નવી દિલ્હી, તા. ૩૦
દેશનાં ફાર્મા સેક્ટરમાં કુશળ કર્મચારીઓ અને માનવ સંસાધનની અછત નિવારવાનાં હેતુ માટે કેન્દ્ર સરકારે ગુજરાતનાં ગાંધીનગર સહિત દેશમાં છ સ્થળોએ નવી નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. નવી સંસ્થાઓ ગાંધીનગર, હૈદરાબાદ, કોલકાતા, હાજીપુર, ગુવાહાટી અને રાયબરેલી ખાતે શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મનમોહન સિંહનાં વડપણ હેઠળની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. ૬૩૩.૧૫ કરોડનાં ખર્ચે સ્થપાનારી આ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તરનું શિક્ષણ અપાશે અને સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.
કેબિનેટની બેઠકમાં હેલ્થકેર સપ્લાય માટે સેન્ટ્રલ એજન્સી સ્થાપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જેને કારણે જુદાજુદા રોગો માટેની દવાઓ અને રસીની પ્રાપ્તિ સરળ બનશે. આ સ્વાયત્ત સંસ્થા માટે રૂ. ૫૦ કરોડની ફાળવણી કરાઈ છે. સરકાર દ્વારા મહત્વાકાંક્ષી માઈનિંગ બિલનાં મુસદાને બહાલી આપવામાં આવી છે. જેમાં કોલસાનાં પ્રોજેક્ટથી અસરગ્રસ્તોને સહાય માટે ખાણકામ કરનારાઓએ નફામાંથી ૨૬ ટકા હિસ્સો ફાળવવાનો રહેશે જ્યારે નોન કોલ માઈનર્સ માટેની જવાબદારી તેમને મળનાર રોયલ્ટી જેટલી નક્કી કરવામાં આવી છે. આ બિલને કારણે ગેરકાયદે માઈનિંગની સમસ્યા ઉકેલાશે તેવી ધારણા છે.
- હેલ્થકેર સપ્લાય માટે સેન્ટ્રલ એજન્સી સ્થાપવા દરખાસ્ત
- કેબિનેટ દ્વારા માઈનિંગ બિલનાં મુસદાને બહાલી