Saturday, October 1, 2011

દુનિયામાં પાર્કિંગની દૃષ્ટિએ દિલ્હી સૌથી ખરાબ


નવી દિલ્હીતા.૩૦
શહેરોમાં પાર્કિંગની સમસ્યા હવે કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી રહી. તે વિવિધ દેશોનાં મોટાં શહેરોમાં માથાના દુખાવા સમાન બની રહી છે. દેશનું પાટનગર દિલ્હી પાર્કિંગની દૃષ્ટિએ વિશ્વમાં સૌથી ખરાબ શહેર પૈકી એક છે. પાર્કિંગ માટે ખરાબમાં ખરાબ શહેરોની વૈશ્વિક યાદીમાં દિલ્હી ટોપ ઉપર છે. વિશ્વના ટોચનાં ૨૦ શહેરોને આવરી લઈને કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કેરાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બની ગઈ છે.
 મલ્ટીનેશનલ કંપની આઈબીએમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પાર્કિંગ ઇન્ડેક્સના આધારે દિલ્હી વિશ્વમાં સૌથી ખરાબ છે. પાર્કિંગની જગ્યા શોધવા માટે લાગતો સમય અને પાર્કિંગના સ્થળ માટે વિવાદ અને બોલાચાલી તથા ગેરકાયદે પાર્કિંગ માટે ટિકિટ મેળવવા માથાકૂટ,પાર્કિંગની જગ્યા માટે ખેંચતાણ માટે લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દિલ્હી ૧૪૦ના સ્કોર સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે વૈશ્વિક યાદીમાં ભારતીય શહેર બેંગ્લોર બીજા સ્થાને છે. ૨૦ શહેરોની યાદીમાં આ બે ભારતીય શહેરો સ્થાન મેળવી શક્યાં છે. દિલ્હી જ્યારે વર્લ્ડ ક્લાસ સિટીનો દરજ્જો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે ખરાબ પાર્કિંગ સિસ્ટમ તેમાં અવરોધરૃપ છે.
દિલ્હી માત્ર પાર્કિંગની તકલીફ માટે જ નહીં પણ શહેરમાં અવરજવર કરતા લોકોના ખરાબ વર્તન માટે પણ પંકાઈ ગયું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કેપાર્કિંગની જગ્યાના મામલે દિલ્હીના ડ્રાઈવરો સૌથી વધારે લડાઈ ઝઘડા કરતા નજરે પડે છે. દિલ્હીમાં ૭૦ લાખથી વધુ વાહનો રોડ પર હાલ ફરી રહ્યાં છે અને દરરોજ ૯૦૦થી વધુ વાહનોનો ઉમેરો થતો રહ્યો છે ત્યારે વાહનોનાં પાર્કિંગ માટે દિલ્હીમાં જગ્યા ઘણી ઓછી છે. દિલ્હીમાં ટ્રાફિક વધતો જાય છે પણ રસ્તાઓ સાંકડા છે જેને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
વૈશ્વિક રીતે ૪ પૈકી એક વ્યક્તિ છેલ્લાં વર્ષમાં પાર્કિંગની જગ્યાના મામલે ડ્રાઇવર સાથે દલીલો કરતા નજરે પડી છે. દિલ્હીમાં ૫૮ ટકા લોકોએ પાર્કિંગના મામલે લડાઈ ઝઘડા કર્યા હોવાની કબૂલાત કરી છે. વૈશ્વિક રીતે ડ્રાઇવરો પાર્કિંગની જગ્યાના મામલામાં ૨૦ મિનિટનો સમય ગાળે છે. વિકસિત અને વિકાશસીલ દેશોમાં ડ્રાઇવરો પાર્કિંગને લઈને ઘણી તકલીફનો સામનો કરે છે. દિલ્હીમાં હવે ખરાબ રસ્તા અને પાર્કિંગ માટેના ઝઘડા સામાન્ય બની રહ્યાં છે. કાર પાર્કિંગ માટે મારામારી અને હત્યાના કિસ્સાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
વિશ્વમાં છ ખંડનાં ૨૦ શહેરોમાં પાર્કિંગની સમસ્યાએ ખરાબ સ્વરૃપ લીધું છે. શહેરોના ૮૦૪૨ પદયાત્રીઓમાંથી અડધોઅડધ લોકોએ તેમને પાર્કિંગ માટે યોગ્ય સ્થળ શોધવામાં મુશ્કેલી પડી હોવાનું જણાવ્યું હતું. 
  • વિશ્વનાં ૨૦ શહેરોને આવરી લેતાં સર્વેમાં ઘટસ્ફોટ
  • બેંગ્લોર પાર્કિંગની સમસ્યામાં બીજા નંબરે