષ કે તેથી વધુ સમય સુધી કામથી અળગા હોય ત્યારે તેમના કૌશલ્યમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. તેમનું પ્રોફેશનલ નેટવર્ક સંકોચાઇ જાય છે. કંપનીઓ તેને કામે રાખવામાં ખચકાટ અનુભવે છે. તેથી તેમની સમસ્યામાં વધારો થાય છે.
મૂડીઝ એનાલિટિક્સના ચીફ ઇકોનોમિસ્ટ માર્ક ઝાંડીએ જણાવ્યું હતું કે, "આ એક ગંભીર ખતરો છે. લેબર ફોર્સનો એક મોટો હિસ્સો બંધિયાર થઇ ગયો છે. લાંબાગાળાની બેરોજગારી પણ આ મંદી અને તેના નબળા સુધારા માટે જવાબદાર છે. અગાઉ પણ દેશમાં મંદી આવી હતી. પરંતુ આટલા મોટાપાયે બેરોજગારી ન હતી. બેરોજગારો આટલા લાંબા સમય સુધી કામથી અળગા રહે તેમ અગાઉ ક્યારેય બન્યું નહોતું.
શ્રમ વિભાગના આંકડા દર્શાવે છે કે, છેલ્લા દોઢ વર્ષમાં ત્રણમાંથી એક બેરોજગાર પાસે ઓછામાં ઓછા એક વર્ષ સુધી કામ ન હતું. જે ૧૯૮૧-૮૨ની મંદીની સરખામણીએ બમણાંથી પણ વધુ છે. કંપનીઓએ લાંબાગાળાથી બેરોજગારોનો એક હિસ્સો કામ મેળવે તે પહેલાં કંપનીઓએ ઝડપથી તેમને કામે લેવાની કવાયત આરંભી દેવી જોઇએ. જોકે, ઘણી કંપનીઓ તો તેમને અન્ય સંભવિત કામદારોની સરખામણીએ જોખમી માને છે. જ્યાં સુધી અર્થતંત્રમાં સતત મજબૂતી ન દેખાય ત્યાં સુધી કંપનીઓ આ પ્રકારનું જોખમ નહિ લે.
લાંબા ગાળાની બેરોજગારીથી અર્થતંત્રને અસર થાય છે
-આનાથી કામદારોમાં કૌશલ્યનું પ્રમાણ ઘટે છે. પછી ઉપલબ્ધ નોકરીઓ સાથે તેમને તાલ બેસાડવાનું મુશ્કેલ બની જાય છે. જ્યોર્જટાઉન યુનિર્વિસટીના એક અર્થશાસ્ત્રી હોરી હોલ્તઝરે જણાવ્યું હતું કે એક વખત નોકરીઓમાં તેજી આવશે તો ત્યારે કંપનીઓ ફરિયાદ કરશે કે તેઓ તેમને જરૃરી નવાં કૌશલ્ય ધરાવતાં લોકો મળતાં નથી. કંપનીઓને હાલમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જોબ્સ ભરવામાં મુશ્કેલી થઇ રહી છે.
-વધુ લોકોને સરકારી લાભો પર આધાર રાખવો પડશે.
મંદીના ગાળામાં બેરોજગારીના ઊંચા દરો ધરાવતાં રાજ્યોમાં બેરોજગારીના લાભો ૯૯ અઠવાડિયાના વિક્રમજનક સમય સુધી લંબાવવામાં આવ્યા હતા. મેમાં ફૂડ સ્ટેમ્પ્સ મેળવતાં લોકોની સંખ્યા ૪.૫ કરોડે પહોંચી ગઇ હતી, જે એક અન્ય રેકોર્ડ છે. કામ નહિ મેળવી શકતા વૃદ્ધ કામદારો તેમના સોશિયલ સિક્યોરિટીના લાભો વહેલા જ મેળવી લેતા હોય છે. ઘણાંને આરોગ્યની સમસ્યા થઇ છે અને તેઓ સરકારના ડિસએબિલિટી પ્રોગ્રામ પર નિર્ભર રહે છે.
-લાંબા ગાળાથી બેરોજગારો ફરીથી કામ મળે તો તે પહેલાંની સરખામણીએ પગાર કે ભથ્થાં ઓછાં મળવાની સંભાવના રહે છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાંબા ગાળાના બેરોજગારો સરેરાશ ૨૦ ટકા ઓછું કમાય છે.
-મંદી દરમિયાન એક વર્ષથી વધુ સમય સુધી કામથી દૂર રહેનારા બેરોજગારોનું પ્રમાણ વધ્યું છે જે સામાન્યપણે મંદીના ગાળામાં થાય છે પરંતુ જો હવે મંદી દૂર થાય તો કદાચ આ આંકડામાં ઉમેરો થાય તેમ છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ લાંબા ગાળાના બેરોજગારોને મદદ કરવા માટે કેટલાંક પગલાંનું સૂચન કર્યું હતું, તેમની દરખાસ્તોમાં આવાં લોકોને કામે રાખતી કંપનીઓને કરવેરામાં રાહત આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે, જોકે આ પગલાં પૂરતાં નથી તેમ કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.
- બેરોજગારીનો દર ૯.૧ટકાની વિક્રમી સપાટીએ
- અર્થતંત્રમાં સતત મજબૂતી ન દેખાય ત્યાં સુધી કંપનીઓ જોખમ લેવા તૈયાર નથી
- ૧૯૮૧-૮૨ની મંદીની સરખામણીએ બમણાંથી પણ વધુ બેરોજગારો