Saturday, October 1, 2011

રાઈ અને સરસવથી મેદસ્વીતા દૂર થાય છે


લંડનતા.૩૦
ગુજરાતીમાં કહેવત છે કે 'નાનો પણ રાઈનો દાણો'. આ કહેવતને શારીરિક તંદુરસ્તીના સંદર્ભમાં મૂલવીએ તો નાનકડો રાઈનો દાણો સાચા અર્થમાં શરીરને મજબૂત અને કસાયેલું બનાવે છે અને મેદસ્વીતા તેમજ ચરબીને દૂર કરે છે. હ્યુમન હેલ્થ ઇન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે રાઈ કે સરસવનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરનું જાડાપણું દૂર થાય છે અને સ્નાયુઓને મજબૂત બનાવીને શરીરને કસાયેલું રાખે છે.
  • સ્નાયુઓને મજબૂત બનાવી શરીરને કસાયેલું રાખે છે
રાઈ કે સરસવના છોડમાં રહેલું હોમોબ્રાસિનોલાઈડ શરીરની પોષણની અને ચયાપચયની પ્રક્રિયાને વધારે સક્રિય બનાવે છેજેને કારણે પાચનક્ષમતા વધે છે અને મસલ્સ મજબૂત બને છે. શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવવા માટે તેમજ મસલ્સને મજબૂત બનાવવા માટે રાઈ અને સરસવના દાણામાં રહેલું બ્રાસિનોસ્ટેરોઈડ અકસીર પુરવાર થશે તેવું સ્લાવકો કોમાર્નીટસ્કીએ જણાવ્યું હતું. સ્લાવકો દ્વારા રાઈ અને સરસવના છોડનો અભ્યાસ કરીને તેમાં રહેલાં ઘટકોની શરીર પર અસરો અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.
કોમાર્નીટસ્કી અને તેના સાથીઓએ કેટલાક ઉંદરો પર આ અંગે પ્રયોગો કર્યા હતા અને ઉંદરોના મસલ્સમાં રહેલા પ્રોટીન સિન્થેસિસના પ્રમાણનો અભ્યાસ કર્યો હતો. તંદુરસ્ત ઉંદરોને ૨૪ દિવસ માટે હોમોબ્રાસિનોલાઈડ આપવામાં આવ્યા પછી તેમના વજનમાં ઘટાડો થયો હતો અને ચરબીનું પ્રમાણ ઘટયું હતું તેમજ મસલ્સ મજબૂત બન્યા હતા. માનવીઓને પણ રાઈ અને સરસવથી ફાયદો કેવી રીતે થાય તે માટે વધુ પ્રયોગો હાથ ધરાઈ રહ્યાં છે.