Monday, October 10, 2011

વિશ્વની જાણીતી સ્પેસ રોકેટ લોન્ચિંગ સાઈટ


સાયન્સ ટોક
કોઈ ઉપગ્રહ કે અવકાશયાન કે અવકાશી સંશોધનો માટેના કાર્યક્રમો માટે ખાસ સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્થળની પસંદગી જે તે દેશ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે અક્ષાંશ-રેખાંશને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
બૈકોનુર
બૈકોનુર કોસ્મોડ્રોમ રશિયમાં આવેલું છે. ૪ ઓક્ટોબર૧૯૫૭ના રોજ સ્પુતનિક-૧ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકવાની સાથે જ રશિયા સ્પેસ રોકેટ લોન્ચિંગ સાઈટ ધરાવનારું પહેલું રાષ્ટ્ર બન્યું હતું. બૈકોનુર નવ લોન્ચિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે.
કાગોશિમા 
કાગોશિમા જાપાનના ક્યુશુ ટાપુ ખાતે આવેલું છે. ૧૧ ફેબ્રુઆરી૧૯૭૦ના રોજ ઓસુમી ઉપગ્રહ તરતો મૂકવાની સાથે જાપાન આ સુવિધા ધરાવનારું ચોથું રાષ્ટ્ર બન્યું હતું.
કેપ કનવેરલ એરફોર્સ સ્ટેશન
 કેપ કનવેરલ સ્ટેશન અમેરિકાના ફ્લોરિડામાં આવેલું છે. ૧૯૫૦માં આ સ્પેસ સાઈટનું નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ૩૧ જાન્યુઆરી૧૯૫૮ના રોજ એક્સપ્લોર ૧ ઉપગ્રહને જ્યુપિટર સી રોકેટ મારફતે અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપગ્રહને અવકાશમાં મૂકવાની સાથે જ અમેરિકા રશિયા બાદ બીજું એવું રાષ્ટ્ર બન્યું હતું જેની પાસે અવકાશી સંશોધનોની સુવિધા હોય.કેપ કનવેરલ ખાતે ટાઈટનડેલ્ટા અને એટલાસ જેવા લોન્ચ કોમ્પ્લેક્સ આવેલાં છે. આ કોમ્પ્લેક્સ ખાતેથી વિવિધ અવકાશી કાર્યક્રમોને આકાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સ્પેસ સ્ટેશન ખાતેથી ૫૦૦ જેટલાં ઉપગ્રહો, માનવરહિત અને માનવસહિત યાનોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
જિકુઆન 
જિકુઆન ચીનમાં આવેલું છે. ૨૪ એપ્રિલ૧૯૭૦ના રોજ માઓ-૧ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવાની સાથે ચીન આ સુવિધા ધરાવનારું પાંચમું રાષ્ટ્ર બન્યું હતું.
કોરાઉ 
કોરાઉ યુરોપના ફ્રેન્ચ ગુયાનામાં આવેલું છે. કેટ નામના ઉપગ્રહને ૨૪ ડિસેમ્બર૧૯૭૯ના રોજ અવકાશમાં તરતો મૂકવાની સાથે યુરોપ સ્પેસ રોકેટ લોન્ચિંગ સેટેલાઈટ ધરાવતું સાતમું રાષ્ટ્ર બન્યું હતું. આ સ્થળને સેન્ટર સ્પેશિયલ ગુયાનાસીસ (સીએસજી) તરીકે ઓળખવામાં આવે છે.
શ્રીહરિકોટા
 શ્રીહરિકોટા આપણું એટલે કે ભારતનું મહત્ત્વનું સ્પેસ લોન્ચિંગ સ્ટેશન છે. ૧૮ જુલાઈ૧૯૮૦ના રોજ કૃત્રિમ ઉપગ્રહ રોહિણી -૧ ને અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂકવાની સાથે ભારત આ ટેક્નોલોજી અને સુવિધા ધરાવતું આઠમું રાષ્ટ્ર બન્યું હતું. એસએલવી એટલે કે સેટેલાઈટ લોન્ચ વેહિકલ મારફતે આ ઉપગ્રહ હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના ઓરિસા ખાતે આ સ્પેસ સ્ટેશન આવેલું છે.
કેનેડી સ્પેસ સેન્ટર 
 કેનેડી સ્પેસ સેન્ટર પણ અમેરિકામાં જ આવેલું છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ. કેનેડીના નામ પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્પેસ સ્ટેશનને અમેરિકાનો ગેટ વે ટુ ધ યુનિર્વિસ એટલે કે અવકાશમાં જવાના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. અવકાશયાનોનું લોન્ચિંગ અને ઉતરણ આ સ્થળે કરવામાં આવે છે. ૧૯૬૦માં ચંદ્ર પર સંશોધન કરવા માટે એપોલો યાન મોકલવા આ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મેરિટ ટાપુ પર આ સ્ટેશન સ્થિત છે.
પાલ્માહમ
પાલ્માહમ ઈઝરાયેલના નેગ્યુ રણમાં આવેલું છે. ૧૯ સપ્ટેમ્બર૧૯૮૮ના રોજ હોરિઝોન ૧ નામનો ઉપગ્રહ લોન્ચ કરવાની સાથે ઈઝરાયેલ આ સુવિધા ધરાવનારું નવમું રાષ્ટ્ર બન્યું હતું.