Saturday, October 1, 2011

આજથી વન-ડેના નવા નિયમ અમલી


નવી દિલ્હી : તા. 30
વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ૧ ઓક્ટોબર એટલે કે આવતીકાલથી પરિવર્તનનો પવન ફૂંકાશે. આઇસીસી દ્વારા વન-ડે અને ટેસ્ટ ક્રિકેટના નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છેતેનો આવતીકાલથી અમલ થવાનું શરૃ થઇ જશે. ૧૪ ઓક્ટોબરે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ એ નવા નિયમ સાથેની સૌપ્રથમ વન-ડે હશે. આવતીકાલથી ક્રિકેટમાં કયા નવા નિયમ જોવા મળશે તેના ઉપર એક નજર...
બે છેડે બે નવા બોલ
વન-ડે ક્રિકેટમાં હવે બે છેડે અલગ-અલગ બોલથી બોલિંગ કરવાની રહેશે. અગાઉ ૩૫મી ઓવરથી બોલને બદલી દેવાનો નિયમ હતો જેને નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમથી એક બોલથી ૨૫ ઓવર બોલિંગ થઇ શકશે. આમજૂના બોલ વડે રિવર્સ સ્વિંગ કરનારા બોલરો માટે હવે થોડી મુશ્કેલી રહેશે. ખાસ એશિયન ઉપખંડની પરિસ્થિતિમાં વધુ પડતાં ઉપયોગને કારણે આકાર બદલાઇ જવાથી બોલને અધવચ્ચેથી બદલવો પડતો હતો. આ બોલ બદલવાનું હવે ઓછું થઇ જશે.
પાવરપ્લે
વન-ડેમાં પ્રથમ ૧૦ ઓવર દરમિયાન પાવરપ્લે હોય છે. આ પછી અગાઉના નિયમ પ્રમાણે બેટિંગ કે બોલિંગ ટીમ ૧૧થી ૫૦ ઓવર દરમિયાન પોતાની પરિસ્થિતિ અનુસાર પાંચ ઓવર માટે પાવરપ્લે લેતી હતી. જેના સ્થાને હવે બેટિંગ અને બોલિંગ ટીમે ૧૬થી ૪૦ ઓવર દરમિયાન ફરજિયાત પાવરપ્લે લઇ લેવો પડશે. ૪૧મી ઓવર બાદ હવે કોઇ પાવરપ્લે નહીં મળે. જેનાથી વન-ડેમાં ૧૬થી ૪૦ ઓવર દરમિયાન પણ રસ જળવાઇ રહેશે તેમ મનાઇ રહ્યું છે.
રનર્સ
હવેથી ઘાયલ બેટ્સમેન રનરનો ઉપયોગ કરી શકશે નહીં. આમઘાયલ બેટ્સમેનને હવે સીધા ડ્રેસિંગરૃમમાં જવું પડશે. આ ઘાયલ બેટ્સમેન ૯ વિકેટના પતન બાદ રનર સાથે બેટિંગ કરવા આવી શકશે. આમકોઇ  મુખ્ય બેટ્સમેનને ચાલુ મેચે ઈજા થશે તો તેની ટીમ માટે મુશ્કેલી વધી જશે. અગાઉ કેટલાક બેટ્સમેન બનાવટી ઈજા બતાવી રનર સાથે પૂરી ઇનિંગ્સ બેટિંગ કરી લેતા હતા. રનરનો ઉપયોગ નહીં કરવાના નિયમ સામે મોટાભાગના બેટ્સમેનોએ નારાજગી વ્યક્ત કરી છે.
ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ
કોઇ બેટ્સમેન રન દોડતાં-દોડતાં રન આઉટથી બચવા પોતાની દોડવાની દિશા બદલી લેશે તો તેને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ હેઠળ આઉટ આપવામાં આવશે. જોકેકોઇ બેટ્સમેનને આ માટે આઉટ આપવો કે કેમ એ અંગેનો નિર્ણય છેલ્લે અમ્પાયરે લેવાનો રહેશે. આ માટે ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયરની પણ મદદ લઇ શકશે. આમબેટ્સમેન માટે દોડતાં-દોડતાં પોતાની સ્માર્ટનેસ બતાવવી હવે ભારે પડી શકે એમ છે.
નોનસ્ટ્રાઇકર રનઆઉટ
અગાઉ બોલર ક્રિઝ ઉપર પહોંચ્યા બાદ ક્રિઝ બહારના નોનસ્ટ્રાઇકર બેટ્સમેનને રનઆઉટ કરી શકતો હતો. જેના સ્થાને હવે બોલર પહેલા પોતાની નોર્મલ ડિલિવરી સ્વિંગ પૂરી કર્યા બાદ નોનસ્ટ્રાઇકર બેટ્સમેનને રન આઉટ કરી શકશે. આઇસીસીના અગાઉના નિયમથી બેટ્સમેનોને ફાયદો થતો હતો.
ટેસ્ટના પરિણામ માટે એક્સ્ટ્રા ટાઇમ
અમ્પાયરને લાગે કે કોઇ ટેસ્ટનું પરિણામ આવી શકે એમ છે તો તે ૧૫ મિનિટ (૪ ઓવર)નો એક્સ્ટ્રા ટાઇમ આપી શકશે. અલબત્તઆ માટે બેટિંગ કે બોલિંગ ટીમના સુકાનીએ પહેલાં અમ્પાયરને વિનંતી કરવી પડશે.
લંચ મોડો પડશે
કોઇ ટીમે ૯ વિકેટ ગુમાવી દીધી હોય તો લંચ અને ટી ૩૦ મિનિટ સુધી પાછળ લઇ જઇ શકાય છે. અગાઉ આ નિયમ માત્ર ટી ટાઇમ વખતે લાગુ પડતો હતો.